રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ
રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા.
આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. આ ઘટનાના ધ્યાને રાખતા સરકારે પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને (SIT) 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. જ્યારે તલસ્પર્શી તપાસ બાદ વિગતવાર અહેવાલ 10 દિવસમાં આપવા આદેશ કર્યો છે.
રાજકોટ પહેલા પણ ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે. જેમ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટતા 141 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરત તક્ષશિલા આગ ઘટનામાં કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.