મહાકુંભમાં પતિને અઘોરી બાવાના વેશમાં જોઈ ચોંકી ગઈ પત્ની, 27 વર્ષ પહેલા પટનાથી ગાયબ થયો હતો પતિ
મહાકુંભમાં એક પરિવારને 27 વર્ષ પહેલા ગુમ થયેલો પરિજન મળી આવ્યો. જો કે આ શખ્સ હવે 65 વર્ષના થઈ ચુક્યા છે. અને તેઓ અઘોરી સાધુ બની ગયા છે. અઘોરી બનેલા આ શખ્સે જો કે પરિવારના દાવાને નકાર્યો છે. પરંતુ પરિવારે તેના શરીર પર કેટલાક નિશાન બતાવી દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો જ સદસ્ય છે.
![મહાકુંભમાં પતિને અઘોરી બાવાના વેશમાં જોઈ ચોંકી ગઈ પત્ની, 27 વર્ષ પહેલા પટનાથી ગાયબ થયો હતો પતિ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Missing-Husband-Find-in-Kumbh.jpg?w=1280)
તમે લોકોને ઘણીવાર એવી મજાક કરતા સાંભળ્યા હશે કે “અરે કુંભના મેળામાં ખોવાઈ ગયો હતો કે શું” બસ આવી જ કહાની ઝારખંડથી સામે આવી છે. ઝારખંડના એક પરિવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાંથી 27 વર્ષ પહેલા ખોવાયેલા તેમના પરિવારના સદસ્યને શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો છે.
1998માં થયા હતા ગુમ
પરિવારનું કહેવુ છે કે 1998માં ગુમ થયેલા ગંગાસાગર યાદવ હવે અઘોરી સાધુ બની ગયા છે. જેમને લોકો બાબા રાજકુમાર નામથી ઓળખે છે. તેમની ઉંમર 65 વર્ષ છે. ગંગાસાગર 1998માં પટના ગયા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા અને તેમની કોઈ જ ભાળ 27 વર્ષ સુધી મળી શકી ન હતી. તેમનીા પત્ની ધનવા દેવીએ એકલા જ તેમના બંને દીકરા કમલેશ અને વિમલેશનું લાલન પાલન કરી મોટા કર્યા.
ગંગાસાગરના નાના ભાઈ મુરલી યાદવનું કહેવુ છે કે અમે ગુમ થયેલા ભાઈના પરત મળવાની આશા જ છોડી દીધી હતી પરંતુ હાલમાં જ અમારા એક સંબંધીએ કુંભ મેળામાં એક સાધુને જોયા, જે ગંગાસાગર જેવા દેખાતા હતા. તેમણે તેની તસવીર અમને મોકલી. તસવીર જોઈને અમે તુરંત ધનવા દેવી અને તેમના બંને દીકરાઓને લઈને કુંભ મેળામાં પહોંચ્યા.
બાબા રાજકુમારે પરિવારનો દાવો નકાર્યો
પરિવારનો દાવો છે કે તેમણે બાબા રાજકુમારના રૂપમાં ગંગાસાગર યાદવને ઓળખ્યા. પરંતુ સાધુએ તેઓ ગંગાસાગર હોવાના દાવાને તુરંત નકારી દીધો. બાબા રાજકુમારે ખુદને વારાણસીના સાધુ ગણાવતા કહ્યુ કે તેમનો ગંગાસાગર સાથે કોઈ જ સંબંધ નથી. તેમની સાથે રહેલા અન્ય એક સાધવીએ પણ તેમની વાતનું સમર્થન કર્યુ.
શરીર પર રહેલા નિશાન જોઈ પરિવારે કર્યો દાવો
જો કે પરિવારે તેમના શરીર પર રહેલા કેટલાક વિશેષ પ્રકારના ચિહ્નોને આધાર બનાવી દાવો કર્યો કે તેઓ જ ગંગાસાગર છે. તેમણે તેમના મોટા દાંત, માથા પર ઈજાના નિશાન અને ઘૂંટણ પર રહેલા જુના જખ્મોના નિશાન બતાવતા કહ્યુ કે આ એ જ વ્યક્તિ છે. પરિવારે કુંભના મેળામાં રહેલી પોલીસ પાસે પણ આ મામલે મદદ માગી છે અને DNA ટેસ્ટ કરાવવાની માગ કરી છે. જેથી કરીને વ્યક્તિની અસલી ઓળખ સાબિત થઈ શકે.
DNA ટેસ્ટ કરાવવાની માગ
ભાઈ મુરલી યાદવનું કહેવુ છે કે અમે કુંભ મેળો સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા છીએ. જો જરૂર પડશે તો DNA ટેસ્ટ કરાવી સત્ય સામે લાવશુ. જો ટેસ્ટમાં અમારો દાવો ખઓટો સાબિત થશે તો અમે બાબા રાજકુમારની માફી માગી લેશુ. હાલ પરિવારના કેટલાક સદસ્યો કુંભ છોડી તેમના ઘરે જવા નીકળી ગયા છે અને કેટલાક લોકો રોકાયા છે જેઓ બાબા રાજકુમાર પર નજર રાખી રહ્યા છે.
27 વર્ષ પહેલા પટનાથી ગંગાસાગર ગુમ થયા બાદ તેમનો પરિવાર સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. તેમના મોટા પુત્રની ઉમર તે સમયે માત્ર બે વર્ષ હતી. હવે એ જોવાનું રહેશે કે શું DNA ટેસ્ટ દ્વારા સત્ય સામે આવશે કે પછી પરિવાર ખરેખર કોઈ ગેરસમજનો શિકાર થયો છે.