ક્રિકેટની સફેદ લાઈનો જે બદલે રમતનું નસીબ! – જાણો ક્રીઝ વિશે શું છે ICCનો નિયમ નંબર-7
ક્રિકેટ એ માત્ર બેટ અને બોલની રમત નથી, તેમાં મેદાન પર દોરાયેલી લાઈનો પણ બહુ મોટું કામ કરે છે. આ લાઈનોને ક્રીઝ કહેવામાં આવે છે. ICC રૂલબુક અનુસાર, નિયમ નંબર 7 “The Creases” આ લાઈનો વિશે માહિતી આપે છે. આ આર્ટીકલમાં આપણે “ધ ક્રીઝ” એટલે શું અને તેનો ઉપયોગ શું છે તે વિશે જાણીશું.

ICCના નિયમ નંબર 7 અનુસાર 'The Creases' એ પિચ પર દોરવામાં આવતી સફેદ લાઈનો છે, જે ફિલ્ડિંગ, બોલિંગ અને બેટિંગના મહત્વપૂર્ણ નિયમોને નિયંત્રિત કરે છે. ICC રૂલબુક અનુસાર ક્રિકેટમાં મુખ્ય ત્રણ પ્રકારની ક્રીઝ હોય છે : બોલિંગ ક્રીઝ, પોપિંગ ક્રીઝ અને રિટર્ન ક્રીઝ.

બોલિંગ ક્રીઝ એ લાઈન છે જ્યાંથી બોલર બોલ ફેંકે છે. આ લાઈન 8 ફૂટ 8 ઈંચ (2.64 મીટર) લાંબી હોય છે. તે સ્ટમ્પની લાઈનમાં હોવી જોઈએ. બોલરનો આગળનો પગ આ લાઈનથી બહાર જાય તો 'નો બોલ' ગણાય છે.

પોપિંગ ક્રીઝ એ લાઈન છે જ્યાંથી બેટ્સમેનના “સેફ” (સુરક્ષિત) હોવાનો નિર્ણય લેવાય છે. જે બોલિંગ ક્રીઝની સામે 4 ફૂટ (1.22 મીટર) આગળ હોય છે. બેટ્સમેન આ લાઈનની અંદર હોય તો રનઆઉટ કે સ્ટમ્પ આઉટ થતો નથી. આ લાઈન બંને બાજુઓએ ઓછામાં ઓછા 6 ફૂટ (1.83 મીટર) લાંબી હોવી જોઈએ.

રિટર્ન ક્રીઝ બોલર માટે બાજુની મર્યાદા બતાવતી લાઈનો છે. આ લાઈનો સ્ટમ્પથી 4 ફૂટ 4 ઈંચ (1.32 મીટર) બાજુએ હોય છે અને પોપિંગ ક્રીઝથી ઓછામાં ઓછા 8 ફૂટ (2.44 મીટર) સુધી હોય છે.

ક્રીઝ બેટ્સમેન અને બોલર માટે મર્યાદા નક્કી કરે છે. પોપિંગ ક્રીઝ પરથી બેટ્સમેન સેફ છે કે નહીં તે જાણી શકાય છે. બોલિંગ અને રિટર્ન ક્રીઝ બોલર કઈ રીતે અને ક્યાંથી બોલ ફેંકી શકે છે તે નક્કી કરે છે. આ લાઈનોના આધારે અમ્પાયર નિર્ણય લે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
