Rajkot: ચોરીના આરોપમાં પોલીસે ઢોર માર મારતા વૃદ્ધનું મોત થયુ હોવાનો આક્ષેપ, મોં માં બંદુક મુકીને ગુનો કબુલવા દબાણ કરવાનો આરોપ
Rajkot: રાજકોટના સરધાર ગામના ઠાકરશી સોલંકીનું પોલીસના ઢોર મારને કારણે મોત થયુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોના આરોપ મુજબ 3 જુલાઈએ સરધારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ શકમંદ તરીકે લઈ ગઈ અને અસહ્ય ઢોર માર મારી નિર્દોષ હોવાને કારણે છોડી મુક્યા. આ મારને કારણે આજે સવારે વૃદ્ધનું મોત નિપજ્યુ છે.
Rajkot: સરધાર ગામના ઠાકરશી સોલંકી નામના વૃધ્ધનું આજે સિવિલ હોસ્પિટલમાં સવારે મોત નીપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ઠાકરશી સોલંકીનું પોલીસના ઢોર મારને કારણે મોત નીપજ્યું છે. પરિવારજનોના કહેવા પ્રમાણે ગત 3 જુલાઇના રોજ સરધારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં શંકમદ તરીકે ઠાકરશી સોલંકી તેના પુત્ર અને જમાઇને આજીડેમ પોલીસ પકડીને લઇ ગઇ હતી.
બાદમાં તેની પુછપરછ કરી અને અસહ્ય ઢોર માર માર્યો, પરંતુ નિર્દોષ હોવાને કારણે પોલીસે તેને છોડી મૂક્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃધ્ધને નજીકની વાડીમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન આજે સવારે મોત નીપજતા પરિવારજનોએ પોલીસના મારને કારણે મોત નીપજ્યાનો આક્ષેપ લગાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે મોં માં બંદુક રાખીને કહ્યું ગુનાની કબુલાત કરી લો-મૃતકનો જમાઇ
આ અંગે મૃતકના જમાઇ મનોજ દેલવાણીએ કહ્યું હતું કે મારા સસરા ઠાકરશીભાઇ મારા ઘરેથી નીકળ્યા બાદ ચોરીની આશંકાએ પોલીસ પકડી ગઇ. બાદમાં તેના દીકરા અને મને બંન્નેને પોલીસ પકડીને લઇ ગઇ હતી. અમને ત્રણેયને પોલીસ દ્રારા અસહ્ય માર મારવામાં આવ્યો. મારા સસરાના મોં માં બંદુર રાખીને ચોરીનો ગુનો કબુલાત કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ અમે નિર્દોષ હોવાથી અમને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં ઠાકરશીભાઇ ખુબ જ ડરી ગયા હોવાને કારણે તેઓ ખેતરના મકાનમાં રોકાયા હતા. દરમિયાન આજે સવારે તેઓ જાગ્યા જ ન હતા.પોલીસના ડરથી તેઓએ સારવાર પણ લીધી ન હતી. આ અંગે યોગ્ય તપાસ થાય તેવી પરિવારજનોએ માંગ કરી હતી.
ભાજપના નેતાનો પરિવારજનોએ ઉધડો લીધો
આ ઘટના બાદ ભાજપના નેતા અને તાલુકા પંચાયતના ચેરમેન ચેતન પાણ સિવિલ હોસ્પિટલ પહોંચીને પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા પરંતુ પરિવારજનોએ તેનો ઉધડો લીધો હતો અને પોલીસ તેના કહેવાથી જ આ તમામ લોકોની અટકાયત કરી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. ચેતન પાણે પરિવારજનો દ્રારા લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા અને પોલીસ દ્રારા કાયદાની મર્યાદામાં રહીને આ કામગીરી કરવામાં આવી હોવાનું કહીને બચાવ કર્યો હતો.
આ પણ વાંચો : Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો, તાત્કાલિક સ્થગિત કરવી પડી જાહેરાત
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી આગળ કાર્યવાહી હાથ ધરાઇ-પોલીસ
આ અંગે એસીપી વિશાલ રબારીએ કહ્યું હતું કે સરઘારમાં ચોરીની જે ફરિયાદ નોંધાઇ હતી તેમાં સીસીટીવી ફુટેજની શંકાના આધારે ઠાકરશીભાઇની પુછપરછ કરવામાં આવી હતી અને તેમાં તથ્ય ન મળતા તેઓને ગત 3 તારીખના રોજ સુરક્ષિત અને હેમખેમ છોડી મૂકવામાં આવ્યા હતા જો કે બાદમાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે અને પરિવારજનો જે આક્ષેપ લગાવી રહ્યા છે તેને લઇને પોલીસ દ્રારા મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આક્ષેપોમાં કોઇ તથ્યતા દેખાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો