Arjun Tendulkar એ રણજી ડેબ્યૂમાં ફટકારી સદી, પિતાને પગલે ચાલ્યો પુત્ર
અર્જુન તેંડુલકરે (Arjun Tendulkar) રણજી ટ્રોફીમાં ડેબ્યૂમાં શાનદાર સદી ફટકારી છે. ગોવા તરફથી રમતા અર્જુન તેંડુલકરે રાજસ્થાન સામે આ શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે અર્જુને એક રેકોર્ડમાં પોતાના પિતા સચિન તેંડુલકરની પણ બરાબરી કરી લીધી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગોવા તરફથી ડેબ્યૂ કરતી વખતે અર્જુને શાનદાર સદી ફટકારી હતી, અર્જુને સાતમાં નંબરે બેટિંગ કરતાં 179 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રણજી ટ્રોફીમાં ગોવાની મેચ રાજસ્થાન સાથે રમાઈ રહી છે અને 23 વર્ષના અર્જુનની આ ડેબ્યૂ મેચ છે. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા અર્જુન તેંડુલકરે શાનદાર બેટિંગ કરીને વિરોધી ટીમને હેરાન કરી હતી. અર્જુન તેંડુલકરે 178 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 12 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. અર્જુને તેની ઈનિંગ્સમાં કુલ 26 સિંગલ્સ, 7 ડબલ રન લીધા હતા. 56 ની સ્ટ્રાઈક રેટથી તેને રન બનાવ્યા અને પોતાની ઈનિંગમાં 131 ડોટ બોલ પણ રમ્યા હતા. અર્જુને રાજસ્થાનના લગભગ દરેક બોલર સામે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી.
સચિને પણ રણજી ડેબ્યૂમાં ફટકારી હતી સદી
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે પણ પોતાની રણજી ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને તે સમયે આવું શાનદાર પ્રદર્શન કરનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો હતો. 1988માં મુંબઈ તરફથી રમતા સચિન તેંડુલકરે 15 વર્ષ 231 દિવસની ઉંમરે ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. સચિનની આ સદી ગુજરાત સામે ફટકારી હતી. જ્યારે અર્જુને સદી 23 વર્ષ 81 દિવસની ઉંમરે રાજસ્થાન સામે ફટકારી હતી.
આ વર્ષે ગોવા શિફ્ટ થયો હતો અર્જુન
23 વર્ષનો અર્જુન તેંડુલકર ઓલરાઉન્ડર તરીકે રમે છે, અત્યાર સુધી તે પોતાની ઝડપી બોલિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. પરંતુ આ વખતે તેને બેટથી પણ ધૂમ મચાવીને બધાને પોતાના ફેન બનાવી લીધા છે. અર્જુન તેંડુલકરે આ પહેલા પણ મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં સામેલ થયો હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી. આવી પરિસ્થિતિમાં આ સિઝન પહેલા અર્જુન તેંડુલકરે ગોવા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો અને તેને અહીં ડેબ્યૂ કરતાની સાથે જ સદી ફટકારી.
અર્જુન તેંડુલકર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ જોડાયેલો છે. પરંતુ તેને છેલ્લા બે વર્ષથી ડેબ્યૂ કરવાની તક મળી નથી. અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સે પહેલી સિઝનમાં રૂ. 20 લાખમાં અને પછીની સીઝનમાં રૂ. 30 લાખમાં સાઈન કર્યો હતો. હવે જ્યારે અર્જુન તેંડુલકરે રણજીમાં સદી ફટકારી છે, તો આશા છે કે હવે તે આઈપીએલમાં પણ ડેબ્યૂ કરશે.