Ahmedabad: સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું : બોરિસ જોન્સન
દેશની આઝાદીનું લડતનું મહત્વનું સેન્ટર એટલે અમદાવાદના સાબરમતી સ્થિત ગાંધીજીનો આશ્રમ. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ગાંધી આશ્રમની મુલાકાતથી ભારત પ્રવાસનો પ્રારંભ કર્યો.

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે.

ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન સવારે 8 વાગે એરપોર્ટ પર લેન્ડ થયા બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ યુકેના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જે બાદ યુકેના પીએમ રોડ શો મારફતે હોટેલ હયાત પહોંચ્યા હતા.

યુકેના વડાપ્રધાન અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા.

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવ્યા બાદ બોરિસ જોન્સને રેંટિયો પણ કાંત્યો હતો. અને રેટિંયા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવતી હતી. જે બાદ ગાંધી આશ્રમની પ્રવૃત્તિ, બાપુના જીવન અને નિયમો અંગે પણ જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન મીઠાના કર અંગે જાણી બ્રિટનના વડાપ્રધાને આશ્ચર્ય અનુભવ્યું હતું. ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓએ એક પુસ્તક અને સ્મૃતિચિન્હ પણ બોરિસ જોન્સનને ભેટ આપ્યું હતું. આ મુલાકાત સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજર રહીને સતત માર્ગદર્શન આપ્યું હતું.