કાપડ ઉદ્યોગ માટે ટૂંક સમયમાં થઈ શકે છે એક મોટી જાહેરાત, ખૂબ મોટુ નિકાસકાર બનશે ભારત
PLI યોજનાની જાહેરાત બાદ મોદી મંત્રીમંડળ કાપડ ઉદ્યોગ માટે ટુંક સમયમાં MITRA schemeની જાહેરાત કરી શકે છે. આ યોજના હેઠળ દેશમાં 7 મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપવામાં આવશે, જે ઉત્પાદનમાં વધારો કરશે અને નિકાસને વેગ આપશે.
મોદી સરકાર કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તમામ પ્રયાસો કરી રહી છે. 2021-22ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કાપડ ઉદ્યોગ માટે MITRA યોજનાની જાહેરાત કરી હતી. માનવામાં આવે છે કે આ યોજનાને કેબિનેટ તરફથી બહુ જલ્દી મંજૂરી મળી જશે. આ યોજના હેઠળ દેશમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.
MITRA scheme હેઠળ કાપડના નિકાસને પ્રોત્સાહન આપવા માટે આગામી 3 વર્ષમાં દેશમાં 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. દરેક પાર્ક 1000 એકરમાં ફેલાયેલો હશે, જ્યાં વર્લ્ડ ક્લાસ પ્લગ એન્ડ પ્લે સુવિધા હશે. આ યોજના અંગે કાપડ મંત્રાલયે ગત સપ્તાહે ડ્રાફ્ટમાં ફેરફાર કરીને કેબિનેટ નોંધ મોકલી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મેગા પાર્કનું સ્થાન ચેલેન્જ પદ્ધતિ હેઠળ પસંદ કરવામાં આવશે.
આ રાજ્યોએ રસ દાખવ્યો
કાપડ સચિવ યુપી સિંહે કહ્યું કે આ યોજનાની મંજૂરી પ્રથમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે જલ્દી જ મિત્ર યોજના માટે અમને કેબિનેટની મંજૂરી મળી જશે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યો આ યોજનાની રેસમાં છે. ઘણા રાજ્યો ત્રણ કે ચાર પાર્ક પોતાને ત્યાં સ્થાપિત કરવા માંગે છે. એટલા માટે અમે ‘સ્પર્ધા’ દ્વારા રાજ્યોની પસંદગી કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોએ આ પાર્ક માટે રસ દાખવ્યો છે.
#Cabinet approves Production Linked Incentive Scheme for Textiles; Incentives worth Rs. 10,683 crore to be provided over 5 yrs;
This will especially positively impact States like Gujarat, Uttar Pradesh, Maharashtra, Tamil Nadu, Punjab, Andhra Pradesh, Telangana, Odisha etc. pic.twitter.com/2lQaIojFLS
— Jaideep Bhatnagar (@DG_PIB) September 8, 2021
PLI યોજના હેઠળ 10,683 કરોડની જાહેરાત કરી
અગાઉ સરકારે કાપડ માટે 10,000 કરોડથી વધુની PLI યોજનાને મંજૂરી આપી છે. કાપડ ક્ષેત્ર માટે આ યોજના હેઠળ 10,683 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાની મદદથી કાપડ ઉદ્યોગમાં 7.5 લાખ લોકોને નોકરી મળશે. એવું માનવામાં આવે છે કે આ યોજનાના અમલીકરણ સાથે આગામી પાંચ વર્ષમાં કાપડ ઉદ્યોગમાં 19 હજાર કરોડનું નવું રોકાણ આવશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં 3 લાખ કરોડનું વધારાનું ઉત્પાદન થશે, જે નિકાસને વેગ આપશે.
MMF સેગમેન્ટને વિશેષ લાભ મળશે
આ યોજના કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં MMF એટલે કે મેન-મેઇડ-ફાઇબર એપેરલ, MMF ફેબ્રિક અને 10 વિવિધ પ્રકારના સેગમેન્ટ પ્રોડક્ટ્સ જે ટેક્નિકલ ટેક્સટાઈલ હેઠળ આવે છે તેમને આ યોજનાનો લાભ મળશે. બજેટ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે 13 ક્ષેત્રો માટે PLI યોજનાની જાહેરાત કરી હતી, જેના માટે બજેટ ફાળવણી 1.97 લાખ કરોડ રૂપિયા છે.
ગ્લોબલ માર્કેટ ટેક્નિકલ ટેક્સટાઈલનું છે
આ યોજના અંગે કાપડ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતીય કાપડ ઉદ્યોગ મુખ્યત્વે કોટન ટેક્સટાઈલ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય બજારના 60 ટકાથી વધુ ભાગ પર એમએમએફ ફાઈબર અને ટેક્નિકલ ટેક્સટાઈલનો કબ્જો છે. આવી સ્થિતિમાં PLI સ્કીમની મદદથી ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં ભારતની હિસ્સેદારી વધશે.
નાના શહેરો પર ફોકસ કરવામાં આવશે
Textile PLI Schemeની વિગતવાર માહિતી શેર કરતી વખતે પિયુષ ગોયલે કહ્યું કે અમારું મુખ્ય ધ્યાન Tier-3 અને Tier-4 શહેરો પર રહેશે. નાના શહેરોમાં કાપડના કારખાનાઓને આનો વધુ લાભ મળશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા કેટલાક રાજ્યો છે જેમને આનાથી વધુ લાભ મળશે.
મેન મેડ ફાઈબર (MMF)નો ફાળો માત્ર 20 ટકા
ભારતના કાપડ ઉદ્યોગની વાત કરીએ તો હાલમાં કોટનનું યોગદાન 80 ટકા અને MMFનું યોગદાન માત્ર 20 ટકા છે. વિશ્વના અન્ય દેશો આ મામલે આપણા કરતા ઘણા આગળ છે. આવી સ્થિતિમાં આ સેગમેન્ટ અને સેક્ટરને પ્રોત્સાહન આપવાની જરૂર છે. PLI યોજના એક મજબૂત પગલું સાબિત થશે.