પોષી પૂનમના અવસરે ધાર્મિક સ્થાનોએ ભાવિકોની ભીડ, શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
રાજ્યમાં પોષી પૂનમના અવસરે અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની લાઈનો લાગી તો ખેડા ના સંતરામ મંદિરમાં બોર ઉછામણીની બાધા પૂરી કરવા ભાવિકો ઉમટ્યા આ તરફ અંબાજીમાં અંબેનો પ્રાગટ્યોત્સવની અંબાજી ખાતે ધામધૂમથી ઉજ્જવણી કરવામાં આવી.
ખેડા જિલ્લાનાં નડિયાદ શહેરમાં આવેલા પ્રસિદ્ધ સંતરામ મંદિર આજે માનવ મહેરામણ ઉમટ્યો હતો. આજે પોશી પુનમની સંતરામ મંદિરે ભવ્ય ઉજવણી થાય છે. જે બાળકો બોલતા ન હોય તેનાં માટે બોર ઉછાળવાની બાધા શ્રદ્ધાળુઓ રાખે છે. આજે વહેલી સવારથી જ સંતરામ મંદિર ખાતે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
આ તરફ અરવલ્લીમાં પણ શામળાજી મંદિરો ભક્તોની ભીડ જોવા મળી. પોષી પૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા. વહેલી સવારથી ભાવિકોની લાંબી લાઈનો લાગી હતી. પૂનમ હોવાથી શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા. શામળાજી મંદિરને પણ ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ. દિવસ દરમિયા હજારો ભાવિકોએ શામળિયાના દર્શન કર્યા.
આ તરફ અંબાજીમાં પોષસુદ પૂર્ણિમા નિમિત્તેએ માં અંબેનો પ્રગટોત્સવના અંબાજી ખાતે ધામધૂમથી ઉજ્જવણી કરવામાં આવી. પાટોત્સવને લઇ શક્તિપીઠ અંબાજી ધામમાં યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યું. અંબાજી ખાતે 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત પણ માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી પહોંચ્યા હતા. જ્યાં તેમને માતાજીના હોમહવન કર્યા. આ સાથે માતાજીની બે કિલોમીટર લાંબી શોભાયાત્રા નિકળી. ગબ્બરગોખથી અખંડ જ્યોત માતાજીના મંદિરમાં લાવી શોભાયાત્રા નિકાળવામાં આવી. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. વ્યસનમુક્તિ તેમજ વિવિધ ઝાખીઓ તેમજ હાથી ઘોડા અને ડીજે સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. માતાજીની જ્યોત અને પ્રતિમાને ગજ સવારી આપી અંબાજીમાં નગર પરિભ્રમણ કરાવામાં આવ્યું. ત્યારે પોલીસ દ્વારા પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ભક્તોની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.