ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ
ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે વિસ્થાપિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.
ભાવનગર મહાનગર પાલિકા અવનવા વિકાસકામો હાથ ધરે છે. ત્યારે, 70 કરોડના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ કરવા અને ધોબી ઘાટથી મોતી તળાવ સુધી બંને બાજુ રોડ અને કાંકરિયાની જેમ વિકાસ કરવા માટે કામગીરી હાથ ધરી છે. તેની માટે ગઢેચી નદીની બંને બાજુ 4 કિલોમીટરના વિસ્તારમાં 800 મકાન હટાવવાનું નક્કી કર્યું છે. જેને લઇ મનપાએ બોરતળાવ, RTO અને કુંભારવાડા નદી કાંઠા વિસ્તારના મકાનોને GPMC એક્ટ હેઠળ નોટિસ આપી છે. ત્યારે, વર્ષોથી રહેતા સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને માગ કરી છે કે, નદીના વહેણમાં આવતા મકાનો જ તોડવામાં આવે. તમામ 800 મકાનો તોડવામાં ના આવે અને ડિમોલેશન પ્રોજેક્ટની પહોળાઇ ઘટાડવામાં આવે. સાથે જ જેમના મકાન તૂટે છે. તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. મહત્વનું છે, હાલ તંત્રએ 7 દિવસમાં મકાનોના આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે.
સ્થાનિકોના આ વિરોધને સમર્થન આપતા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને, તમામ દબાણ હટાવવાને અયોગ્ય ગણાવી. લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માગ કરી છે. ઉપરાંત, ડિમોલેશનના પ્રોજેક્ટની પહોળાઇ નાની કરવા માગ કરી છે. મહત્વનું છે, તંત્રએ નોટિસ આપી છે અને દસ્તાવેજ રજૂ કરવા 7 દિવસનો સમય પણ આપ્યો છે. હવે જોવાનું રહ્યું કે, એક તરફ વિકાસકામ અને બીજી તરફ સ્થાનિકો પરેશાન. આ બંને મુદ્દે શું ઉકેલ આવે છે.