પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાળીયાદ ધામના ગાદીપતિ નિર્મળાબા અને દેવલઆઈ તેમજ ભયલુબાપુએ પરશોત્તમ રૂપાલાના ઘરે પધરામણી કરી અને પરશોત્તમ રૂપાલાને આશીર્વાદ આપ્યા હતા. કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન પાળિયાદધામના સંતોએ રૂપાલાના રાજકોટ ખાતેના ઘર પર પધરામણી કરી હતી. પાળીયાદ ધામના ભયલુબાપુ, નિર્મળાબા અને દેવલ આઈએ રૂપાલા સાથે બેઠક કરી હતી. આવતીકાલે રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય સમાજના સંમેલન પહેલા કાઠી માજના સંતોની રૂપાલા સાથેની આ મુલાકાત ઘણી સૂચક મનાઈ રહી છે.
હાલમાં એકતરફ લોરકસભાની ચૂંટણી નજીક છે પરંતુ પરંતુ, પરશોત્તમ રૂપાલા અંગે શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ આ મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે અને આ માટે આવતી કાલે રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનની તૈયારી કરી દેવામાં આવી છે.
બીજી તરફ સુરેન્દ્રનગરનો કાઠી સમાજ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યો છે અને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. ગત રોજ કાઠી સમાજ દ્વારા રૂપાલાને સમર્થનની જાહેરાત બાદ આજે કેટલાંક કાઠી આગેવાનો આગળ આવ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જો કે વિરોધના આ વંટોળ વચ્ચે રૂપાલા પ્રચાર પ્રસાર કરતા દેખાઈ રહ્યા છે. રાજકોટમાં રોડ શો, સભાઓ, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે રૂપાલા ખુલ્લી જીપમાં પ્રચાર માટે નીકળયા હતા. રાજકોટના વોર્ડ નંબર એકમાં તેમણે પ્રચાર કરીને મત આપવાની અપીલ કરી હતી.
Published On - 10:36 pm, Sat, 13 April 24