ખેડૂતો ભારે હૈયે નાળિયેરીના બગીચા કાપી નાખવા બન્યા મજબુર, સફેદ માખીનો ઉપદ્રવ આવતા ઉત્પાદનને પડ્યો મોટો ફટકો
ગીર સોમનાથ: નાળિયેરના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો હવે નાળિયેરીની સુરક્ષા માટે લાચાર બન્યા છે. નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી જતા 60 થી 70 ટકા ઉત્પાદન ઘટી ગયુ છે. જેના કારણે કાંઠા વિસ્તારના ખેડૂતો માટે કલ્પવૃક્ષ સમાન નાળિયેરીનું ઉત્પાદન ઘટી જતા ખેડૂતો હવે બગીચા પર જેસીબી મશીન ફેરવી અન્ય પાક લેવા મજબુર બન્યા છે.
ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતોને હવે સફેદ માખીએ રડાવ્યા છે. લીલા નાળિયેરનું ગઢ ગણાતા ગીર સોમનાથમાં નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ આવી જતા ખેડૂતો બાળકની જેમ ઉછેરેલી નાળિયેરી કાપી નાખવા માટે મજબુર બન્યા છે. આ સફેદ માખીને કારણે નાળિયેરના ઉત્પાદનને 60 થી 70 ટકાનો ફટકો પડ્યો છે.
નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવથી ઘટ્યુ ઉત્પાદન
છેલ્લા ચાર વર્ષથી ગીર કાંઠાના વિસ્તારોમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. આ સફેદ માખી એ નાળિયેરી માટે કેન્સર સમાન ગણાય છે. આ માખી નાળિયેરીના પાન પર બેસી ચીકણો કાળો પદાર્થ છોડે છે. આથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જતા પાન ખરવા લાગે છે અને નાળિયેરનુ ઉત્પાદન ઘટે છે. ગીરમાં 500 થી 700 હેક્ટર જમીનમાં નાળિયેરનો પાક લેવાય છે. જો કે સફેદ માખીના ઉપદ્રવને કારણે ઉત્પાદન ઘટ્યુ છે.
સફેદ માખીના ઉપદ્રવથી આખેઆખા બગીચાઓ વેરાન થઈ ગયા
છેલ્લા બે-ચાર વર્ષથી ગીરના દરિયાઇ વિસ્તારમાં સતત વાવાઝોડા પણ આવી રહ્યા હતા જેને કારણે પણ નાળિયેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. 3 વર્ષ પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ નાળિયેરના બગીચાઓનો સોથ વાળી દીધો હતો. લાખોની સંખ્યામાં ઉના, ગીરગઢડા અને કોડીનાર સહિતના વિસ્તારોમાં નાળિયેરના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા. ગીર વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નાળિયેરીનાં બગીચાઓ છે. સફેદ માખીના રોગે આખે આખા બગીચાઓને જાણે કે વેરાન બનાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે. માખીનાં ઉપદ્રવનાં કારણે બગીચાઓ સુકાઈ રહ્યા છે.
આ પણ વાંચો: સોસાયટીમાં સિંહ આવી ચડ્યો, સ્થાનિકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા- જુઓ તસ્વીરો
ખેડૂતો ભારે હૈયે બગીચાનો નાશ કરવા બન્યા મજબુર
ઉત્પાદન ઘટી જતા ખેડૂતો હાલ ભારે હૈયે નાળિયેરીના ઝાડ પર જેસીબી ચલાવી બગીચા કાપી રહ્યા છે. હાલ ખેડૂતો માટે મુશ્કેલી છે કે દરિયાઈ વિસ્તાર હોવાથી જમીનમાં ખારાશ વધુ છે. જેને લઈને ધાન્ય કે અન્ય પાકોમાં પણ ખેડૂતોને સારુ ઉત્પાદન મળતુ નથી. ત્યારે ખેડૂતોએ 12 વર્ષ પહેલા બાગાયત ખાતાની ભલામણથી 6 વિઘા જમીનમાં લાખોને ખર્ચ કરી નાળિયેરી વાવી હતી પરંતુ 12 વર્ષ રાહ જોયા બાદ પણ જોઈએ તેવુ ઉત્પાદન ન મળ્યુ અને ખેડૂતો ભારે હૈયે નાળિયેરી કાપવા મજબુર બન્યા છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો