ગુજરાતના મહાનગરોમાં બુટલેગરો બેફામ, રાજકોટમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, તો વડોદરામાં ફરિયાદી યુવકને બુટલેગરે માર્યો માર- Video
કહેવા માટે તો ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવાય છે. પરંતુ લાગે છે કે ખાલી નામનું છે. કેમ કે અવાર નવાર દારૂ અહીં પકડાય છે અને જનતા દારૂના અડ્ડા પર રેડ પણ પાડી રહી છે. આજે પણ રાજ્યમાં બુટલેગરના ત્રાસની એક નહીં બે બે ઘટનાઓ બની છે.
રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોએ જાતે જ જનતા રેડ પાડવાનું નક્કી કર્યું હતું. સ્થાનિકો દ્વારા પોત-પોતાના મોબાઈલમાં વીડિયો શરૂ રાખીને જનતા રેડ પાડવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે, લોકો જાહેરમાં દેશી દારૂ પી રહ્યાં હતાં, તેમજ રસ્તા પર ખુલ્લેઆમ દેશીદારૂની કોથળીઓનો ઢગલો હતો. જનતા રેડને જોતાં જ દારૂડિયાઓ ત્યાંથી ભાગી રહ્યાં હતાં. આ સિવાય જનતા રેડ કરવા ગયેલાં લોકોએ બે થી ત્રણ મોટાં-મોટાં કોથળા ભરીને દેશી દારૂનો જથ્થો પણ ઝડપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્ર પર મોટા સવાલ ઊભા થાય છે. જો જાહેર જનતાને ખબર પડતી હોય કે, આ જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થાય છે, તો પોલીસને આ વિશે માહિતી કેમ નથી મળતી? જો સ્થાનિકો ત્યાં જઈને દરોડા પાડી આ દેશી દારૂના વેચાણને ઉજાગર કરી શકતી હોય તો પોલીસ ત્યાં દરોડા કેમ નથી પાડી શકતી?
આ તરફ વડોદરામાં માથાભારે બુટલેગરે યુવક પર હુમલો કર્યો તેના CCTV પણ સામે આવ્યા છે. ભાવેશ દરબાર નામના બુટલેગરની દાદાગીરી CCTVમાં જોઇ શકાય છે. માંજલપુર સરસ્વતી કોમ્પલેક્ષ પાસે ભાવેશ દરબાર નામના બુટલેગરની દાદાગીરી નૈતિક પટેલ નામની વ્યક્તિ પર જોવા મળી. મારી ફરિયાદ કેમ લખાવી તેમ કહી મહિલા બુટલેગર અને સાગરીતો સાથે મળી બુટલેગરે પર હુમલો કર્યો. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં બુટલેગર સામે ફરિયાદ દાખલ થઈ છે.