વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓ થયા ટીમની બહાર, આ કારણોસર ન મળી જગ્યા
ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ટી20 સિરીઝમાં પોતાની અડધી ટીમ બદલી છે. ભારત સામે સતત બે હાર બાદ આ નિર્ણય લીધો છે. પરંતુ તેમની ટીમ બદલવાનું આ એકમાત્ર કારણ નથી. અડધી ટીમ બદલવાનો મતલબ ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ છે.

ભારત સામેની ત્રીજી ટી20 પહેલા ઓસ્ટ્રેલિયાએ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ તેને પોતાની અડધી ટીમ બદલી છે. મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાએ સિરીઝની વચ્ચે જ તેના 6 ખેલાડીઓને ઘરે પરત ફરવાની ટિકિટ આપી છે. સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલના નામ પણ એ ખેલાડીઓમાં સામેલ છે. આ સિવાય 4 વધુ ખેલાડીઓ છે. પરંતુ આ તમામ ખેલાડીઓ ભારતથી ઓસ્ટ્રેલિયા માટે એકસાથે નહીં પરંતુ બે ભાગમાં રવાના થશે.

6 ખેલાડીઓની બહાર થયા બાદ, જેમાં સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ સિવાય એડમ ઝમ્પા, માર્કસ સ્ટોઈનિસ, જોશ ઈંગ્લિસ અને સીન એબોટનું નામ છે. ઓસ્ટ્રેલિયાની છેલ્લી ત્રણ ટી20 માટે નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયેલા ખેલાડીઓમાં સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા આજે રાત્રે એટલે કે 28મી નવેમ્બરે ફ્લાઈટ દ્વારા ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. જ્યારે બાકીના 4 ખેલાડીઓની ફ્લાઈટ 29 નવેમ્બરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટી20 મેચોની સિરીઝની પહેલી બે મેચ રમાઈ ગઈ છે. વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી બે મેચ ભારતના નામે હતી. આ સાથે ભારત સિરીઝમાં 2-0થી આગળ છે. હવે જો તેઓ ગુવાહાટીમાં ત્રીજી ટી-20 પણ જીતશે તો સિરીઝ પર કબજો કરી લેશે. સ્મિથ, ઝમ્પા, મેક્સવેલ જેવા મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં ભારત માટે આ કરવું સરળ બની ગયું છે.

આ 6 ખેલાડીઓના બહાર થયા પછી અપડેટેડ ટીમમાં મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન ડવાર્સહુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડોર્મોટ, જોશ ફિલિપ્સ, તનવીર સંઘા. મેટ શોર્ટ, કેન રિચાર્ડસનનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે આ સિરીઝમાંથી જે 6 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, તે તમામ 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતા અને સતત ક્રિકેટ રમી રહ્યા હતા. તેમને ટી20 સિરીઝમાંથી બ્રેક આપવાનું એક કારણ આવનારી ટેસ્ટ સિરીઝ અને અન્ય ટૂર્નામેન્ટ છે.
