Asian Games 2022 સ્થગિત થતા સાઇના નેહવાલ માટે સારા સમાચાર, ટ્રાયલમાં મળી શકે છે તક
Asian Games 2022 Postponed : ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ (Asian Games 2022) અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. કોરોનાના (COVID-19) વધતા જતા કેસને કારણે આયોજકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એશિયન ગેમ્સ (Asian Games 2022) સ્થગિત થવાથી લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના નેહવાલ (Saina Nehwal) માટે આશાનું એક નવું કિરણ જાગ્યું છે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) કદાચ હવે આવતા વર્ષે યોજાનારી આ મહાદ્વીપીય રમતો માટે ટીમની પસંદગી માટે બીજી પસંદગી કરવા માટેનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. એશિયન ગેમ્સ 2022 જે ચીનના હેંગઝોઉ શહેરમાં 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી. હવે ચીનમાં કોવિડ -19 કેસમાં તાજેતરમાં થયેલા વધારાને પગલે શુક્રવારે અનિશ્ચિત સમય માટે એશિયન ગેમ્સ 2022 મુલતવી રાખવામાં આવી છે. સ્પર્ધાની નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (Badminton Association of India) ના સેક્રેટરી સંજય મિશ્રાએ કહ્યું, “હજુ એક વર્ષ બાકી છે. તેથી અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ હશે. પરંતુ ફરી એકવાર તમામ ખેલાડીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે. એટલા માટે અમે ફરી એકવાર ટ્રાયલ માટે સમય શોધવાનો પ્રયત્ન કરીશું.”
સાઇના નેહવાલ ટ્રાયલમાં ઉતરી ન હતી
જોકે સાઇના નેહવાલે (Saina Nehwal) સતત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે આ ટ્રાયલ્સમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું હતું. જેથી તેણી પર વધારાની મેચોનો બોજ ન પડે. જો કે આના કારણે વિવાદ સર્જાયો હતો. 2 વખતની કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ પદક વિજેતા સાઈના નેહવાલને એશિયન ગેમ્સની (Asian Games 2022) ટીમમાં સ્થાન મેળવવાની તક મળશે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં સંજય મિશ્રાએ કહ્યું હતું કે, ‘એક વર્ષ લાંબો સમય છે અને જો કોઈ સારું પ્રદર્શન કરે છે. સાઈના હોય કે કોઈ ઉભરતા ખેલાડી તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ.”
જે રીતે ટ્રાયલ હાથ ધરાયા હતા તે બરોબર ન હતુંઃ પારૂપલ્લી કશ્યપ
હૈદરાબાદની 32 વર્ષીય સાઇના નેહવાલએ સિલેક્શન ટ્રાયલના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાંથી તેને બહાર કરવા માટે તેણે BAI પર પ્રહારો કર્યા હતા. સાઈના નેહવાલનો સંપર્ક થઈ શક્યો ન હતો. પરંતુ તેના પતિ અને સાથી ખેલાડી પારુપલ્લી કશ્યપે જણાવ્યું હતું કે, જે રીતે ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા, તે બરાબર ન હતું અને ખેલાડીઓને વધુ સમય આપવાની જરૂર હતી. વધુ સારું ફોર્મેટ તૈયાર કરવું જોઈએ.