રાજ્ય શિક્ષણ સેવા વર્ગ- 1 અને વર્ગ 2ની 473 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી સત્વરે ભરાશે- શિક્ષણમંત્રી કુબેર ડીંડોર
રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની 473 જેટલી ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી કે બઢતીથી નિયમોનુસાર સત્વરે ભરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આ જાણકારી આપતા જણાવ્યુ કે રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 1 અને 2માં 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની વયનિવૃતિ, સ્વૈચ્છિક નિવૃતિ અને બઢતીના કારણોસર ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આજે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જાણકારી આપી કે રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2 ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે. જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે બાકીની વયનિવૃતિ, સ્વૈચ્છિક નિવૃતિ અને બઢતીના કારણોસર ખાલી પડેલી 473 જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.
આ ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોવાથી નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ કુબેર ડીંડોરે જણાવ્યુ હતુ.
ધોરણ-9 અને ધોરણ-10 માં વૈદિક ગણિતનો અમલ
રાજ્ય શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે જીવન ઘડતરના પણ મૂલ્યો કેળવાય તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.
આ જ કારણે તાજેતરમાં ધોરણ 10 થી 12માં ગીતાના મૂલ્યો મળે એ માટેનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં મંત્રીએ જણાવ્યુ કે ધોરણ 9 અને ધોરણ 10 માં વૈદિક ગણિતનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. જેના માટે 449 શાળીઓમાં પુસ્તકો મોકલી દેવામાં આવ્યા છે.
આદિજાતિ સમાજની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના
વધુમાં રાજ્ય શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જણાવ્યુ કે રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલથી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાઓમાં બદલાવ કર્યો છે અને શાળાકીય માળખામાં પણ ફેરફાર કર્યો છે. આદિજાતિ સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પુરુ પાડવા સરકાર દ્વારા વિશેષ સહાય અપાય છે. જેના પરિણામે આદિજાતિ સમાજની દીકરીઓ હવે તબીબી સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
તેમણે જણાવ્યુ કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ નિયત ટ્યુશન ફી સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2022માં 6632 દીકરીઓને હાયર એજ્યુકેશન માટે રૂ.7208.39 લાખની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ-2023માં 4614 દીકરીઓને રૂ.5339.24 લાખની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં 11,246 દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે 12,547 લાખથી વધુ રકમની શિષ્યવૃતિ સહાય ચૂકવાઇ છે.