Breaking News : શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી, જુઓ Video
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાના વિરોધમાં NSUI દ્વારા મોડી રાત્રે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી. DEO દ્વારા કાર્યવાહી ન થતાં NSUIએ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રોજ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ એકવાર ફરી ગંભીર વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાના વોશરૂમમાં એક વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો થયાની ઘટના બાદ હવે મામલો રસ્તા પર આવી ગયો છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) દ્વારા મોડી રાત્રે શાળાને તાળાબંધી કરી તંત્ર સામે કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરમ દિવસે શાળાના વોશરૂમમાં વિદ્યાર્થીઓના એક જૂથે અન્ય એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બ્લેડ વડે ઘા મારવામાં આવ્યા હોવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની ગંભીરતા છતાં શાળા તંત્ર અને જવાબદાર સત્તાધીશો તરફથી કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઘટના કોઈ એકલદોકલ બનાવ નથી. સેવન્થ ડે સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડા અને હિંસાના બનાવો સામે આવ્યા હોવાનું કહેવામાં આવે છે. શાળાના પરિસરમાં વધતી આક્રમકતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ઘટનાના બીજા જ દિવસે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. NSUIની મુખ્ય માંગ હતી કે શાળાના આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે વધી રહેલી હિંસાના મૂળ કારણોની તપાસ કરી કડક પગલાં લેવામાં આવે. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ કાર્યવાહી નહીં થાય શાળાની તાળાબંધી કરવામાં આવશે.
જોકે NSUIની રજૂઆત બાદ પણ કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતાં ગઈકાલે મોડી રાત્રે NSUIના કાર્યકરો સેવન્થ ડે સ્કૂલ પહોંચ્યા હતા અને શાળાના મુખ્ય ગેટ પર તાળું મારી દીધું હતું. NSUIએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, ત્યાં સુધી દરરોજ આ રીતે તાળાબંધી ચાલુ રહેશે.
હાલ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ જિલ્લા શિક્ષણ અધિકારીના સીધા નિયંત્રણ હેઠળ હોવાથી હવે તમામની નજર DEOના નિર્ણય પર ટકી છે. આ ઘટનાએ અમદાવાદના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે, શું શાળાઓ વિદ્યાર્થીઓ માટે સાચે સુરક્ષિત રહી છે?
input credit : Narendra Rathod
રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું

