Vadodara: tv9ના અહેવાલની અસર, ખાસવાડી સ્મશાનનું 15.50 કરોડના ખર્ચે થશે રિનોવેશન, નવુ સ્મશાન કેવુ બનશે- જુઓ Photos
Vadodara: tv9 ગુજરાતી દ્વારા ખંડેર જેવા બનેલા ખાસવાડી સ્મશાનની સ્થિતિનો ચિત્તાર આપતો અહેવાલ જુલાઈમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર tv9નો અહેવાલ અસરદાર સાબિત થયો અને ખાસવાડી ખાતે સ્મશાનનું 15.50 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે.

ખાસવાડી ખાતે ખંડેર બનેલા સ્મશાનનું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના CSR ફંડમાંથી રિનોવેશન કરવામાં આવશે. આ વડોદરાનું પ્રથમ એવુ સ્મશાન હશે જે અંતિમ ધામ કરતા જોવાલાયક સ્થળ બને તે પ્રકારનું આયોજન કરાયુ છે.

આ સ્મશાનનો મરાઠી સમાજ સહિત મધ્ય વડોદરાના લોકો અંતિમ વિધિ માટે ઉપયોગ કરે છે, નવા બનનારા સ્મશાનમાં મરાઠી સમાજની અંતિમ વિધિ માટેની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે.

વડોદરાનું નવુ સ્મશાન 15 મહિનામાં તૈયાર થઈ જશે. આ સ્મશાન મોક્ષધામની સાથે ફરવાલાયક સ્થળ બને તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સવા બે લાખ ફુટ જગ્યામાં આ સ્મશાન નિર્માણ પામશે

નવા સ્મશાનમાં 60 હજાર ફુટની જગ્યામાં બાંધકામ કરવામાં આવશે. જેમા 12 લાકડાઓની ચિતા બનશે. જ્યારે 4 ગેસની ચિતા બનશે. ગેસ ચિતામાં બે મૃતદેહ એકસાથે જાય તે પ્રકારની વ્યવસ્થા રહેશે. કોન્ક્રીટની પાકી છત સાથેનું ચિતા સ્થળ બનશે.

નવા સ્મશાનમાં 30 ટકા જગ્યામાં બાળકોનું સ્મશાન રહેશે. સ્મશાનની અંદરના માર્ગોની દીવાલોનું નવીનીકરણ કરવામાં આવશે. મરાઠી સમાજ માટે 70x70 ફૂટની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મોક્ષધામમાં બગીચા અને ફુવારા, રંગબેરંગી લાઈટીંગ સાથેની વ્યવસ્થા ઉભી કરાશે. લોકો સામાન્ય દિવસોમાં પણ અહીં બાળકોને લઈને આવી શકે, બેસી શકે તે પ્રકારની ફરવાના સ્થળ જેવી પણ સુવિધા અહીં રહેશે.

નવા સ્મશાનમાં વરસાદી સીઝનમાં લાકડા પાણીમાં પલળે નહીં તે પ્રકારની વ્યવસ્થા રહેશે. બે ઓફિસ, બે ટોયલેટ, અસ્થિ મુકવા માટેની ખાસ વ્યવસ્થા, આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ પ્લાન્ટ નાખવામાં આવશે. જેથી ધુમાડો બહાર નીકળે ત્યારે દુર્ગંધ ન ફેલાય તેવી વ્યવસ્થા રહેશે.