સૌરાષ્ટ્રમાં 8 પૈકી 4 બેઠકો પર કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતાર્યા મેદાને, કેટલુ ફળશે પાટીદાર કાર્ડ, કોંગ્રેસની નૈયાને લગાવશે પાર? -વાંચો
સૌરાષ્ટ્રની 8 બેઠકો પૈકી 4 બેઠકો પર આ વખતે કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. હાઈવોલ્ટેજ બનેલી રાજકોટ બેઠક પર પણ કોંગ્રેસે હાલ પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસનો આ પાટીદાર પ્રેમ કોંગ્રેસની ડૂબતી નૈયાને પાર લગાવશે. નિષ્પ્રાણ બનેલી કોંગ્રેસમાં શું નવા પ્રાણ ફુંકાશે.
સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 8 સીટો પૈકી ભાજપે તમામ સીટ પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.તો કોંગ્રેસે માત્ર રાજકોટ સીટને બાદ કરતા ઉમેદવાર જાહેર કર્યા છે અને આ સીટ પર પરેશ ધાનાણીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની વ્યૂહ રચના રસપ્રદ જોવા મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પૈકી 4 બેઠકો પર લેઉવા પાટીદારને મેદાને ઉતારીને કોંગ્રેસે પાટીદાર દાવ રમ્યો હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસનો પાટીદાર દાવ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો લેઉવા પાટીદાર પર જોવા મળ્યો પ્રેમ
8 બેઠકો પૈકી 4 બેઠકોમાં લેઉવા પાટીદાર ઉમેદવાર
કોઇપણ ચૂંટણી હોય તેમાં ઉમેદવારોની પસંદગીને લઇને કોંગ્રેસમાં કકળાટ ન થાય તો નવાઇ નહિ પરંતુ આ વખતે કોંગ્રેસમાં આ દ્રશ્યો જોવા મળ્યા નથી. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં પણ પરંપરાગત જાતિગત સમીકરણને વળગી ન રહેતા વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છની કુલ 8 બેઠકો પૈકી 3 બેઠકો અમરેલી, જામનગર અને પોરબંદર બેઠક પર લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ બેઠક પર પણ પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. એટલે કે 8 બેઠકો પૈકી 4 બેઠકો લેઉવા પાટીદાર સમાજને ફાળવીને કોંગ્રેસે સૌરાષ્ટ્રની બહુમતી ધરાવતી જ્ઞાતિને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ બેઠક પર પરશોત્તમ રુપાલા V/S પરેશ ધાનાણી, કડવા પાટીદાર V/S લેઉવા પાટીદાર
જામનગર બેઠક પર પૂનમ માડમ V/S જે.પી.મારવિયા, આહિર સમાજ V/S લેઉવા પાટીદાર
પોરબંદર બેઠક મનસુખ માંડવિયા V/S લલિત વસોયા, લેઉવા પાટીદાર V/S લેઉવા પાટીદાર
અમરેલી બેઠક ભરત સુતરીયા V/S જેની ઠુમ્મર, લેઉવા પાટીદાર V/S લેઉવા પાટીદાર
વચ્ચે જંગ જામશે. આમ તો છેલ્લા ચૂંટણીઓની વાત કરવામાં આવે તો પોરબંદર અને અમરેલી બેઠક પર લેઉવા પાટીદારને મેદાને ઉતારતી હતી પરંતુ આ વખતે 4 બેઠક પર લેઉવા પાટીદારને મેદાને ઉતારીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે. રાજકીય નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે રૂપાલા વિવાદ બાદ શુષ્ક હાલતમાં પડેલી કોંગ્રેસને જાણે સંજીવની મળી છે અને તેમાં પણ ઉમેદવારોની પસંદગીને લઇને કોંગ્રેસે ખેલેલા દાવે જરૂર ભાજપની ચિંતામાં વધારો કરે તો નવાઇ નહિ.
હવે જોઇએ જાતિ આધારીત સમીકરણ.સૌરાષ્ટ્રની આ ચારેય બેઠક પર પાટીદાર સમાજની બહુમતી રહેલી છે. જો આંકડાઓની વાત કરવામાં આવે તો
- જામનગર પાટીદાર- 2.46 લાખ
- પોરબંદર પાટીદાર- 2.47 લાખ
- અમરેલી- 4.50 લાખ
- રાજકોટ- પાટીદાર 5 લાખ
પોરબંદર અને અમરેલી બેઠક પર લેઉવા પાટીદારની સામે લેઉવા પાટીદાર ઉમેદવારો છે. જેથી આ સીટ પર પાટીદાર મતોમાં ભાગ પડવાની શક્યતા છે પરંતુ જામનગર અને રાજકોટ બેઠક પર સ્થિતિ કંઇક અલગ છે.સૌથી વધારે ચિંતા જામનગર બેઠક પર જોવા મળી છે કારણ કે જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના મત કોંગ્રેસને મળે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. આ જ રીતે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 5 લાખ પાટીદારો છે. તેમાં 3.50 લાખ મતદારો લેઉવા પાટીદાર છે જ્યારે 1.50 લાખ મતદારો કડવા પાટીદાર છે. જેથી આ સીટ પર લેઉવા પાટીદારને મેદાને ઉતારવાની કોંગ્રેંસની રણનિતી ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.
શા માટે લેઉવા પાટીદાર પર પસંદગી
પાટીદાર અનામત આંદોલનની સીધી જ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ લેઉવા પાટીદાર મતદારોને આકર્ષવામાં ઉણી ઉતરી હતી. જેના કારણે 2017માં કોંગ્રેસને ફાયદો મળ્યો હતો. જ્યારે 2022માં આમ આદમી પાર્ટીને ફાયદો મળ્યો હતો અને નોંધનીય મતો મળ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે સીટ સૌરાષ્ટ્રમાં મળી હતી. બોટાદ, ગારિયાધર, વિસાવદર અને જામજોધપુર પાટીદાર બહુમતી ઘરાવતી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા હતા. કેટલીક વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી તેમાં પણ પાટીદાર વોટની સંખ્યા નોંધનીય હતી. આ નારાજગીનો લાભ લોકસભામાં લઇ શકાય તે માટે કોંગ્રેસ વ્યૂહ રચના ઘડતું જોવા મળી રહ્યું છે.
અગાઉ લેઉવા પાટીદારનો હતો દબદબો
ગુજરાતના રાજકારણમાં લેઉવા પાટીદાર સમાજનો દબદબો જોવા મળ્યો હતો. અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના ચાર જેટલા સાંસદ સભ્યો હતા પરંતુ સમય જતા આ સંખ્યામાં ઘટાડો થઇને માત્ર બે રહ્યા છે. જામનગર બેઠક અને રાજકોટ બેઠક લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી બેઠક હોવા છતા ભાજપ અને કોંગ્રેસ આ સીટ લેઉવા પાટીદારના ઉમેદવારને આપતા ન હતા. ત્યારે આ વખતે કોંગ્રેસે પરંપરાગત જાતિ ગણિતને બાજુએ મૂકીને 4 સીટો પર લેઉવા પાટીદાર સમાજના ઉમેદવારને જાહેર કરવાની રણનિતી બનાવી છે. જોવાનું રહેશે આ રણનીતિ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે.
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના શાયરાના અંદાજથી વધુ આક્રોષિત થયા ક્ષત્રિયો, રજપૂત સમાજે કહ્યુ ‘શરમ કરો રૂપાલા’- જુઓ Video