Top 5 Russian Series: રશિયન શોખીનો માટે ખાસ ! હોલીવુડને પણ ટક્કર આપતી આ ‘5 સિરીઝ’ તમારો વીકેન્ડ સુધારી દેશે…
રશિયન કન્ટેન્ટની વાત આવે તો તેની અલગ જ ઓળખ જોવા મળે છે. હોલીવુડને પણ ટક્કર આપતી કેટલીક રશિયન સિરીઝ આજે દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે.

The Boy's Word (Blood on the Asphalt): આ સિરીઝ 1980ના દાયકાના અંતિમ વર્ષોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યાં રશિયા એક મોટા સામાજિક બદલાવમાંથી પસાર થઈ રહ્યું હતું. આ વાર્તા બે 14 વર્ષના છોકરાઓ, આન્દ્રે અને માતની આસપાસ ફરે છે, જેઓ ગરીબી તેમજ હિંસાથી ભરેલી દુનિયામાં સુરક્ષા શોધવા માટે ગલીઓના ગેંગ કલ્ચરનો આશરો લે છે. 8 એપિસોડની આ સિરીઝમાં શેરીઓના ખતરનાક નિયમો અને બાળકોનું ગુનાખોરી તરફ વળવું ખૂબ જ અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે. જો તમને ક્રાઈમ ડ્રામા અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ગમતી હોય, તો આ 7.6 રેટિંગ ધરાવતી સિરીઝ તમારા માટે એક ઉત્તમ પસંદગી છે.

The Romanovs: જો તમને ઈતિહાસમાં રસ હોય, તો 'ધ રોમાનોવ્સ' એક શાનદાર ડોક્યુ-ડ્રામા સિરીઝ છે. આ સિરીઝ રશિયા પર વર્ષ 1613 થી વર્ષ 1917 સુધી શાસન કરનાર પ્રખ્યાત રોમાનોવ રાજવંશનો સંપૂર્ણ ઈતિહાસ રજૂ કરે છે. 8.2 રેટિંગ સાથે આ લિસ્ટમાં સૌથી વધુ લોકપ્રિય આ શો વર્ષ 1917ની ઓક્ટોબર ક્રાંતિ સુધીના રોમાનોવ પરિવારના સત્તાના ઉદય અને પતનની સફરને આકર્ષક રીતે બતાવે છે. આ રશિયન શાહી પરિવારના વૈભવ, રાજકીય ષડયંત્રો અને કરુણ અંતને સમજવા માટેની શ્રેષ્ઠ સિરીઝ ગણાય છે.

Monastyr / The Monastery: આ સિરીઝ એક રોમાંચક અને આધ્યાત્મિક વળાંકોવાળી વાર્તા છે, જે મારિયા નામની એક બેદરકાર યુવતી પર આધારિત છે. એક અબજોપતિ દંપતી સાથે વેકેશન દરમિયાન ઊભા થયેલા સ્કેન્ડલથી બચવા માટે મારિયા એક દૂરના આશ્રમ (મોનાસ્ટરી) માં આશરો લે છે. આ 7 એપિસોડની સિરીઝમાં એ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એક સામાન્ય યુવતીની હાજરી તે પવિત્ર સ્થળના લોકોના જીવનમાં બદલાવ લાવે છે. 5.9 રેટિંગ ધરાવતી આ સિરીઝ ડ્રામા અને રહસ્યનો સારો સમન્વય છે, જે દર્શકોને એક નવી પ્રકારની વાર્તા પૂરી પાડે છે.

Igra na vyzhivanie / The Game of Survival: આ એક અત્યંત રોમાંચક એડવેન્ચર-થ્રિલર સિરીઝ છે. વાર્તામાં 16 લોકો એક રિયાલિટી શોના શૂટિંગ માટે કોઈ નેટવર્ક વગરની જગ્યાએ ભેગા થાય છે, જ્યાં મોટું ઇનામ મેળવવા માટે તેમણે અંત સુધી ટકી રહેવું પડે છે. એવામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે સમગ્ર શૂટિંગ ક્રૂ અચાનક ગાયબ થઈ જાય છે અને સાચી અસ્તિત્વની લડાઈ (Survival Game) શરૂ થાય છે. વર્ષ 2020 માં આવેલી આ 21 એપિસોડની સિરીઝનું રેટિંગ 7.1 છે, જે સસ્પેન્સ પ્રેમીઓ માટે બેસ્ટ છે.

The Blood Lady: આ ઐતિહાસિક સિરીઝ રશિયાની અત્યંત ક્રૂર મહિલા દારિયા સાલ્ટિકોવા (Dariya Saltykova) ના વાસ્તવિક જીવન પર આધારિત છે. વર્ષ 2018 માં રિલીઝ થયેલી આ 16 એપિસોડની સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે આ વારસદાર મહિલાએ પોતાની ક્રૂરતાને કારણે ઇતિહાસમાં સ્થાન મેળવ્યું અને તેને રશિયાની પ્રથમ 'સીરીયલ કિલર' તરીકે ગણવામાં આવી. 6.5 રેટિંગ ધરાવતી આ સિરીઝ ડાર્ક અને પીરિયડ ડ્રામા જોનારાઓ માટે એક આઘાતજનક અનુભવ જેવી છે.
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ લોકોમાં ખૂબ જ ફેમસ થઈ છે. એવામાં TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ, જેને વાંચવા અહીં ક્લિક કરો
