30 ઓગસ્ટના મહત્વના સમાચાર : અમદાવાદના ધીંગડા ગામે વરસાદી પાણી ફરી વળતા બગોદરા-ફેદરા માર્ગ બંધ કરાયો
Gujarat Live Updates : આજે 30 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ગુજરાતમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાયુ છે. વાવાઝોડાના કારણે આવતીકાલે કચ્છમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકા બાદ વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર 1200 કરોડ ફાળવશે. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા છે, પણ બાદમાં નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હરણી વિસ્તારમાં મનીષા વકીલનો લોકોએ ઉધડો લીધો છે. તો ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ બન્યા રોષનો ભોગ બન્યા છે. દ્વારકા નજીક દરિયામાં ફસાયેલા માછીમારોનુ કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ કર્યુ છે. દરિયામાં ફસાયેલા માછીમારોનું દેવદૂત બની કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ કર્યુ છે. ખેડાના વસો તાલુકાનું ઝારોલ ગામ સંપર્ક વિહોણું થયુ છે. ઝારોલ ગામમાં શેઢી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે. ગામ બેટમાં ફેરવાયું છે.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના ધીંગડા ગામે વરસાદી પાણી ફરી વળતા બગોદરા-ફેદરા માર્ગ બંધ કરાયો
અમદાવાદ જિલ્લાના ધીંગડા ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા, સાવચેતીના ભાગરૂપે બગોદરાથી ફેદરા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ કરાયો છે. રાજ્ય ધોરીમાર્ગ બંધ કરતા વૈકલ્પિક માર્ગ તરીકે ફેદરાથી પિપળી, વટામણ થઈને બગોદરા જઈ શકાશે એ જ રીતે બગોદરાથી વટામણ, પિપળી થઈને ફેદરા જઈ શકાશે.
-
ગુજરાત માથેથી વાવાઝોડાનો ખતરો ટળ્યો
અસના વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો હોવાનું હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. ગુજરાત પાસેથી પસાર થનાર ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને Asna વાવાઝોડુ બને છે, પરંતુ ગુજરાતને કોઈ ખતરો નથી. ગુજરાત આવતી કાલે સંપૂર્ણ પણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે અને આવતીકાલથી સમગ્ર ગુજરાતમા વાતાવરણ ખુલ્લું થશે અને વરાપનો માહોલ જોવા મળશે.
-
-
પોરબંદર પોર્ટ પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયુ
પોરબંદર પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયુ છે. હાલમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને ધ્યાને લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગરના ઈમેલ મુજબ, હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદર બંદર પર સિગ્નલ નંબર- 4 પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
-
કલ્યાણપુરના દેવળીયા તેમજ ચાસલાણા ગામે પાણીમાં ફસાયેલા 22 લોકોનું NDRF એ કર્યું રેસ્કયુ
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા તેમજ ચાસલાણા ગામે પાણીમાં ફસાયેલા 22 જેટલા લોકોનું રેસ્કયુ કર્યું છે. NDRF દ્વારા 22 જેટલા લોકોનું રેસ્કયુ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દેવળીયા તેમજ ચાસલાણા સીમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું. તમામ લોકોને સહી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. NDRF દેવદૂત બની આવી સીમ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે.
-
માંડવી નગરપાલિકા પરિસરમાં ભરાયા કેડ સમા વરસાદી પાણી
કચ્છના માંડવી નગરપાલિકા પરિસરમાં ભરાયા વરસાદી પાણી. નગરપાલિકાની ઓફિસમાં જાવા આવવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. નગરપાલિકા ઓફિસ પહોંચવા કેડ સમા પાણીમાંથી પસાર થવું પડે છે. ધારાસભ્ય સહિતના આગેવાનો નગરપાલિકા ઓફિસમાં રાહત બચાવ કામગીરી પર રાખી રહ્યા છે નજર. ગઈકાલે નગરપાલિકા ઓફિસમાં સ્થળાંતરિત કરાયેલા પરિવારોને તેમના સંબંધીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
-
-
1 લી સપ્ટેમ્બરથી પોષણ અભિયાન હેઠળ બાળકોના ભોજન માટે નવા મેનુની થશે શરૂઆત
રાજ્યમાં 1 લી સપ્ટેમ્બરથી પોષણ અભિયાન હેઠળ બાળકોના ભોજન માટે નવા મેનુની થશે શરૂઆત. શિક્ષણ વિભાગે આ અંગે ઠરાવ કર્યો છે. સોમવારથી શનિવાર સુધીમાં મેનુ નક્કી કરાયા છે. કેલેરી અને પ્રોટીનની માત્રા જળવાઈ રહે એ રીતે મેનુનું અમીલકરણ થશે. કઠોળ, દાળ, ચણા અને લીલા શાકભાજીનો ઉપયોગ કરવા આંગણવાડીઓને સૂચના આપવામાં આવી છે.
-
સત્તા ના હોવા છતા જમીનના કેસમાં દખલ કરનાર પોલીસને સાઈડ પોસ્ટિંગ આપવા સરકારની હાઈકોર્ટમાં ખાતરી
વિવાદિત જમીનોના કેસમાં પોલીસની દખલગીરીને લઈ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સત્તા ન હોવા છતા પોલીસની દરમિયાનગીરી અંગે થઈ રહેલી અરજીઓને લઈને હાઇકોર્ટે આજે આકરું વલણ દાખવ્યું હતું. રાજકોટના એક જમીન કેસમાં B ડિવિઝન પોલીસની કામગીરીને હાઇકોર્ટમાં પડકારાઇ હતી. હાઈકોર્ટના સખ્ત વલણ બાદ પોલીસે જવાબદાર તપાસ અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે. જવાબદાર પોલીસ તપાસ અધિકારીને સાઇડ પોસ્ટિંગ અપાશે તેમ સરકારી વકીલે હાઈકોર્ટમાં કહ્યું હતું. આવા પ્રકારના કિસ્સાઓમાં સરકારી વકીલને પણ હાઈકોર્ટે મૌખિક ટકોર કરી કે, જમીન સંબધિત કેસોમાં પોલીસની દખલગીરી અંગેની ફરિયાદો સતત વધી રહી છે.
-
રાજકોટમાં બે બાળકોના ખાડાના પાણીમાં ડૂબી જવાથી મોત
રાજકોટમાં બે બાળકોના ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. નવી કોર્ટ નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બન્ને બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બન્ને બાળકોની ઉંમર આશરે 12 વર્ષની અને સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહ ખાડામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા.
-
વાવાઝોડાની અસર જોવા મળી દ્વારકાના દરિયામાં, 20 ફુટ મોજા ઉછળ્યા
વાવાઝોડાની અસર હેઠળ દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરીયા કિનારે 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. હવામાન ખરાબ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
-
અમદાવાદ-બાવળા હાઈવે પરના મટોડામાં પાણી ભરાયા
અમદાવાદ-બાવળા હાઈવે પર આવેલ મટોડા ગામે પાણી ભરાયા છે. વરસાદી પાણીનો નિકાલ ના થતાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. હાઇવે ઊંચો થતાં આજુબાજુના ખેતરો અને ગામમાં ભરાય છે વરસાદી પાણી, ગામની આજુબાજુમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતી ક્ષેત્રે વ્યાપક નુકસાન.
-
અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડાનો ઘેરાવ 500 કિલોમીટર સુધી, અસર મહારાષ્ટ્ર સુધી વર્તાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડા ને લઇને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, 48 વર્ષ બાદ ઓગસ્ટમાં આવું વાવાઝોડું આવે છે. આ એક ઐતિહાસિક ઘટના હશે. વાવાઝોડાની અસર મુંબઈ મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડશે. વાવાઝોડાનો ઘેરાવ 500 કિલોમીટરનો હશે. કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પડશે ભારે વરસાદી ઝાપટાં. કચ્છના ભાગમાંથી ડિપ્રેશન બનશે અને તે સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. અરબી સમુદ્રમાં આ સાયકલોન સમાવાથી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દરિયા કિનારે અંદરના ભાગોમાં 70 થી 80 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.
-
કચ્છના લખપતના 5 ગામો થયા સંપર્ક વિહોણા
કચ્છ: ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી છે. ભારે વરસાદ બાદ અનેક રસ્તા ધોવાયા છે. લખપતના 5 ગામો સંપર્ક વિહોણા થયા છે. મુડીય, કાંટીય, નરેડી, ગોઘાતડ, બાલાપરને જોડતા માર્ગનું ધોવાણ થયુ છે. બાલાપર નજીક રસ્તો પાણીના પ્રવાહને લીધે તૂટ્યો છે. રસ્તો તૂટતા અવરજવર માટે માર્ગ બંધ થયો છે.
-
વડોદરા: પૂર બાદ તારાજીથી રોષે ભરાયા સ્થાનિકો
વડોદરા: પૂર બાદ તારાજીથી સ્થાનિકો રોષે ભરાયા છે. ઠેર-ઠેર ભાજપ નેતાઓનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ-7ના ભાજપ કોર્પોરેટર બંદીશ શાહ લોકોની વચ્ચે પહોંચ્યા હતા. સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે બંદીશ શાહ પહોંચ્યા હતા. જે પછી કોર્પોરેટરનો ઘેરાવ કરી સ્થાનિકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો.
-
અમદાવાદના મણીનગરમાં પડ્યો મસમોટો ભૂવો
અમદાવાદના મણીનગરમાં મસમોટો ભૂવો પડ્યો છે. મણીનગરથી જશોદાનગર જવાના રોડ પર ભૂવો પડ્યો છે. ડિવાઈડરની નીચે આખો ટ્રક ગરકાવ થઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે. નીચેની માટીનું ધોવાણ થઈ જતા મસમોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોએ તંત્રને જાણ કરી તાત્કાલિક ભૂવો પુરવા માગ કરી છે.
-
સુરત: વરાછા ધારાસભ્યએ લખ્યો વધુ એક પત્ર
સુરત: વરાછા ધારાસભ્યએ વધુ એક પત્ર લખ્યો છે. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. પત્ર લખી તંત્રના કાન આમળવાનો ફરી પ્રયાસ કર્યો છે. ખાડાઓથી લોકો ત્રાહિમામ, છતાં મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે અને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા તેમણે પત્રમાં માગ કરી છે.
-
ગીર સોમનાથ: સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ
ગીર સોમનાથ: સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના દરિયામાં ભરતી સાથે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટને લઈ સતત પાંચ દિવસથી ત્રણ નંબર સિગ્નલ લગાવાયુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
-
સુરત: ACBએ લાંચિયા પોલીસ અધિકારીને દબોચ્યો
સુરત: ACBએ લાંચિયા પોલીસ અધિકારીને દબોચ્યો છે. ટ્રાફિક ASIએ એક ટેમ્પા લેખે 1 હજારની માંગણી કરી હતી. દર મહિને 100 ટેમ્પાના 1 લાખની માંગણી કરતો હતો. પૈસા માટે ટ્રાફિક ASIએ લોકોને ઉદ્યોગનગર બોલાવ્યા હતા. ASIએ પોતાના સાગરીતને પૈસા લેવા મોકલ્યો હતો. સાગરીતે લાંચ લઇને ટ્રાફિક ASIને ફોન કર્યો હતો. ACBએ સંજય અને ASI વિજયની ધરપકડ કરી હતી. ACBએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
આજે પણ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ
આજે પણ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
-
દ્વારકા-જામનગર હાઇવે પર વરસાદી પાણીથી હાલાકી
દ્વારકા-જામનગર હાઇવે પર વરસાદી પાણીથી હાલાકી થઇ રહી છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાના માર્ગ પર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકોને નુકસાન પહોંચ્યું છે. પાલિકા વધુ પંપો લગાવી પાણી નિકાલ કરે તેવી માગ છે.
-
દેવભૂમિ દ્વારકા: જામ સલાયામાં જળબંબાકારની સ્થિતિ
દેવભૂમિ દ્વારકા: જામ સલાયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 4 દિવસથી વરસાદી પાણીમાં જીવવા સ્થાનિકો મજબૂર બન્યા છે. સમગ્ર વિસ્તારમાં સિંહણ નદીના પાણી ફરી વળ્યા છે. ગામનાં 100 જેટલા ઘર જળમગ્ન થયા છે. 15 દિવસ સુધી પાણી ઓસરતા નથી તેવો સ્થાનિકોનો દાવો છે. તંત્રએ કોઇ પણ પ્રકારની મદદ ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
-
વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
સંપૂર્ણપણે રદ ટ્રેનો
- 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
- 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
શોર્ટ ટર્મિનેટ ટ્રેન
* 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો
- 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
-
વડોદરાઃ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ
વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની CM ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી. અસરગ્રસ્તો સાથે મુલાકાત બાદ અધિકારીઓ સાથે બેઠક કરી. CM પટેલે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર 1200 કરોડ ફાળવશે. CMએ પ્રોજેક્ટ માટે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરામાં પાણી સાથે જોડાયેલ તમામ પ્રોજેક્ટ આવરી લેવાશે. નુકસાનનાં સર્વે માટે વધુ 400 કર્મચારીઓનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં વાવાઝોડાના આફતના એંધાણ
વાવાઝોડા પર આગાહીકાર પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. ગુજરાતમાં વાવાઝોડાના આફતના એંધાણ છે. ગુજરાત પર વાવાઝોડાની ખાસ અસર નહીં થાય. કચ્છ-પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થશે. 24થી 36 કલાક હજુ સાવધાન રહેવું પડશે.
Published On - Aug 30,2024 7:27 AM