Breaking News : અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી વહેતા થયા…
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જમાલપુર, જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત દીવડા પ્રગટાવવા અને રોશનીના કાર્યક્રમો પર વરસાદને કારણે ચિંતાના વાદળો છવાયા છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારની સમી સાંજે જમાલપુર, જગન્નાથ મંદિર વિસ્તાર, પકવાન ચાર રસ્તા, એસ.જી. હાઈવે રોડ, જોધપુર, બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. હવામાન વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો છે.
જોકે, આ અચાનક આવેલા વરસાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજકો અને કાર્યકર્તાઓની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં અટલ બ્રિજ, કાંકરિયા અને જગન્નાથ મંદિર સહિતના સ્થળોએ દીવડા પ્રગટાવીને રોશની કરવાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ જતાં આ કાર્યક્રમો કેવી રીતે યોજાશે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મહાઆરતી કરીને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવનાર છે. વરસાદી માહોલ વચ્ચે આ કાર્યક્રમોના આયોજનને લઈને નેતાઓમાં ગડમથલ જોવા મળી રહી છે.
અમદાવાદમાં ધર્મના નામે ₹21.79 લાખની છેતરપિંડી, જૈન ગુરુના ઓડિયો સંભળાવી ઠગાઈ કરનારો ઝડપાયો

