PM Internship Scheme: ટોચની કંપનીઓમાં કામ શીખવાની મળશે તક, 1 દિવસમાં 1.50 લાખથી વધુ યુવાનોએ કર્યું રજીસ્ટ્રેશન
PM Internship Scheme: પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ હવે શરૂ થઈ ગઈ છે. આટલું જ નહીં, ઈન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ શરૂ થયાના માત્ર એક જ દિવસમાં 1.5 લાખથી વધુ યુવાનોએ તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
PM Internship Scheme: આ વર્ષના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ શરૂ કરી હતી. આ યોજના હેઠળ યુવાનોને દેશની ટોચની કંપનીઓ અને ક્ષેત્રોમાં કામ શીખવાની તક મળે છે. આ પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ હવે શરૂ થઈ ગઈ છે. આટલું જ નહીં, ઈન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ શરૂ થયાના માત્ર એક જ દિવસમાં 1.5 લાખથી વધુ યુવાનોએ તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સરકારી ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 1,55,109 યુવાનોએ ઈન્ટર્નશિપ સ્કીમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યોજના હેઠળ દેશના યુવાનોને ટોચની કંપનીઓમાં 1 વર્ષ માટે ઇન્ટર્નશિપ કરવાની તક આપવામાં આવશે, જેનાથી તેમને નોકરી મેળવવામાં સરળતા રહેશે.
તમને અહીં ઇન્ટર્નશિપ મળશે
ઈન્ટર્નશિપ સ્કીમ હેઠળ યુવાનોને દેશની ટોચની 500 કંપનીઓમાં કામ કરવાનું શીખવવામાં આવશે. અત્યાર સુધી, જુબિલન્ટ ફૂડવર્કસ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, આઈશર મોટર લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, મુથૂટ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી ઘણી કંપનીઓએ સરકારી યોજના હેઠળ યુવાનોને ઈન્ટર્નશિપ ઓફર કરી છે. યુવાનોને 24 મોટા ક્ષેત્રોમાં કામ શીખવવામાં આવશે, જેમાં તેલ, ગેસ, ઊર્જા, મુસાફરી, હોસ્પિટાલિટી, ઓટોમોટિવ, બેંકિંગ, મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
કોણ અરજી કરી શકે છે?
21 થી 24 વર્ષની વચ્ચેનો કોઈપણ યુવક ઈન્ટર્નશિપ સ્કીમ માટે અરજી કરી શકે છે. આ સિવાય જે યુવાનોની કુટુંબની વાર્ષિક આવક રૂ. 8 લાખથી વધુ છે તેઓ આ યોજનાનો ભાગ બની શકશે નહીં. આ યોજના હેઠળ યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ પણ મળશે. તેમને કામ શીખવા માટે માસિક રૂ. 5,000નું સ્ટાઈપેન્ડ મળશે. તમે આ વેબસાઈટ પર જઈને PM ઈન્ટર્નશિપ સ્કીમ માટે પણ અરજી કરી શકો છો.