Shrawan 2022 : દિવસમાં બે જ વાર થાય છે આ શિવલિંગના દર્શન ! કુમાર કાર્તિકેય દ્વારા સ્થાપિત સ્તંભેશ્વર શિવલિંગનો જાણો મહિમા

કાર્તિકેયસ્વામી દ્વારા સ્થાપીત અને પૂજીત તે પ્રતિજ્ઞેશ્વર શિવલિંગ એટલે જ આજના સ્તંભેશ્વર મહાદેવ (mahadev). આ શિવાલયમાં વિદ્યમાન શિવજીના દર્શન એટલાં સરળ નથી ! કારણ કે આ શિવાલય સમગ્ર દિવસ પાણીમાં જ ગરકાવ રહે છે !

Shrawan 2022 : દિવસમાં બે જ વાર થાય છે આ શિવલિંગના દર્શન ! કુમાર કાર્તિકેય દ્વારા સ્થાપિત સ્તંભેશ્વર શિવલિંગનો જાણો મહિમા
Stambheswara Shivling
TV9 Bhakti

| Edited By: Pinak Shukla

Aug 05, 2022 | 6:34 AM

કહે છે કે જે સ્થાન પર પાવની નદી વહેતી હોય અને સાથે જ દેવાધિદેવનું સાનિધ્ય હોય તે સ્થાન તીર્થની મહત્તાને પામે છે. અને પવિત્ર શ્રાવણમાં (shravan) આવાં તીર્થ સ્થાનના દર્શન સર્વોત્તમ મનાય છે. અને તેમાં પણ આજે નવ-નવ નદીઓ સમુદ્રમાં ભળે છે તેવા મહિસાગરસંગમ (mahisagarsangam) તીર્થની અમારે આપને કરવી છે વાત. સાગર મધ્યે સ્થિત સ્તંભેશ્વર મહાદેવના (mahadev) દર્શન અત્યંત પાવનકારી મનાય છે. આ તો દેવાધિદેવનું એ રૂપ કે જે માત્ર ઓટના સમયે જ ભક્તોને દે છે દર્શન !

સ્તંભેશ્વર ધામની મહત્તા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈમાં સાગર મધ્યે સ્થિત થયા છે સ્તંભેશ્વર મહાદેવ. ઉલ્લેખનીય આ શિવાલયમાં વિદ્યમાન શિવજીના દર્શન એટલાં સરળ નથી ! કારણ કે આ શિવાલય સમગ્ર દિવસ પાણીમાં જ ગરકાવ રહે છે ! જ્યારે દરિયામાં ઓટ આવે ત્યારે જ સ્તંભેશ્વરના દર્શન શક્ય બને છે ! અને આવું દિવસમાં માત્ર બે જ વખત બને છે ! એટલે કે દિવસમાં બે જ વાર ભક્તોને થાય છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન ! અલબત ભારે ભરતીના સંજોગોમાં મહાદેવના એકવાર દર્શન કરવા પણ દુર્લભ બની જાય છે. નિત્ય જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્તંભેશ્વર મહાદેવના દર્શને આવે છે. અને જેવી સમુદ્રમાં ઓટની પ્રક્રિયા શરૂ થાય તે સાથે જ મહેશ્વરના દુર્લભ રૂપનું શરણું લેવા ભક્તો લાઈનો લગાવી દે છે.

સ્તંભેશ્વરની પ્રાગટ્ય ગાથા

સ્કંદમહાપુરાણના માહેશ્વરખંડના કુમારિકાખંડના 26માં અધ્યાયમાં ભેશ્વર મહાદેવની મહત્તાનું વર્ણન છે. પુરાણોમાં આ તીર્થક્ષેત્રનો મહિસાગર સંગમ તીર્થ તરીકે ઉલ્લેખ મળે છે. અને કહે છે કે આ ભૂમિ પર સ્વયં કુમાર કાર્તિકેયે જ તેમના પિતા મહાદેવની શિવલિંગ રૂપે સ્થાપના કરી હતી.

કુમાર કાર્તિકેયે તારકાસુરનો વધ કરી દેવતાઓનો ઉદ્ધાર તો કર્યો. પરંતુ, ત્યારબાદ તેમનું મન વ્યથિત થઈ ગયું. દેવતાઓએ જ્યારે તેમને કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યા “તમે મારા જેવાં પાપીના ગુણગાન કેમ ગાઓ છો ? મને ખબર છે કે પાપ આચરનારાઓનો વધ કરવામાં કોઈ દોષ નથી ! છતાં તારકાસુર તો ભગવાન શંકરનો ભક્ત હતો, એવું યાદ કરીને હું બહુ શોકાતુર થઈ જાઉં છું.”

અલબત્ કાર્તિકસ્વામીને ચિંતાતુર જોઈ શ્રીહરિ વિષ્ણુએ કહ્યું. “હે મહેશનંદન ! તારકાસુરનો વધ કરીને તમે તો પુણ્યકાર્ય જ કર્યું છે. તમને તેનું પાપ કોઈ રીતે નહીં લાગે. એમ છતાં ભગવાન શંકરના ભક્તો પ્રત્યે તમને બહુ જ આદર છે તો હું તમને એક ઉત્તમ ઉપાય બતાવું છું. પાપ કરવાથી જેને બહુ પશ્ચાત્તાપ થાય છે એને માટે ભગવાન શંકરની આરાધનાથી ચડિયાતું કોઈ સાધન નથી. એટલે હે મહાસેન ! તમારે અહીં શિવલિંગની સ્થાપના કરવી જોઈએ.”

સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે તે અનુસાર શ્રીહરિની વાત સાંભળી કુમાર કાર્તિકેયે સ્વયં વિશ્વકર્મા પાસે ત્રણ શિવલિંગનું નિર્માણ કરાવ્યું. અને મહિસાગરસંગમ તીર્થમાં ત્રણ ભિન્ન-ભિન્ન સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી. જેમાં પશ્ચિમ વિસ્તારમાં પ્રતિજ્ઞેશ્વર શિવલિંગની સ્થાપના કરી. દંતકથા એવી છે કે કાર્તિકેયસ્વામી દ્વારા સ્થાપીત અને પૂજીત તે પ્રતિજ્ઞેશ્વર શિવલિંગ એટલે જ આજના સ્તંભેશ્વર મહાદેવ. કે જે શાસ્ત્રોમાં કુમારેશ્વરલિંગ તરીકે પણ ખ્યાત છે.

સ્તંભેશ્વર મહાદેવનું સ્થાનક એ તો કામનાપૂર્તિનું ધામ મનાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. એમાં પણ શ્રાવણ માસ અને શિવરાત્રી જેવાં અવસરો પર તો અહીં જાણે મેળો જામી જાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati