પોરબંદરના બરડા સ્થિત લગભગ 193.31 ચોરસ કિલોમીટર વિસ્તારને આમ તો વર્ષ 1980 પહેલાં જ અભ્યારણ્ય જાહેર કરાયો હતો. પરંતુ, ત્યાં સિંહોનો વસવાટ શક્ય છે કે નહીં તેની વિટંબણા સતત ચાલી રહી હતી અને તેની વચ્ચે જ હવે કુદરતી રીતે જ સ્થળાંતર કરી કેટલાંક સિંહ બરડામાં પહોંચ્યા છે. હાલ આ બરડા અભ્યારણ્યમાં સાતથી વધુ સિંહ વસવાટ કરતાં હોવાનું સામે આવ્યું છે.
જો કે સિંહોને આ નવીન સ્થળ પર જીવનને અનુરૂપ પાણી અને ભોજન મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. સિંહ તૃણાહારી વન્યજીવોનો શિકાર કરી ખોરાક મેળવે છે. અને તેના માટે જ હવે અનોખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. બરડા અભ્યારણ્યમાં ચિત્તલ, સાબર, હરણાં જેવાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધે તે માટે ગીરમાંથી બરડા અભ્યારણ્યમાં હરણાંઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગીરમાંથી હરણને પકડવા માટે બોમા ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. કે જેથી તેમને આઘાત ન લાગે. ત્યારબાદ CCTVથી સજ્જ મોડીફાઈડ વાહનમાં હરણને ગીરથી બરડા લવાયા હતા. સામાન્ય રીતે એક પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય પ્રાણી સંગ્રહાલયમાં આ રીતે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવતું જ હોય છે. પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ જ વાર છે કે જ્યારે એક જંગલમાંથી બીજા જંગલમાં આ રીતે વન્યજીવોનું સ્થળાંતર થયું. એટલું જ નહીં સૌથી સારી વાત એ છે કે બરડા અભ્યારણ્યનું વાતાવરણ સિંહો સહિત આ તૃણાહારી જીવોને પણ અનુકૂળ આવી રહ્યું છે.
આ અનોખા પ્રોજેક્ટમાં બરડા અભ્યારણ્યના સ્ટાફ સહિત ગીર પશ્ચિમ વનવિભાગ, સાસણ વનવિભાગે સાથે મળીને કામગીરી પાર પાડી હતી. હાલ બરડા અભ્યારણ્યમાં 180થી વધુ હરણની વસ્તી છે જ. પરંતુ, જેમ-જેમ બરડા અભ્યારણ્યમાં સિંહની વસ્તી વધશે. તેમ તેમ ગીરમાંથી હરણને સ્થળાંતર કામગીરી આગળ ધપાવાશે.
આપને જણાવી દઈએ કે ગીર બાદ બરડા અભ્યારણ્ય એ સિંહ માટેનું બીજું સૌથી મોટું અભ્યારણ્ય છે. સિંહોની સલામતીની દૃષ્ટિએ બરડા અભ્યારણ્ય સફળ સાબિત થયું છે. બરડા અભ્યારણ્યની આબોહવા, વનસ્પતિ ગીરના જંગલોને મળતી આવે છે અને હવે અહીં સિંહોનું આગમન થતાં તેમજ અનુરૂપ વાતાવરણ જોતા તેમની વસ્તી વધવાની આશા સેવાઈ રહી છે.