ANAND : અમુલ ડેરીનો રેકોર્ડ, વર્ષ 2020-21માં દરરોજ સરેરાશ 36 લાખ કિલો ગુણવત્તાસભર દૂધ સંપાદન કર્યુ
Amul Dairy AGM : અમૂલ ડેરીની 75મી વાર્ષિક સાધારણ સભા આજે ઓનલાઈન યોજાઈ હતી, જો કે ડેરીનો મહાતાવનો ભાગ એવા પશુપાલકોના પ્રશ્નો અંગે કોઈ ચર્ચા ન થાય તે માટે સભાસદોને દુર રાખવામાં આવ્યા.
ANAND :સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના ફેલાવવાના ખતરાને ધ્યાનમાં લઈ અમૂલ ડેરીની 75મી વાર્ષિક સાધારણ સભા (Amul Dairy AGM) 18મી સપ્ટેમ્બરના રોજ અલગ-અલગ 11 સ્થળો આણંદ, ખંભાત, બોરસદ, રંગાઈપુરા, ઠાસરા, બાલાસિનોર, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, નડિયાદ અને વીરપુર પર ઓનલાઈન યોજવામાં આવી. આજરોજ અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે અમૂલ ડેરીને મળેલ મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનદાસ પટેલ અને શ્વેતક્રાંતિના જનક ડૉ.વર્ગીસ કુરિયને યાદ કરી તેમણે અમૂલ માટે આપેલ નિસ્વાર્થ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં જ્યારે મોટાભાગના ધંધાઓ, વ્યવસાયો અને રોજગારી બંધ થઈ ગયાહતા, ત્યારે અમૂલ ડેરીએ લગભગ 6 લાખ દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધ સંપાદનનું કાર્ય જાળવી રાખી દૂધ ઉત્પાદકોને તેમણે આપેલ દૂધનું પૂરેપુર વળતર ચૂકવેલ છે. કોરોનાની આવી પડેલ વિકટ પરિસ્થિતિનો સામનો કરી દેશમાં જ્યારે સંપૂર્ણ લોક-ડાઉન હતું ત્યારે અમૂલે દૂધ સંપાદન તેમજ દૂધ પ્રોસેસિંગનું કાર્ય અવરીત જાળવી રાખેલ હતું.
અમૂલ ડેરીએ કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં સંઘ સંકલીત દૂધ મંડળીઓ સુધી હાથ સાફ કરવા માટે સેનીટાઈઝર અને માસ્ક પણ સંઘ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. દરેક સભાસદો, ચેરમેન તેમજ કર્મચારીઓએ સંયમ પૂર્વક તેમજ ધીરજ ધરી દૂધ મંડળીઓએ અવિરત દૂધ સંપાદન ચાલુ રાખેલ જે બદલ તેઓએ બધાનો આભાર માન્યો હતો.
અમૂલની 74મી વાર્ષિક સાધારણ સભા (Amul Dairy AGM)માં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો અલગ-અલગ સ્થળો પર યોજવામાં આવેલ ઓનલાઈન વાર્ષિક સાધારણ સભામાં હાજર રહી બધાજ એજન્ડાનો શાંતિપૂર્વક નિકાલ કર્યો હતો. રામસિંહ પરમારે વાર્ષિક સાધારણ સભાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2020-2021 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબજ કપરું રહેલ, તેમ છતાં સંઘનો વ્યાપાર રૂપિયા 8598 કરોડને પાર કરી ગયો છે, જેને વર્ષ 2021-2022 દરમ્યાન રૂપિયા 10,000 કરોડ કરવાનો લક્ષ્યાંક છે. સંઘે વર્ષ 2020-2021 દરમ્યાન સરેરાશ 36 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 131 કરોડ કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલ છે.
અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે સમિતિના સભ્યને તેમજ હાજર રહેલ દૂધ ઉત્પાદકને ARDA (Amul Research and Development Association) માં થયેલ કામ વિશે જણાવ્યું કે અમૂલ ડેરી દ્વારા ડીજીટલાઇઝેશન અંતર્ગત કૃત્રિમ વીર્યદાન સેવાને અમૂલ કાર્યક્ષેત્રની 1200 દૂધ મંડળીઓને ડીજીટલાઇઝેશન અંતર્ગત આવરી લીધેલ છે. અહેવાલના વર્ષે સિમેન સ્ટેશન, ઓડને ISO 9001-2015અને A ગ્રેડનું સર્ટિફીકેટ મળેલ છે અને આ વર્ષે 53.78 લાખથી વધુ સિમેન ડોઝનું બહારના રાજ્યોમાં વેચાણ કરેલ છે.
પશુઓનું દૂધ ઉત્પાદન વધારવાના હેતુથી વર્ષ દરમ્યાન ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા ઈમ્પોર્ટેડ એચ.એફ. સાંઢ તેમજ મુર્રાહ ડોઝનું વિતરણ કરવામાં આવેલ છે અને દૂધ મંડળીઓમાં ફક્ત પાડી કે વાછરડી જ જન્મે તેવા 34, 326 સેક્સ સિમેન ડોઝનું વિતરણ કરેલ છે. પશુપાલનના ધંધાને મદદરૂપ થવાના આશયથી ARDA દ્વારા વિવિધ યોજનાઓ જેવીકે એફ.આઈ.પી., પેપ, સી.આર.પી., એમ.પી.પી.નું સફળ સંચાલન કરવામાં આવેલ હતું. વર્ષ દરમ્યાન લીલા ઘાસચારના બિયારણ, સેફટી રબર મેટ તેમજ મીલ્કીંગ મશીન માટે સબસીડી આપવામાં આવેલ હતી.
અમૂલ દ્વારા સૌથી વધુ પશુદાણનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવેલ છે. અમૂલ દાણ હવે મિનરલ મિક્ષર યુક્ત હોય છે જેનાથી સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. મોગર ખાતે એનિમલ બ્રિડિંગ સેન્ટરની સ્થાપના કરી ભૂણપ્રત્યારોપણ તેમજ લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગ કરી ઉચ્ચ વંશાવલી ધરાવતી ગાયો-ભેંસોને તૈયાર કરવામાં આવશે.પશુપાલનના વ્યવસાયને નફાકારક રીતે ચલાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન કરવું જરૂરી છે.
પશુ સંવર્ધન માટે પશુઓને સપ્લીમેંટ આપવું ખુબજ જરૂરી છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી દ્વારા આકર્ષક પેકમાં અમૂલ ફર્ટિ બુસ્ટ, અમૂલ ન્યુટ્રિકેલ અને ચાટણ ઈંટનું લોંચિંગ કરવામાં આવ્યું. જે આપણા દરેક અમૂલ ફીડ(દાણ) પાર્લર તેમજ દૂધ મંડળીએ વેચાણ અર્થે મુકેલ છે. અમૂલ દ્વારા પશુઓની સારવાર માટે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનું આયોજન છે.
ઓનલાઈન એ.આઈના માધ્યમથી 1200 દૂધ મંડળીઓમાં કૃત્રિમ વીર્યદાનની સેવાની શરુઆત થઇ ગયેલ છે અને તેના ઘણા સારા અભિપ્રાય મને મળેલ છે. ઓનલાઈન એ.આઈ થકી આપણને ઘણી માહિતી જેવી કે જીલ્લામાં ગાભણ પશુઓની સંખ્યા જાણી શકાશે. જેથી દૂધ ઉત્પાદન વિષે સચોટ માહિતી મેળવી શકીશું. આ પદ્ધતિના બીજા અનેક ફાયદા પશુપાલનના વિકાસ કાર્યો માટે લેવામાં આવશે.
અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે અમૂલ પશુસેવા એપની શરૂઆત પણ કરવામાં આવેલ છે, જેનાથી સભાસદો સીધા પશુની બીમારીની તેમજ એ.આઈ ની વિઝીટ પોતાની જાતે બુક કરાવી શકે છે અથવા કર્મચારી કે સેક્રેટરી મારફતે બુક કરાવી શકે છે. અમૂલ પશુસેવા એપ થકી કોલ બુકિંગ ઝડપી બનેલ છે અને સભાસદને કોઈ મુશ્કેલી પડતી નથી.
અમુલ ડેરીના ચેરમેન રામસિંહે વિનંતી કરી હતી કે ગામની પશુપાલન કરતી બહેનોને, મોગર તેમજ સારસા ખાતે મુલાકાતો કરાવી અને પશુપાલનના ધંધાને કેવી રીતે વધુ નફાકારક બનાવી શકાય તે સમજ આપીએ. ભવિષ્યના કામ વિષે જણાવ્યું કે પશુપાલનના ધંધાને મદદરૂપ થવાના આશયથી અમૂલ દ્વારા પશુઓની સારવાર માટે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનું આયોજન છે.કલકત્તા ખાતે અદ્યતન ડેરી પ્લાન્ટ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ વર્ષમાં તેનું કામ શરૂ કરવા માટે જરૂરી તૈયારીઓ ચાલુ છે.હાલ ચોકલેટની વધતી જતી બજાર માંગને ધ્યાનમાં લઈ સંઘે મોગર ખાતે ચોકલેટની હાલની ઉત્પાદન ક્ષમતા 1200 મેટ્રિક ટન પ્રતિદિન જૈને વધારી 1800 મેટ્રિક ટન પ્રતિદિન કરવાનું આયોજન છે.
ખાત્રજ ખાતે ફેડરેશનની જરૂરિયાત પ્રમાણે ગૌઉડા ચીઝ અને ચીઝ સોસની માંગને પહોંચી વળવા ચીઝ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાની જરૂરિયાત છે, જે માટે મૅક્સીકન સાલસ, જેલેપીનો, ગ્રીન ચટણી અને પીઝા ચીઝ સોસ પેક કરવા માટે 25 બોટલ (200 ગ્રામ/ બોટલ) પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતું પેકિંગ મશીન સ્થાપવાનું આયોજન છે. આ સાથે ખાત્રજમાં 170 કિલો પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા ધરાવતો ગૌઉંડા ચીઝ પ્લાન્ટ, 1000 ચીઝસ્લાઈસ પ્રતિ ક્લાક ઉત્પાદન ક્ષમતાવાળું ચીઝ સ્લાઈસ મશીન અને તેને પેક કરવા માટે પેકિંગ મશીન સ્થાપવા માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલ છે.