News9 Global Summit માં મર્સિડીઝ ઈન્ડિયાના સીઈઓએ કહ્યું- ઇલેક્ટ્રિક કાર પર રહેશે મર્સિડીઝનુ જોર
News9 Global Summit Germany: ભારતના નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ 9 ગ્લોબલ સમિટની જર્મન આવૃત્તિનો આજે બીજો દિવસ છે. આ સમિટ જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાઈ રહી છે. આ સમિટમાં મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ ઐયરે ભારત અને જર્મની વચ્ચેના સંબંધો અને ઓટોમોબાઈલ ઉદ્યોગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જાણીએ તેમણે શું કહ્યું.
જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં ઐતિહાસિક ફૂટબોલ ગ્રાઉન્ડ MHP એરેના ખાતે આજે News9 ગ્લોબલ એડિશનનો બીજો દિવસ છે. ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની ગ્લોબલ સમિટની આ જર્મન આવૃત્તિ છે. આ સમિટમાં ભારત અને જર્મનીના રાજકારણીઓ, સેલિબ્રિટીઝ અને કોર્પોરેટ જગતના દિગ્ગજો ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ અય્યરે પણ પોતાના વિચારો શેર કર્યા હતા.
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ અય્યરે ‘ડ્રાઈવિંગ અ બિલિયન એસ્પિરેશન’ વિષય પર વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ભારતમાં 20,000 લક્ઝરી કારના વેચાણના આંકડા સુધી પહોંચી ગયા છીએ. આ દર્શાવે છે કે ભારતમાં વૈભવી જીવનશૈલીને લઈને મોટો ફેરફાર થયો છે. તેમણે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન પર ભાર મૂક્યો.
ભારતમાં માથાદીઠ આવક વધી છે
સંતોષ અય્યરે કહ્યું કે અન્ય દેશોના બજારો પર નજર કરીએ તો ત્યાં 2,00,000-3,00,000 લક્ઝરી કાર વેચાઈ રહી છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે. દર વર્ષે અહીં 45 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થાય છે.
જર્મનીની સરખામણીમાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસી રહ્યું છે. જે રીતે વિકાસમાં પરિવર્તન આવ્યું છે, તેવી જ રીતે આપણે લોકોની આકાંક્ષાઓમાં પણ પરિવર્તન જોઈ રહ્યા છીએ. ભારતમાં માથાદીઠ આવક $3,000 સુધી પહોંચી ગઈ છે.
ઇલેક્ટ્રિક કાર પર ફોકસ રહેશે
ભારત જેવા દેશમાં માત્ર લક્ઝરી કાર ખરીદવી જ નહીં પરંતુ કાર ધરાવવી એ પોતાનામાં એક લક્ઝરી છે. ભારતમાં દર હજાર લોકો દીઠ લગભગ 40 કાર છે, જ્યારે જર્મનીમાં દર હજાર લોકો દીઠ 600 કાર છે. જર્મની અને ભારત લાંબા સમયથી સાથે કામ કરી રહ્યા છે. બંને દેશ ભવિષ્યમાં પણ લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરશે.
EV સેગમેન્ટ વિશે વાત કરતાં ઐયરે કહ્યું કે લક્ઝરી કારમાં પણ ઇલેક્ટ્રિફિકેશનને પ્રોત્સાહન આપવું જોઇએ. મર્સિડીઝ ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
મર્સિડીઝ ઈન્ડિયાના પ્રથમ ભારતીય સીઈઓ
સંતોષ ઐયર મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના પ્રથમ MD અને CEO છે. તેઓ 2009માં મર્સિડીઝ બેન્ઝ સાથે જોડાયા હતા. કંપનીમાં વિવિધ મહત્વના હોદ્દા સંભાળ્યા બાદ, જાન્યુઆરી 2023માં તેમને મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા. મર્સિડીઝ-બેન્ઝમાં જોડાતા પહેલા, અય્યરે ફોર્ડ મોટર અને ટોયોટા કિર્લોસ્કરમાં પણ કામ કર્યું હતું.
ન્યૂઝ9 ગ્લોબલ સમિટ 2024 આ વખતે જર્મનીમાં થઈ રહી છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. તેમનું સંબોધન આજે, 22 નવેમ્બર 2024, ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે થશે.