શું સૌરાષ્ટ્રમાં પાટીદાર સંસ્થાઓમાં વર્ચસ્વની લડાઇ શરૂ થઇ છે? સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ? જયંતિ સરધારા પર હુમલાનું કારણ શું?
રાજકોટમાં સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર થયેલા હુમલા મામલે હવે પાટીદારોની બે અગ્રણી સંસ્થાઓનું રાજકારણ ગરમાયુ છે. તો બીજી તરફ આ હુમલા મામલે જુનાગઢના PI સંજય પાદરિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ઘટનાની વધુ તપાસ માટે પોલીસ FSLની પણ મદદ લઈ રહી છે અને બનાવ સમયે PI પાદરિયા પાસે હથિયાર હતુ કે કે કેમ તે બાબતે પણ CCTV ફુટેજની ચકાસણી અને તબીબી રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે.
રાજકોટમાં ગઇકાલે સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર પીઆઇ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જયંતિ સરધારાએ તેના પર થયેલા હુમલા પાછળ ચેકી એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા અને ખોડલધામ સાથે જોડાયેલા પીઆઇ સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. જયંતિ સરઘારાએ હુમલા પાછળ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે બીજી તરફ આ કિસ્સામાં પીઆઇ સંજય પાદરિયાએ હુમલા પાછળ જયંતિ સરધારાએ કરેલા ઉચ્ચારણોને જવાબદાર ગણાવ્યા છે.
જો કે આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય પાદરિયા સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાઇ છે જેના આધારે તપાસ શરૂ થઇ છે. જયંતિ સરધારાએ હુમલાના બનાવમાં ખોડલધામના સંચાલકો સરદારધામની ઇર્ષા કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. જયંતિ સરધારાના નિવેદનથી બે સંસ્થાઓ વચ્ચે સમાજભેદ સામે આવ્યો છે.
રાજકોટ: જયંતિ સરધારા પર હુમલાનો કેસ, સહકારી આગેવાન પરષોત્તમ પીપળિયાનું નિવેદન, સામાન્ય મારામારીને સમાજના નામે લઇ જવી અયોગ્ય | TV9Gujarati#rajkot #sardardham #khodaldham #jayantisardhara #purshotampipliya #attackonsardardhamvicepresident #gujarat #tv9gujarati pic.twitter.com/o7Llz8vsVG
— Tv9 Gujarati (@tv9gujarati) November 26, 2024
જયંતિ સરઘારાએ ખોડલધામ પર કરી ટિપ્પણી અને થઇ બબાલ
સોમવારે રાત્રીના સમયે મવડી કણકોટ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં જયંતિ સરધારા અને સંજય પાદરિયા ભેગા થયા હતા. ભોજન સમારોહ ચાલી રહ્યો હતો, એ દરમિયાન જયંતિ સરધારાએ ખોડલધામ પર ટિપ્પણી કરી હતી. જયંતિ સરધારાએ કહ્યું હતું કે ખોડલધામ હવે બોદુ થઇ ગયું છે અને તેના આગેવાનોનું કંઇ ઉપજતું નથી જેના કારણે સંજય પાદરિયા ઉશ્કેરાઈ ગયા હતા અને બંન્ને વચ્ચે બબાલ થઇ હતી. પાર્ટી પ્લોટમાં થયેલી બબાલ બહાર જઇને વધુ ઉગ્ર બની અને બંન્ને વચ્ચે છુટા હાથની મારામારી થઇ. આ કેસમાં જયંતિ સરધારાએ પોતાને પીઆઇ પાદરિયાએ બંદૂક દેખાડી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જો કે પાદરિયાએ તેની સર્વિસ રિવોલ્વોર જમા હોવાનો દાવો કર્યો હતો. જેથી હવે આ પોલીસ તપાસનો વિષય છે.
બંન્ને વચ્ચેની બબાલને સામાજિક રંગ લાગ્યો છે. સવાલ એ વાતનો છે કે શું આ બબાલ ક્ષણિક આવેશ કે માત્ર એક ટિપ્પણી પુરતી જ સિમીત છે ?
સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ખોડલધામનો દબદબો રહ્યો છે. લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ છે પરંતુ હવે સરદારધામનું અસ્તિત્વ આવતા આ સંસ્થાને સીધી કે આડકતરી રીતે ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરદારધામમાં લેઉવા અને કડવા પાટીદાર બંન્નેના લોકો જોડાયેલા છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક પ્રવૃતિ છે અને તેના જ ભાગરૂપે રાજકોટમાં પણ એક શૈક્ષણિક સંકૂલ તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ખોડલધામનું પણ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દે બે સંસ્થાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટના બાદ આ વિવાદ ખુલ્લો પડી ગયો છે.
ખોડલધામ હોય કે સરદારધામ હોય દરેકમાં ટ્રસ્ટી બનવા માટે મોટું ફંડ આપવુ પડતું હોય છે. એક ચર્ચા પ્રમાણે 25 થી 50 લાખ રૂપિયા જેટલું ફંડ આપવું પડે છે. સરદારધામ બન્યા પછી લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓમાં બે ભાગ પડી ગયા છે. જેના કારણે દાનની રકમમાં પણ ભાગ પડ્યો છે, આ વાતનો ઘુંઘવાટ વધારે જોવા મળ્યો હતો.
પાટીદાર અગ્રણીઓના સબ સલામતનો રાગ, સરદારધામે કહ્યું વર્ચસ્વ માટે દાદાગીરી
આ ઘટના બન્યા બાદ સૌ પ્રથમ પ્રતિક્રિયા ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાની આવી જેમાં તેઓએ આ મારામારીને વ્યક્તિગત બાબત ગણાવીને હાથ ખંખેરી લીધા હતા. નરેશ પટેલને ઘટના સાથે કોઇ લેવાદેવા ન હોવાનું કહીને તેઓ વિદેશ છે અને પરત આવ્યા બાદ તેઓ આગેવાનો સાથે બેઠક કરશે તેવું કહ્યું. જો કે, સરદારધામ સાથે જોડાયેલા શર્મિલા બાંભણિયાએ કહ્યું હતું કે આ પીઆઇ પાદરિયાની દાદાગીરી છે અને પીઆઇ પાદરિયા નરેશ પટેલની મરજી વિરુદ્ધ કંઇ ન કરે. દરેક સંસ્થા તેની રીતે કામ કરતી હોય છે ત્યારે એક વ્યક્તિનું વર્ચસ્વ રહેવું જોઇએ તેવું ન હોય. આ ઉલ્લેખ કરીને સરદારધામના ટ્રસ્ટી શર્મિલાબેને નરેશ પટેલ પર નિશાન સાધ્યું હતું. તો પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયાએ આ કોઇ બે સંસ્થાની નહિ પરંતુ વ્યક્તિગત લડાઇ હોવાનું કહ્યું અને જયંતિ સરધારા પોતાની રાજકીય રીતે હાઇલાઇટ થવા માટે હવાતિયા મારતા હોવાનો દાવો કર્યો હતો.