Hinduja Group Controversy: પારિવારિક ઝઘડાઓને કારણે ચર્ચામાં રહ્યું છે હિન્દુજા ગ્રુપ, બોફોર્સ કૌભાંડમાં પણ જોડાયું હતું નામ
Hinduja Group Controversy: હિન્દુજા ગ્રુપ (Hinduja Group) છેલ્લા 100 વર્ષથી દુનિયાના અલગ-અલગ દેશોમાં બિઝનેસ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુજા ગ્રુપ વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો હતો, જે હવે પ્રોપર્ટીના વિભાજન સુધી પહોંચી ગયો છે.
Hinduja Group: ‘અશોક લેલેન્ડ’ નામથી બસ અને ટ્રક બનાવનારી કંપની હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસ. પી. હિન્દુજાનું 87 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા એસ. પી. હિન્દુજાએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા. હિન્દુજા ગ્રુપને સંભાળતા 4 ભાઈઓમાં તેઓ સૌથી મોટા હતા. આ ભાઈઓના નામ બોફોર્સ કૌભાંડમાં પણ જોડાયું હતું અને લાંબા સમયથી પારિવારિક ઝઘડો (Hinduja Group Controversy) ચાલી રહ્યો છે.
109 વર્ષ જૂના હિન્દુજા ગ્રુપમાં લાંબા સમયથી પારિવારિક ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ ચાલુ મિલકત વિભાજન વિવાદ ગયા વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થયો, જ્યારે પરિવારના સભ્યોએ સમાધાન કરવાનો નિર્ણય કર્યો. જ્યારે હિન્દુજા ગ્રુપની મિલકત અંગેનો કેસ યુકેની કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો, ત્યારે ગોપનીય સમાધાન બાદ વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ હજુ પણ હિન્દુજા ગ્રૂપના વકીલે દાવો કર્યો છે કે કંપનીનો વૈશ્વિક કારોબાર હજુ પણ જોખમમાં છે, પરિવારમાં ચાલી રહેલા પ્રોપર્ટી વિવાદના વધુ ઘણા કેસ યુકેમાં દાખલ થઈ શકે છે.
વર્ષ 1914માં હિન્દુજા ગ્રુપનો પાયો પરમાનંદ હિન્દુજાએ નાખ્યો હતો. પરમાનંદ હિન્દુજાના પુત્ર શ્રીચંદ હિન્દુજા અને તેમના ભાઈ ગોપીચંદ હિન્દુજાએ પાછળથી કંપનીનો બિઝનેસ સંભાળ્યો. હિન્દુજા ગ્રૂપે 1919માં ઈરાનમાં તેનો પહેલો આંતરરાષ્ટ્રીય બિઝનેસ શરૂ કર્યો, ત્યારબાદ કંપનીની હેડ ઓફિસ ઈરાનમાં શિફ્ટ થઈ ગઈ. 1979 સુધી હિન્દુજા ગ્રુપનું હેડક્વાટર ઈરાનમાં રહ્યું. તે વર્ષે ઈસ્લામિક ક્રાંતિને કારણે, હિન્દુજા જૂથે તેની કંપનીનું હેડક્વાટર યુરોપમાં શિફ્ટ કર્યું. શ્રીચંદ હિંદુજા અને તેમના ભાઈ ગોપીચંદ હિંદુજાએ લંડનમાં કંપનીની ઓફિસ ખોલી અને કંપનીના બિઝનેસને વધારવાનું કામ કર્યું.
અત્યારે હિન્દુજા ગ્રુપની કંપનીઓ વિશે વાત કરીએ તો અશોક લેલેન્ડ, ગલ્ફ ઓઈલ, હિન્દુજા બેંક સ્વિટ્ઝર્લેન્ડ, ઈન્ડસઈન્ડ બેંક, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ, હિન્દુજા ટીએમટી, હિન્દુજા વેન્ચર્સ, ઈન્ડસઈન્ડ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ લિમિટેડ, હિન્દુજા ફાઉન્ડ્રીઝ, પીડી હિન્દુજા હોસ્પિટલ અને ડિફેન્સ ટેક્નોલોજી લિમિટેડનો સમાવેશ થાય છે. ભારતથી લઈને યુરોપ અને મધ્ય પૂર્વમાં હિન્દુજા ગ્રુપનો મોટો બિઝનેસ છે. ફોર્બ્સ મુજબ હિન્દુજા ગ્રુપની કુલ નેટવર્થ લગભગ 14 બિલિયન છે.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
લાંબા સમયથી આદર્શ ભારતીય સંયુક્ત પરિવારનો હિસ્સો રહેલા હિન્દુજા ગ્રુપ વચ્ચે તેમની આ મિલકતને લઈને થોડા વર્ષો પહેલા વિવાદ થયો હતો. દાયકાઓથી સંયુક્ત પરિવાર તરીકે રહેતા પરિવારમાં શરૂ થયેલ મિલકતનો વિવાદ જોઈને સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. બધા વિચારી રહ્યા હતા કે આ સંયુક્ત કુટુંબમાં તિરાડ પડી ગઈ પછી શું થયું? હિન્દુજા પરિવારમાં અણબનાવના પ્રથમ સમાચાર ત્યારે આવ્યા જ્યારે શ્રીચંદ હિન્દુજાની પુત્રીઓએ સ્વિટ્ઝરલેન્ડ સ્થિત હિન્દુજા બેંક પર નિયંત્રણ માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો.
નવેમ્બર 2019 થી પરિવાર વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે પરિવારને મોટું નુકસાન થયું છે. હિન્દુજા બેંકના અધ્યક્ષ શાનુ હિન્દુજા છે અને તેમના પુત્ર કરમ હિન્દુજા તેના સીઈઓ છે. પરિવારના અન્ય સભ્યો પણ આ બેંક પર પોતાનું નિયંત્રણ ઈચ્છતા હતા. 2 જુલાઈ 2014 ના રોજ, પરિવારને એક ગુપ્ત પત્ર મળ્યો જેમાં જણાવાયું હતું કે પરિવારમાં બધું જ બધાનું છે અને કોઈ એકનું કંઈ નથી. આ સમાધાન પત્ર આવ્યા બાદથી જ પરિવાર વચ્ચે મિલકતની વહેંચણીને લઈને ઝઘડો શરૂ થયો હતો.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ શ્રીચંદ હિન્દુજાને ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બિમારી છે, જેના કારણે તેઓ વસ્તુઓ ભૂલી જવા લાગ્યા છે. પરંતુ હિન્દુજા ગ્રુપમાં દરેક ભાઈની અલગ-અલગ બિઝનેસ જવાબદારીઓ છે. શ્રીચંદ હિન્દુજા સમગ્ર જૂથના અધ્યક્ષ તેમજ કુટુંબના વડા છે. શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા લંડનમાં રહે છે, જ્યારે પ્રકાશચંદ મોનાકો અને અશોક હિન્દુજા ભારતમાંથી બિઝનેસ સંભાળે છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ વિશ્વના અમીરોની ટોપ 100 લિસ્ટમાં હિન્દુજા ગ્રુપનો સમાવેશ થાય છે. આ જૂથની 6 કંપનીઓ ભારતમાં લિસ્ટેડ છે.
વિભાજનનો માર્ગ બન્યો સરળ
ગયા વર્ષે જૂન 2022માં હિંદુજા ગ્રુપ વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં બ્રિટિશ હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે હિંદુજા પરિવાર વચ્ચેના વિખવાદનું મૂળ 2014માં થયેલ એક સમજૂતી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પરિવારની દરેક વસ્તુ દરેક વ્યક્તિની છે અને કોઈ એકનું કંઈ નથી. આ કરાર પર ચારેય ભાઈઓએ હસ્તાક્ષર કર્યા છે. જો કે, શ્રીચંદ હિંદુજાના ત્રણ નાના ભાઈઓએ દલીલ કરી હતી કે આ પત્ર 100 વર્ષ જૂના હિન્દુજા જૂથના ઉત્તરાધિકાર આયોજન અંગેનો હતો. તેના પર મોટા ભાઈ શ્રીચંદ હિંદુજાએ આરોપ લગાવ્યો હતો કે તેમને સાઈડલાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બાદમાં શ્રીચંદ હિન્દુજાના વકીલે જૂન 2022માં કહ્યું હતું કે પરિવાર હવે સોદો ખતમ કરવા માટે સંમત થયો છે. આ સંમતિ બાદ પરિવારની મિલકતોના વિભાજનનો રસ્તો સાફ થઈ ગયો છે. આ ગ્રૂપમાં અનેક કંપનીઓ છે, જેમાં ટ્રક બનાવવાથી લઈને બેંકિંગ, રસાયણો, પાવર, મીડિયા, હેલ્થકેર વગેરેનો સમાવેશ થાય છે.
હિન્દુજા ગ્રુપનું ફેમિલી ટ્રી
પરમાનંદ હિન્દુજાના મોટા પુત્ર શ્રીચંદ હિન્દુજા પરિવારના વડા તેમજ હિન્દુજા ફાઉન્ડેશન, હિન્દુજા બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન પણ છે. આ ગ્રુપના કો-ચેરમેન શ્રીચંદ હિન્દુજાના ભાઈ ગોપીચંદ હિન્દુજા છે. આ સિવાય તેઓ હિન્દુજા ઓટોમોટિવ લિમિટેડ, યુકેના ચેરમેન છે. તેમના ત્રીજા ભાઈ પ્રકાશ પરમાનંદ હિન્દુજા હિન્દુજા ગ્રુપ (યુરોપ)ના ચેરમેન છે. જ્યારે હિન્દુજા ગ્રુપની ભારતીય કંપનીઓના ચેરમેન અશોક હિન્દુજા છે. સંજય હિન્દુજા, અજય હિન્દુજા, વિનુ હિન્દુજા, રેમી હિન્દુજા, ધીરજ હિન્દુજા અને શોમ હિન્દુજા પણ હિન્દુજા ગ્રુપમાં મુખ્ય હોદ્દા પર છે.
બોફોર્સ કૌભાંડમાં પણ જોડાયું હતું નામ
બોફોર્સ કૌભાંડમાં હિન્દુજા ગ્રુપનું નામ પણ જોડાયું હતું. આ કૌભાંડમાં હિન્દુજા ગ્રુપ શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશચંદનું નામ આવ્યું હતું, જેમાં સ્વીડનની કંપની બોફોર્સ પર 1986માં 1.3 બિલિયન ડોલરમાં ભારત સરકારને 400 તોપ વેચવા માટે સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને લાંચ આપવાનો આરોપ હતો. બોફોર્સ કૌભાંડને કારણે કોંગ્રેસની રાજીવ ગાંધી સરકાર 1989માં ચૂંટણી હારી ગઈ હતી.
સીબીઆઈએ હિંદુજા ગ્રુપ તેમજ એબી બોફોર્સના તત્કાલિન ચેરમેન માર્ટિન અર્ડબો અને વચેટિયા વિન ચઢ્ઢા સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધ્યો હતો. 2005માં દિલ્હી હાઈકોર્ટે પુરાવાના અભાવે હિન્દુજા ગ્રુપ સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા.