સમગ્ર રાજ્યને હચમચાવી દેનારી રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે.પરંતુ, આ તપાસને લીધે જ હવે “ભારેલા અગ્નિ” જેવાં સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં 13 જૂનથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. એટલે કે શાળાઓ ખૂલવાને એક અઠવાડિયાની પણ વાર નથી. ત્યારે તંત્રની તવાઈના પગલે વિવિધ જીલ્લાઓમાં શાળાઓ સીલ કરવામાં આવી રહી છે.
માત્ર સુરત પાલિકા દ્વારા જ રેકોર્ડ બ્રેક 250 શાળાઓ સીલ કરવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. આ તરફ વડોદરામાં શહેરના ચાર ઝોનમાં ચાલતી 25 પ્રિ સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ વપરાશને લીધે સ્કૂલોને સીલ કરાઈ છે. તો ફાયર સેફ્ટી અને BU પરવાનગી વગર ચાલતી શાળાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે. બીજી તરફ રાજકોટમાં પણ 100 જેટલી શાળાઓને સીલ મારી દેવાતા શાળા સંચાલોકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં RMC ખાતે શાળા સંચાલક મંડળ વિરોધ નોંધાવવા ઉમટ્યું હતું. સંચાલકોનું કહેવું છે કે તેમણે 2021ના નિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા જ છે. પરંતુ તેમને વર્ષ 2023ના ફાયર સેફ્ટીના નવા નિયમોની તંત્ર દ્વારા જાણ જ કરવામાં નથી આવી.
આ તરફ અમદાવાદમાં પણ શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ કાર્યવાહી પહેલાં તંત્રએ નોટિસ આપવી જરૂરી છે. તો બીજી તરફ ફાયર સેફ્ટી અંગે બહાર પાડેલા પરિપત્ર અંગે તંત્રમાં જ સંકલનનો અભાવ હોવાના મુદ્દા પણ ઊઠી રહ્યા છે.
હાઈકોર્ટના હુકમ બાદ સુરત પાલિકાએ કડકાઈ વર્તાવતા રેકોર્ડ બ્રેક 250 શાળાઓને સીલ કરી દીધું છે. પણ, બીજી તરફ શાળાઓના પણ અનેક મુદ્દા છે. તેને સાંભળ્યા વિના આ રીતની કાર્યવાહીથી શાળા સંચાલકો ચિંતામાં છે. બીજી તરફ જો સમયસર શાળાઓ ખલવામાં ન આવે તો વિદ્યાર્થીઓને જ તેનો ભોગ બનવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં ટેક્સટાઇલ માર્કેટને સીલ કરાતા વેપારીઓમાં ભભૂક્યો રોષ, રસ્તા પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ- Video