Shravan 2022 : ક્યાંય જોવા નહીં મળે શિવજીનું આટલું દિવ્ય રૂપ ! સ્વયં પાંડવોએ કરી હતી ગંગેશ્વર મહાદેવની સ્થાપના
આ રીતે કોઈ એક જ સ્થાન પર પાંચ શિવલિંગના (shivling) દર્શન થતાં હોય અને દરિયાદેવ તેના પર સ્વયંભૂ અભિષેક કરતાં હોય તેવું તો ધરતી પરનું આ એકમાત્ર સ્થાનક મનાય છે !
દીવથી લગભગ ચાર કિલોમીટરના અંતરે ‘ફુદમ’ નામે એક નાનકડું ગામ આવેલું છે. આ ગામની સમીપે જ મહાદેવનું (mahadev) અત્યંત દુર્લભ સ્વરૂપ વિદ્યમાન થયું છે. અને મહેશ્વરનું આ દિવ્ય રૂપ એટલે ગંગેશ્વર મહાદેવ. (gangeshwar mahadev) નવાઈની વાત એ છે કે અહીં કોઈ શિખરબદ્ધ મંદિર નથી. પરંતુ, દરિયાના કિનારે પંચ શિવલિંગ (shivling) પ્રસ્થાપિત થયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે દરિયાદેવ સ્વયં જ અહીં શિવજી પર સતત જળાભિષેક કરતા જ રહે છે ! પ્રકૃતિના સાનિધ્યે સ્થિત મહાદેવના આ મનોહારી રૂપને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટતા જ રહે છે.
દુર્લભ શિવ સ્વરૂપ !
કહે છે કે સમસ્ત સૃષ્ટિમાં દેવાધિદેવનું આવું દિવ્ય રૂપ બીજે ક્યાંય પણ જોવા નથી મળતું. ગંગેશ્વર મહાદેવ એ ગંગનાથના નામે પણ પૂજાય છે. આ રીતે કોઈ એક જ સ્થાન પર પાંચ શિવલિંગના દર્શન થતાં હોય અને દરિયાદેવ તેના પર સ્વયંભૂ અભિષેક કરતાં હોય તેવું તો ધરતી પરનું આ એકમાત્ર સ્થાનક છે. અને એટલે જ તો ભક્તોને મન અહીં દર્શનનો સવિશેષ મહિમા છે. ભૈરવઘાટની સમીપે આવેલું આ સ્થાનક લગભગ પાંચ હજાર વર્ષથી પણ પ્રાચીન મનાય છે. વાસ્તવમાં તો અહીં સમસ્ત શિવ પરિવાર વિદ્યમાન થયો છે. ભક્તોને અહીં માતા પાર્વતી, ગજાનન ગણેશ અને કુમાર કાર્તિકેયના પણ દર્શન થાય છે.
પ્રાગટ્ય કથા
ગંગેશ્વર મહાદેવના પ્રાગટ્ય સાથે કુંતી પુત્ર પાંડવોની ગાથા જોડાયેલી છે. મહાભારતના વનપર્વમાં આ સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન ભ્રમણ કરતા પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવ્યા હતા. તેમને નિત્ય શિવપૂજન બાદ જ ભોજન ગ્રહણ કરવાનું પ્રણ હતું. એક દિવસ એવું બન્યું કે જંગલમાં ભ્રમણ કરતા સંધ્યા થઈ ગઈ. પરંતુ, તેમને ક્યાંય શિવલિંગના દર્શન ન થયા. આખરે, પાંચેય પાંડવોએ તેમના કદ અનુસાર નાના-મોટા શિવલિંગનું નિર્માણ કર્યું. અને પછી એક ગુફામાં તેનું સ્થાપન કર્યું.
લોકવાયકા એવી છે કે પાંડવોએ પૂરાં એક માસ પર્યંત આ જ ધરા પર નિવાસ કર્યો હતો. અને તેઓ નિત્ય જ અહીં મહેશ્વરની પૂજા કરતા. ગુફાના મુખ્ય દ્વાર પર જ શિવલિંગ એ રીતે ગોઠવાયા હતા કે દરિયો સ્વયંભૂ શિવજી પર અભિષેક કરતો જ રહે. કહેવાય છે કે પાંડવો બાદ સિદ્ધ ઋષિમુનિઓ દ્વારા આ સ્થાન પૂજાતું રહ્યું. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં સ્વહસ્તે શિવ પૂજનનો લાભ મેળવી રહ્યા છે. અલબત્, ભક્તો દ્વારા અર્પિત પૂજન સામગ્રીને પણ દરિયાદેવ તેમની સાથે વહાવીને પાણીમાં લઈ જાય છે. કારણ કે ગંગેશ્વરને તો જળથી વિશેષ બીજું કશું જ નથી ગમતું !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)