વ્હેલ માછલીની ઉલ્ટી પણ વેચાય છે કરોડોની કિંમતે, નવસારી સુપા રેંજે “એમ્બર ગ્રીસ”નું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડ્યું, જુઓ Video
વ્હેલ માછલીની ઉલ્ટી “એમ્બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણનો કેસ નવસારી સુપા રેંજ દ્વારા શોધી કાઢ્યો છે. અંદાજીત 1.365 કિલોગ્રામનો “એમ્બર ગ્રીસ” જેની બજાર કિંમત અંદાજે 2 કરોડ થાય છે. મહત્વનું છે કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત સંરક્ષીત વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે “એમ્બર ગ્રીસ”નું વેચાણ ગેરકાયદેસર છે.
રાજ્યને હરિયાળુ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યું છે. પરંતું ફક્ત રાજ્યને હરિયાળુ જ નહી વનસંપદાઓ ઉપર નભતા પશુ પક્ષીઓનું રક્ષણ કરી એક સંતુલિત સમાજનું નિર્માણ કરવાનું ઉદ્દેશ પણ સામાજીક વનીકરણ વિભાગ ધરાવે છે. અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં જાહેરજનતાએ ઘણી વખત જાણવા અને શિખવા યોગ્ય બનાવો બનતા હોય છે.
નવસારી જિલ્લામાં તાજેતરમાં આવો એક બનાવ બન્યો છે. સામાજીક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસૂચિ -1 થી સંરક્ષીત વ્હેલ માછલીની ઉલ્ટી “એમ્બર ગ્રીસ”નું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃતિ પર વોચ રાખી આવી પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં આ કામગીરી અન્વયે સુપા રેંજના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તા.6 ઓગસ્ટ 2024 ના રોજ શંકાસ્પદ વાહન નં. 1) GJ 21 4926, 2) GJ 15 K 6863 ની હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપા રેંજ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટેલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકું સફળતા પુર્વક પાર પાડતા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બર ગ્રીસ)નું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમોને “એમ્બર ગ્રીસ” સાથે રંગે હાથ ઝડપી પાડી તે ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુન્હો દાખલ કરી જરૂરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ 4 આરોપીઓની જામીન અરજી મે.જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, નવસારી (ફ.ક.) દ્વારાના મંજૂર કરી દેવામાં આવી હતી. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાનની તપાસમાં નવસારી જિલ્લા સામાજીક વનીકરણ વિભાગના સુપા રેંજ સ્ટાફ દ્વારા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બર ગ્રીસ)નો 1.360 કિ.ગ્રા. જેટલો જથ્થો વલસાડથી પકડી પાડ્યો હતો. “એમ્બર ગ્રીસ“ એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટી જેની અંદાજીત બજાર કિંમત ૨ કરોડ છે.
આરોપી નવસારીની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા
આ જથ્થા અને આરોપીઓને ગત તા.20 ઓગસ્ટ 2024ના મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નવસારીની કોર્ટમાં દાખલ કરતાં મે. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નવસારીની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ તુષાર સુલે દ્વારા ધારદાર રજૂઆત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓનું ગુન્હામાં મુખ્ય રોલ અને આવા ગુન્હાઓથી પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટી પરની ગંભીર અસરો અને આવા પ્રકારના ગુન્હાઓમાં અલગ-અલગ જજમેન્ટો સાથે વિગતવારની રજૂઆતો કરી હતી.
આ તમામ રજૂઆતો સાંભળી તપાસના સાંધનીક કાગળો રજુ કરાતા મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નવસારીની કોર્ટ દ્વારા ચારો આરોપીઓના જમીન અરજી ના મંજૂર કરી દેવામાં આવી હતી. તમામ આરોપીઓ હાલ જેલમાં છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
1) “એમ્બર ગ્રીસ“ – અંદાજીત 1.365 કિલોગ્રામ, જે બજાર કિંમત અંદાજે 2 કરોડ 2) મારુતિ સુઝુકી કંપનીની ફંટી ગાડી બે (2) નંગ ગાડી નં. 1) GJ 21 4926, 2) GJ 15 K 6863 બજાર કિંમત અંદાજે 1 લાખ
પકડાયેલ આરોપીઓના નામ અને સરનામું
- મિલનકુમાર ધીરૂભાઈ પટેલ ઉ.વ.આ. ૨૭ રહે. ચોબડીયા ફળિયા, ધનોરી, વલસાડ
- વિનયભાઈ ભાણાભાઈ હળપતિ ઉ.વ.આ. ૨૨ રહે. વલોટી, તા. ગણદેવી, જી,નવસારી
- વિશાલકુમાર મુકેશભાઈ પટેલ ઉ.વ.આ. ૨૭ રહે. વલોટી, તા. ગણદેવી, જી,નવસારી
- ભાવિનકુમાર જગુભાઈ પટેલ ઉ.વ.આ. ૨૯ રહે. ધેજ, પહાડ ફળિયા તા. ચીખલી, જી,નવસારી
શું છે “એમ્બર ગ્રીસ”?
એમ્બર ગ્રીસ” એટલે વ્હેલ માછલીની ઉલ્ટી જેનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં થાય છે. આ કિંમતી પદાર્થને ‘સમુદ્રનો ખજાનો’ અને ‘તરતું સોનું’ જેવા નામ આપવામાં આવ્યા છે. જેના માટે વ્હેલનો મોટાપાયે શિકાર કરવામાં આવે છે. જે ગેરકાનુની છે.
એમ્બરગ્રીસ માત્ર સ્પર્મ વ્હેલ દ્વારા ઉત્પન્ન થાય છે અને આ પ્રજાતિની માત્ર એક ટકા માછલીઓમાં આ પદાર્થ હોય છે. સમુદ્રમાં, માછલીઓ તીક્ષ્ણ ચાંચ અને શેલવાળા ઘણા જીવોને ખાય છે જેનાથી એમ્બરગ્રીસ આંતરિક ઇજાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
શું છે વન્યજીવ સંરક્ષણનો કાયદો?
ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્ય જીવ સંરક્ષણનો કાયદો પસાર કર્યો હતો. તેનું હેતુ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વ્યાપારને લગતા ગુન્હા રોકવા માટેનો હતો. જેમાં 2023 મા સુધારો કરી વન્યજીવ સંરક્ષણ કાયદો 2022 તરીકે ઓળખાય છે. તેની હેઠળ દંડ અને સજાને ઘણી સખત કરી દેવામાં આવી હતી. આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં પરંતુ બીજા ઘણા પક્ષીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવાનો પણ છે. આ કાયદામાં કુલ 2 અનુસૂચિ છે. જે અલગ અલગ રીતે વન્યજીવોને સુરક્ષા આપે છે.
નવસારી જિલ્લાના બનાવની વાત કરીએ તો, આ દરિયાઈ જીવ અનુસૂચિ 1 મા સમાવેશ થયેલ છે જેમાં સંરક્ષીત વ્હેલ માછલીનો પણ સમાવેશ થાય છે. આ સુચિ હેઠળ કરવામાં આવતા અપરાધની સખત સજા છે. આ સુચિમાં આવનારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા ફરમાવવામાં આવશે, આ સજાને સાત વર્ષ સુધી પણ વધારી શકાય છે. અને આ સૂચિમાં દંડની રકમ 25000 થી 5 લાખ સુધી કરવામાં આવી છે.
અનુસૂચિ એકમાં 43 વન્ય જીવ સામેલ છે. આ સૂચિમાં લઈને ઘણા પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, ચિત્તા, વરુ, શિયાળ, ડોલ્ફીન, જંગલી બિલાડીઓ, રેન્ડીયર, મોટી ગરોળી, પેગોલિન, ગેંડા અને હિમાલયમાં મળી આવતા પ્રાણીઓના નામ સામેલ છે. અનુસૂચિ એકના ભાગ બેમાં ઘણા જળીય જન્તુ અને સરીસૃપનો સમાવેશ થાય છે.
(ઈનપુટ – માહિતી કચેરી, નવસારી)