Rajkot: શહેરમાં અનેક સ્થળોએ ઉજવાશે હનુમાન જયંતિ, મહાપ્રસાદનું આયોજન, જુઓ પ્રખ્યાત હનુમાન મંદિરો
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની રંગીલી જનતા તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી અને મોજશોખથી ઉજવે છે.તમામ તહેવારોમાં શહેરમાં ઠેર ઠેર ઉજવણી થાય છે.ત્યારે હનુમાન જયંતીની પણ આખા રાજકોટમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.એમ લખવામાં અતિશયોક્તિ નહિ થાય કે રાજ્યમાં નાનામોટા સૌથી વધુ હનુમાન મંદિરો રાજકોટ શહેરમાં આવેલા છે

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની રંગીલી જનતા તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી અને મોજશોખથી ઉજવે છે.તમામ તહેવારોમાં શહેરમાં ઠેર ઠેર ઉજવણી થાય છે.ત્યારે હનુમાન જયંતીની પણ આખા રાજકોટમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.એમ લખવામાં અતિશયોક્તિ નહિ થાય કે રાજ્યમાં નાનામોટા સૌથી વધુ હનુમાન મંદિરો રાજકોટ શહેરમાં આવેલા છે.અહીંયાની દરેક શેરીએ હનુમાનજીની દેરીઓથી લઈને મંદિરો આવેલા છે.જેમના કેટલાક મંદિરો ખૂબ જ પ્રખ્યાત છે અને ધાર્મિક મહત્વ ધરાવે છે.
બાલાજી હનુમાન મંદિર,ભૂપેન્દ્ર રોડ

Balaji Hanuman
ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાન મંદિરની સ્થાપના વર્ષ 1890 આસપાસ એટલે કે 130 વર્ષ પહેલાં થયેલી છે. એ સમયે આ વિસ્તાર ખૂબ જ અવાવરૂ હતો જેથી અહીથી પસાર થતા લોકોના મનમાંથી ભય દૂર કરવા માટે સહજાનંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ અહી બાળ સ્વરૂપ હનુમાનજીની દેરી સ્થાપના કરી હતી.ત્યારથી આ મંદિર કષ્ટભંજક બાલાજી હનુમાન તરીકે ઓળખાય છે.દર મંગળ અને શનિવારે હજારોની સંખ્યમાં અહીંયા લોકો દર્શન કરે છે અને ખાસ હનુમાન જયંતિએ અહીંયા માનવ મહેરામણ ઉમટે છે અને મહાપ્રસાદનો પણ લાભ લ્યે છે.
સૂતા હનુમાન,કોઠારીયા રોડ

Suta Hanuman Rajkot
કોઠારીયા રોડ પર વિશ્વનું એક માત્ર સૂતા હનુમાનનું મંદિર આવેલું છે.આ મંદિરની સ્થાપના 1970માં કમલદાસજી બાપુ દ્વારા કરવામાં આવી હતી.અહીંયા સૂતા હનુમાનજીની વિશાળ પ્રતિમા આવેલી છે.જે ખૂબ જ પ્રખ્યાત છે.હનુમાન જયંતીના દિવસે સૂતા હનુમાન મંદિરે વિશેષ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
સાત હનુમાન,કુવાડવા રોડ

Sat Hanuman Rajkot
રાજકોટ – અમદાવાદ હાઇ વે પર આવેલું ચમત્કારિક સાત હનુમાન મંદિર પણ ખુબ જ પ્રખ્યાત છે.અહીંયા હનુમાનજીના સાત સ્વરૂપોના એક સાથે દર્શન થાય છે.ખૂબ જ પ્રાચીન આ મંદિર માનવામાં આવે છે.અહીંયા લોકો વિદેશ જવાની,લગ્ન અને સંતાન પ્રાપ્તિ જેવી અલગ અલગ માનતાઓ કરે છે.હનુમાન જયંતીના દિવસે સાત હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.
સૂર્યમુખી હનુમાન,ગોંડલ રોડ

Suryamukhi Hanuman Gondal Road
ગોંડલ મેઈન રોડ પર વિજય પ્લોટ નજીક સૂર્યમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે.અંદાજે 100 વર્ષ જૂનું આ મંદિર છે.હાલના મહંત તરીકે હરભજનદાસ બાપુ સૂર્યમુખી હનુમાનજીનું સંચાલન કરી રહ્યા છે.હનુમાન જયંતીના દિવસે 7 વાગ્યે મહાઆરતી અને 8 વાગ્યાથી મહાપ્રસાદ શરૂ થશે.આ ઉપરાંત રાજકોટમાં હજારો નાના મોટા હનુમાન મંદિરે બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…