Breaking News : ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણીના એક દિવસ પહેલા જ હાઈકોર્ટે આપ્યો સ્ટે
સંઘ પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં હતા. 15 જગ્યાઓ માટે 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી હતી.
ઈન્ડિયન રેસલિંગ એસોસિએશનની (કુસ્તી સંઘ) ચૂંટણીમાં મતદાન પહેલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આગળના આદેશો સુધી સ્ટે આપ્યો હતો. 12 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની હતી. સંઘ પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં હતા. 15 જગ્યાઓ માટે 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી હતી.
પ્રમુખ પદ માટે સંજય સિંહની ઉમેદવારીને લઈને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સંજયસિંહ કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના હોવાનું કહેવાય છે. તેઓ પણ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા છે. બજરંગ પુનિયા સહિતના વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ તેમની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા બાદ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પ્રમુખ પદ માટે એકમાત્ર મહિલા ઉમેદવાર અનિતા શિયોરાનનું સમર્થન કરી રહ્યા છે. અનિતા કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને બ્રિજ ભૂષણ સામેના જાતીય સતામણીના કેસમાં સાક્ષી છે. WFI એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની યાદીમાં એકમાત્ર મહિલા ઉમેદવાર ઓડિશાનું પ્રતિનિધિત્વ કરતી અનિતા શિયોરન છે.
સુવર્ણ ચંદ્રક વિજેતાના સમર્થનમાં કુસ્તીબાજ
ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગટ, ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા સ્ટાર રેસલર્સે બ્રિજ ભૂષણની ધરપકડની માંગણી કરી હતી. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અનીતા શિયોરાનને સમર્થન આપી રહ્યા છે, જે ઉમેદવારી દાખલ કરનાર એકમાત્ર મહિલા ઉમેદવાર છે. અનિતા શિયોરાન ભૂતપૂર્વ કુસ્તીબાજ છે અને તેણે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
અગાઉ પણ ચૂંટણી અટકાવી દેવામાં આવી હતી
ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી પર અગાઉ પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ ચૂંટણી 11 જુલાઈના રોજ યોજાવાની હતી, પરંતુ આસામ રેસલિંગ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા ગુહાટી હાઈકોર્ટે ચૂંટણી પર રોક લગાવી દીધી હતી. આસામ રેસલિંગ એસોસિએશને અરજી દાખલ કરીને કહ્યું હતું કે ફેડરેશને તેને માન્યતા આપી નથી, જ્યારે તે તેની હકદાર છે. તેણે દાવો કર્યો હતો કે ફેડરેશનની કાર્યકારી સમિતિએ 2014માં જનરલ કાઉન્સિલને પણ માન્યતા આપવાની ભલામણ કરી હતી, પરંતુ તેને માન્યતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.