Panchmahal: મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ, આ તે કેવુ સમારકામ ?
ગતિશીલ ગુજરાતમાં કઈ રફ્તારથી કામ થઈ રહ્યા છે તેનો બોલતો પુરાવો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યા બે વર્ષથી તૂટેલા પાનમ નદી પરના એક પૂલનું બસ સમારકામ ચાલી જ રહ્યુ છે. ગ્રામજનોને સવાલ એ થાય છે કે આ કેવુ સમારકામ છે કે બસ ચાલી જ રહ્યુ છે જે પુરુ જ થતુ નથી.
વાત છે પંચમહાલ જિલ્લાની.અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર મોરવા હડફના સંતરોડ ગામ પાસે પાનમ નદી આવી છે અને તેની પર આ પુલ આવેલો છે. ઘણા સમય પહેલાં તે ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેનું સમારકામ જરૂરી હતું. માની લઈએ અને સમારકામ કરવું પણ પડે. પરંતુ બે વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને એવું તો કેવું રીપેરિંગ છે કે પૂરૂ થતું જ નથી? લોકો એવો સવાલ પૂછી રહ્યા છે. બીજું કે સમારકામના બહાના હેઠળ આટલા લાંબા સમયથી રસ્તો બંધ કરીને એક માર્ગીય કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને નાકે દમ લાવી દેનારો ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે.
ફિકર એ વાતની છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ ક્ષતિ ગ્રસ્ત પુલની જગ્યાએ નવો પુલ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરી હોય એવું દેખાતું નથી. છેલ્લા બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો અને સ્થાનિક લોકો સહિત રાજ્યસભાના સાંસદે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે પણ એમ હલબલે તો એ નેશનલ હાઇવે ઓથોરિટી નહીં