Rajkot: 17 વર્ષિય વિદ્યાર્થીને શાળામાં હાર્ટએટેક આવતા મોત, CCTV આવ્યા સામે
Rajkot: રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અચાનક ક્લાસરૂમમાં બેભાન થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. તબીબોના જણાવ્યા મુજબ તેનુ હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે. ત્યારે 17 વર્ષીય આશાસ્પદ પુત્રને ગુમાવનારા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
Rajkot: રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી આજે પોતાના ક્લાસરૂમમાં બેઠો હતો. ત્યારે અચાનક જ બેભાન થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે 108 અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 17 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ટૂંકા ગાળામાં હવે કિશોર અવસ્થામાં પણ હાર્ટએટેકના વધતા જતા કિસ્સાઓ સમાજ માટે જરૂર ચિંતાજનક છે.
ક્લાસરુમમાં સ્વસ્થ હતો, રિસેસમાં નાસ્તો પણ કર્યો
મુદ્દિતના સાથી વિદ્યાર્થીઓએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મુદ્દિત આજે સવારે શાળાએ આવ્યો હતો. ત્યારે એકદમ સ્વસ્થ હતો. બાદમાં તેને પાંચ પિરીયડ અભ્યાસ પણ કર્યો. જ્યારે એકમ કસોટી માટે શિક્ષક પેપર લઇને આવ્યા ત્યારે તે અચાનક જ બેભાન થઇ ગઇ હતો. અન્ય એક મિત્રએ કહ્યું હતું કે મુદ્દિત રિસેસમાં નાસ્તો કરવા માટે પણ આવ્યો હતો. ક્લાસરૂમની દિનચર્યા પરથી આ યુવક ફિટ જોવા મળ્યો હતો પરંતુ તેની તબિયત અચાનક જ આવી થઇ હતી. ક્લાસના શિક્ષકે કહ્યું હતું કે મુદિતને જરૂરી પ્રાથમિક ટ્રિટમેન્ટ આપવામાં આવી પરંતુ તેની તબિયતમાં સુધારો ન થયો.
આ ઘટનાને હ્રદય બંધ થઇ જવું ગણી શકાય- ડૉ.તૈલી
હ્રદય રોગના નિષ્ણાંત ડૉ.રાજેશ તૈલીએ કહ્યું હતું કે બધા જ હ્રદય રોગના હુમલા એક સમાન હોતા નથી. આ હુમલા પાછળ અનેક કારણ હોય છે. કેટલાક એવા કિસ્સા હોય છે. જેમાં નાનપણથી હ્રદયની બીમારી હોય છે જેમ કે વાલ્વ બંધ થઇ જવો. હ્રદયની દિવાલ પાતળી હોવી, હ્રદયની દિવાલ જાડી હોવી સહિતના તમામ કિસ્સાઓમાં કોઇ જ લક્ષણ જોવા મળતું નથી. સીધું જ હ્રદય બંધ પડી જાય છે અને વ્યક્તિનું તાત્કાલિક મોત થઇ જાય છે. આ કિસ્સામાં પણ કંઇક એવું જ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકની હ્રદયની દિવાલ પાતળી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બિમારી નાનપણથી જ તેના શરીરમાં અસર થતી હોય તેવું લાગી રહ્યું છે. આવા કિસ્સાઓેને અટકાવવા માટે સમયાંતરે મેડિકલ ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાજકોટના ગોંડલ રોડ પર રીબડા સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ગુરૂપૂર્ણિમાને દિવસે જ એક વિદ્યાર્થી મોતને ભેટ્યો હતો. આ બાળકનું પણ હ્રદય બંધ પડી જવાને કારણે મોત નીપજ્યું હતું. આ બાળકની હ્રદયની દિવાલ જાડી હોવાનું સામે આવ્યું હતુ અને આ બાળકમાં પણ અન્ય કોઈપણ લક્ષણ હોવાનું સામે આવ્યુ ન હતુ.