15 જાન્યુઆરીના મહત્વના સમાચાર : મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું મોત
આજ 15 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

દક્ષિણ આફ્રિકામાં ભૂખ-તરસે લીધો જીવ. સોનાની ખાણમાં 100 શ્રમિકોના મોત. ગેરકાયદે ખોદકામ કરતા હતા શ્રમિકો. હજુ પણ 500 શ્રમિકો ફસાયાની આશંકા. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ વધી. યુદ્ધવિરામ કરાર પેટે હમાસ 33 ઇઝરાયેલી બંધકોને કરી શકે છે મુક્ત. દોહામાં યુદ્ધવિરામ મુદ્દે મંત્રણા. માર્ક ઝૂકરબર્ગને ભારતીય ચૂંટણી પ્રણાલી પર ટિપ્પણી પડી ભારે. સંસદીય પેનલે મેટા કંપનીને ફટકાર્યું સમન્સ. IT અધ્યક્ષ નિશિકાંત દુબેએ કહ્યું,, METAએ માંગવી જોઈએ માફી. PoKની જમીનનો આતંકના ધંધા માટે થઇ રહ્યો છે ઉપયોગ.. રક્ષાપ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનની કાઢી ઝાટકણી. કહ્યું, પાકિસ્તાને નાબુદ કરવો પડશે આ રોગ. આવતીકાલે મહારાષ્ટ્રના પ્રવાસે PM મોદી. મુંબઇમાં એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું કરશે ઉદ્ધાટન. વૈદિક સંગ્રહાલયનો પણ કરશે શિલાન્યાસ. મહારાષ્ટ્રમાં બેફામ રફતારે લીધો યુવકનો ભોગ. બેફામ કારચાલકે 2 રાહદારીઓને લીધા અડફેટે. એકનું મોત. એકની હાલત ગંભીર.
LIVE NEWS & UPDATES
-
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, હાંસિયામાં ધકેલાયેલા સ્મૃતિ ઈરાનીનો સમાવેશ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સહીત ભાજપના મોખરાના નેતાઓના નામનો સમાવેશ છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાણને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરાયા છે. આ યાદીમાં મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ (નિરહુઆ), હેમા માલિની, રવિ કિશન, હંસરાજ હંસ અને સ્મૃતિ ઈરાની જેવા ઘણા ફિલ્મ સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે જેઓ ભાજપના સાંસદ બન્યા છે.
-
Surat Mangrol News : સુરતના માંગરોળના પીપોદરા બ્રિજ પર ટ્રકમાં લાગી આગ
સુરતના માંગરોળના પીપોદરા બ્રિજ પર, કામરેજથી અંકલેશ્વર તરફ જતા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકના ટાયર ગરમ થઇ જવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે ટ્ર્કમાં આગ લાગવાને કારણે કામરેજથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડે પહોચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોચીને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.
-
-
Kutch News : મુન્દ્રાના બારોઇ રોડ પર પંતગની દોરથી બાળકનુ મોત
કચ્છના મુન્દ્રાના બારોઇ રોડ પર પંતગની દોરથી એક બાળકનુ મોત થયું છે. પિતા સાથે બાઇક પર જઇ રહેલા યુગ સોની નામના બાળકનુ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત થવા પામ્યું છે. બાઇક પર ઉભા રહેલા બાળકના ગળામાં દોરીથી ઇજા પહોચી હતી. સારવાર મળે તે પહેલા બાળકનુ મોત થયુ હતું. આ અંગે મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
Rajkot Jasdan News : જસદણના મોટા દડવા ગામે પતંગ દોરા મુદ્દે ઘરમા ઘૂસીને એક જ પરિવારના 7 લોકોને માર્યો માર
રાજકોટના જસદણના મોટા દડવા જસાપર રોડ ઉપર એક જ પરિવારના 7 લોકો પર કરાયો હુમલો. 10 થી વધારે લોકોએ ઘરમાં ઘુસીને એક જ પરિવારના 7 લોકોને ઢોર માર માર્યો. મારામારીથી 3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી. પતંગની દોરી બાબતે બોલા ચાલી થતા મારામારી થઈ હોવાની વાત સામે આવી છે. મારામારીમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આટકોટ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
-
Aravalli News : મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું મોત
અરવલ્લીના મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળું કપાઈ જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. શામળાજી તરફથી આવતા બાઈક ચાલકના ગળામાં દોરી ફસાતા ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
-
-
Delhi News : દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસને કારણે 300 થી વધુ ફ્લાઇટ્સને અસર
દિલ્હી એરપોર્ટ પર ભારે ધુમ્મસને કારણે વિમાની સેવામાં મોટો વિક્ષેપ પડ્યો છે. છ ફ્લાઇટ્સને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે 300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. વિમાનોનું પ્રસ્થાન પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ જણાવ્યું હતું કે, વિઝિબિલીટિમાં સુધારો થયા પછી ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.
-
HMPV News : અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષનું બાળક HMPV પોઝિટિવ
અમદાવાદમાં HMPV વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 4 વર્ષનું બાળક HMPV પોઝિટિવ જણાયું છે. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. આ બાળક કે તેના પરિવારમાં વિદેશ કે અન્ય રાજયના પ્રવાસની હિસ્ટ્રીં નથી. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 5 HMPVના પોઝિટિવ કેસ નોંધાયા છે.
-
Gir Somnath – Gir Gadhada News : ગીર ગઢડાનાં ફરેડા ગામે દિપડાએ હુમલો કરી વૃદ્ધાનુ નિપજાવ્યું મોત
ગત રાત્રીનાં સમયે ગીર ગઢડાનાં ફરેડા ગામે ગીર ગઢડા રોડ પર વાડી વિસ્તારમાં કમલેશભાઈ જોગીયાની વાડી પર તેમના માતા દિવાળીબેન સુતા હોય તે સમયે અચાનક દીપડાએ દિવાળીબેનનાં માથાના ભાગ પર વાર કરી વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારેલ. આ અંગે જસાધાર રેન્જનાં ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ઘટના સ્થળે પહોચ્યા હતા. ત્યાર બાદ વૃદ્ધ મહિલાનો મૃતદેહ 108 મારફતે ગીર ગઢડા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા કામગીરી હાથ ધરી હતી.
-
Bharuch News : આનંદ નિકેતન સ્કૂલમાં સેફટી વિના વિદ્યાર્થીઓ વચ્ચે તાઈક્વોન્ડો ફાઇટ કરાવતા નોંધાઈ પોલીસ ફરિયાદ
ભરૂચની આનંદ નિકેતન સ્કૂલમાં સેફટી વિના વિદ્યાર્થીઓ વચ્ચે તાઈક્વોન્ડો ફાઇટ કરાવતા મામલો વિવાદિત બન્યો છે. એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. બાળકના માતાપિતાએ શાળા તરફ લાપરવાહીના આક્ષેપ પણ કર્યા છે.
-
Mahisagar News : મહીસાગર પોલીસે 10 લાખનો દારૂ ઝડપી પાડ્યો
મહીસાગર પોલીસે 10 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જુદા-જુદા વાહનોમાં લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સંતરામપુર હાઇવે પર 3 કારમાં લઇ જવાતો હતો દારૂનો જથ્થો. વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. દારૂ અને કાર મળીને કુલ 32 લાખ 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં રબારી સમાજ બંધારણ પરિષદના નવા નિયમો આજથી અમલી
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને સમાજમાં કુરિવાજોને બંધ કરવા રબારી સમાજ બંધારણ પરિષદના નવા નિયમોનો આજથી અમલ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં માત્ર 5થી 7 તોલા સોનું જ આપવાનો રબારી સમાજ બંધારણ પરિષદે નિયમ બનાવ્યો છે. લગ્નમાં લાઈવ DJ, કલાકાર કે બેન્ડબાજા પર પ્રતિબંધ મુકવાનો રબારી સમાજ બંધારણ પરિષદે નિયમ બનાવ્યો છે. પ્રિ-વેડિંગ, મહેંદી, હલ્દીના કાર્યક્રમો બંધ કરવા સૂચના આપવામાં આવી છે. સામાજિક પ્રસંગોમાં બંધ કવર પ્રથા ફરજિયાત કરાઇ છે. બંધ કવરમાં પણ નિયત કરેલી રકમ જ આપવા સૂચના સમાજને આપવામાં આવી છે. શ્રીમંત, રિંગ સેરમનીનો કાર્યક્રમ હોટેલના બદલે ઘરે કરવા સૂચના અપાઈ છે. બેબી શાવર-વેલકમ જેવા કાર્યક્રમોની ઉજવણી જાહેરમાં ના કરવા નિર્ણય કરાયો છે.
-
વસ્ત્રાપુરના વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, મસાજ માટે આવનારી મહિલાએ તેના પતિ સાથે મળીને કરી હત્યા
અમદાવાદના વસ્ત્રાપુરમાં વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. લૂંટના ઇરાદે 75 વર્ષીય વૃદ્ધની હત્યા થયાનો ખુલાસો. રિક્ષા ચાલક આનંદ ઠાકોર અને તેની પત્ની હિનાની પોલીસે ધરપકડ કરી છે. પતિ-પત્નીએ મળીને ઘડ્યું હતું લૂંટનું કાવતરૂં. વસ્ત્રાપુરમાં મોહિની ટાવરના આઠમા માળે બની હતી ઘટના. ઘરમાંથી કનૈયાલાલ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો હિના થોડા દિવસથી મસાજ માટે વૃદ્ધના ઘરે જતી હતી. મૃતક અને આરોપી મહિલા પરિચયમાં હોવાથી ઘરે અવરજવર હતી. બંનેએ વૃદ્ધના ઘરે જઇને લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હતો. દાગીના, ઘડિયાળ, મોબાઇલ અને રોકડ સહિત લાખોની લૂંટ ચલાવી હતી. હત્યા બાદ દંપતી મુંબઇ ભાગી જવાના હતા. દંપતી ફરાર થાય તે પહેલા જ પોલીસે ઝડપી લીધા.
-
AMC સંચાલિત પાંજરાપોળમાં રેકોર્ડ બ્રેક દાન
અમદાવાદઃ AMCનાં કરૂણા મંદિરમાં દાનની રેલમ છેલ થઇ છે. AMC સંચાલિત પાંજરાપોળમાં રેકોર્ડ બ્રેક દાન મળ્યુ. CNCD વિભાગને 11.30 લાખનું દાન મળ્યું. CNCD વિભાગ પર અમદાવાદીઓ દ્વારા દાનની રેલમ છેલ થઇ. વિવિધ કરૂણા મંદિરમાં કુલ 2972 લોકોએ મુલાકાત લીધી. 3.5 હજાર કિલો સુકા અને 30 હજાર કિલો લીલા ઘાસનું દાન મળ્યું. ઉત્તરાયણ પર્વ પર અત્યાર સુધીનું સૌથી વધુ દાન આ વર્ષે નોંધાયું છે.
-
મહેસાણાઃ રૂપિયા 9 લાખ ભરેલી બેગની ચોરી
મહેસાણાઃ રૂપિયા 9 લાખ ભરેલી બેગની ચોરી થઇ છે. કડીના થોળમાં ઓટો મોબાઇલ શો રૂમ નજીક ઘટના બની. કારમાંથી રૂપિયા ભરેલી બેગ ચોરીને તસ્કર ફરાર થઇ ગયા. શો રૂમ સંચાલક કૌશિક પટેલે ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી CCTV આધારે હાથ તપાસ ધરી.
-
ઉત્તરાયણમાં પતંગની દોરી અનેક લોકો માટે બની જીવલેણ
રાજકોટ, સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પતંગની દોરી બની છે લોકો માટે જીવલેણ. તો આણંદ, મહેસાણા, વડોદરામાં પણ એક-એક લોકોએ દોરીથી જીવ ગુમાવ્યો. અમદાવાદમાં ગઇકાલે 500થી વધુ ઇમરજન્સી કોલ મળ્યા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે.
-
અમદાવાદઃ પકવાન ચાર રસ્તા પાસે લૂંટ બાદ વૃદ્ધની હત્યા
અમદાવાદઃ પકવાન ચાર રસ્તા પાસે લૂંટ બાદ વૃદ્ધની હત્યા થઇ. પોલીસે લૂંટ સાથે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી. મૃત્યુ પહેલા વૃદ્ધને મહિલા મળવા આવી હોવાનો ખુલાસો થયો છે. મૃતકે મહિલાને રજિસ્ટરમાં નોંધણી વગર પ્રવેશ કરાવ્યો હતો. 75 વર્ષીય વૃદ્ધ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી.પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે.
-
મહેસાણા: ગુરુવારે અમિત શાહ વડનગરની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડનગરમાં અમિત શાહ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. રૂપિયા 33.50 કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. જેમાં ખેલાડીઓને બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ માટે જરૂરી સુવિધા મળી રહેશે.
-
સુરતઃ 9 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો
સુરતઃ 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો. હજીરામાં ઘર પાસે રમી રહેલા બાળક પર હુમલો થયો. બાળક પર અચાનક બે શ્વાને હુમલો કર્યો. બાળકના શરીરમાં 7 જેટલા ગંભીર ઘા થયા. બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો.
-
સુરત: પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં મારામારી
સુરત: પાંડેસરા વિસ્તારમાં વિનાયક નગરમાં જાહેરમાં મારામારી થઇ છે. મારામારીની ઘટનામાં 2 મહિલા સહિત 4 લોકોને ઈજા થઈ હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. પાંડેસરા પોલીસે સામ-સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
-
જામનગરઃ જામજોધપુરમાં પતંગ લેવા જતા કિશોરનું મોત
જામનગરઃ જામજોધપુરમાં પતંગ લેવા જતા કિશોરનું મોત થયુ છે. ખેતરના શેઢે ફસાયેલી પતંગ લેવા જતાં કરંટ લાગ્યો. 14 વર્ષીય કિશોરનું વીજકરંટથી મોત થયુ. ગેરકાયદે વીજતાર લગાવનાર ખેતર માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.
-
રાજકોટઃ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત
રાજકોટઃ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિધાર્થીએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો. મૂળ તેલંગાણાનો વિધાર્થી અભ્યાસ કરતો હતો. વિધાર્થીનું નામ સાંઇરામ હોવાનું સામે આવ્યું. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.
-
વડોદરાઃ ઉત્તરાયણના દિવસે દોરીથી 6ના ગળા કપાયા
વડોદરાઃ ઉત્તરાયણના દિવસે દોરીથી 6ના ગળા કપાયા છે. છાણીના 35 વર્ષીય માધુરી પટેલનું મોત થયુ. ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું. ઘાયલ થયેલા પૈકી 5 હજુ સારવાર હેઠળ છે.
-
જામનગર: રૂ. 1.81 કરોડનું સાયબર ફ્રોડની ફરિયાદ
જામનગર: રૂ. 1.81 કરોડનું સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થઇ છે. શેર બજારમાં રોકાણમાં મોટા નફાની લાલચ આપી ઠગાઇનો આરોપ લગાવ્યો. આરોપીઓએ ઍપ મારફતે ઠગાઇ કર્યાનો આક્ષેપ છે. CAUSEWAY નામની એપ મારફતે મૂડી રોકાણ કરાવ્યું હતું. જામનગરની સિદ્ધાનાથ સોસાયટીમાં રહેતા વૃદ્ધે ફરિયાદ નોંધાવી.
-
ભરૂચઃ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા યુવકનું મોત
ભરૂચઃ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા યુવકનું મોત થયુ છે. 32 વર્ષિય સંજય પાટણવાડીયાનું મોત નિપજ્યું છે. અન્ય એક ઘટનામાં દોરી વાગતા યુવકને 6 ટાંકા આવ્યા. ઇજાગ્રસ્ત યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Published On - Jan 15,2025 7:35 AM





