સુરતમાં ટેક્સટાઇલ માર્કેટને સીલ કરાતા વેપારીઓમાં ભભૂક્યો રોષ, રસ્તા પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ- Video
સુરતમાં ટેક્સ્ટાઈલ માર્કેટને સીલ કરવા મામલે વેપારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. રોષે ભરાયેલા વેપારીઓએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. દુકાનો સીલ કરાતા વેપારીઓએ આક્રોષ સાથે તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો
સુરતમાં ફાયર સેફ્ટી મામલે ટેક્સ્ટાઈલ માર્કેટને સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. એક તરફ ફાયર સુવિધાના અભાવે તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે. પરંતુ, બીજી તરફ વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર અને બિલ્ડરોના વાંકે હાલ તેમને ધંધા-રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરતમાં ફાયર વિભાગ દ્વારા અનેક દુકાનોને સીલ કરવામાં આવી છે અને તેને પગલે જ વેપારીઓમાં “ભારેલા અગ્નિ” જેવો રોષી ભભૂકી રહ્યો છે. સુરતમાં આજે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આક્રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા વેપારીઓએ ટેક્સ્ટાઈલ માર્કેટના રસ્તા પર ચક્કાજામ કરી દેખાવો કર્યા અને દુકાનો ખોલવા માગ કરી હતી. ફાયર સેફ્ટીના અભાવે કોમ્પલેક્સને જ સીલ મારી દેતા હાલ વેપાર-ધંધા ઠપ્પ થયા છે. વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વેપારીઓનો રોષ એ હદે ઉગ્ર બન્યો અને પરિસ્થિતિ કંઈક એવી વણસી કે મામલો થાળે પાડવા માટે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરવાની ફરજ પડી. વેપારીઓનો દાવો છે કે 14 થી 15 ટેક્સટાઈલ માર્કેટ તંત્ર દ્વારા બંધ કરી દેવાયા છે અને માર્કેટ ક્યારે ખુલશે તેને લઈને પણ કોઈ જ ચિત્ર સ્પષ્ટ નથી ! તેઓ તો સમયસર કોમ્પલેક્સની દુકાનોના ભાડા ભરી રહ્યા છે. ત્યારે તેમનો શું વાંક ?