રામ મંદિર મહોત્સવને લઈ સાબરકાંઠામાં મંદિર સફાઈના કાર્યક્રમ, ક્લેકટર, MLA સહિત આગેવાનો જોડાયા
સાબરકાંઠા જિલ્લામાં રામ મંદિર મહોત્સવને લઈ ઉજવણી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના નાના મોટા તમામ શહેર અને ગામડાઓમાં રોશની મંદિરો અને મકાનો પર કરવામાં આવી છે. શહેર અને ગામના મંદિરોને પણ આ દરમિયાન સ્થાનિકો અને અગ્રણીઓ દ્વારા સાફ કરવામાં આવ્યા છે. આ માટે સફાઈ શ્રમ દાન કરવામાં આવી રહ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં રામ મય માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં શહેરો અને ગામડાઓમાં રામ મંદિરને લઈ ધાર્મિક ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

જિલ્લાના તમામ શહેરોમાં અને ગામડાઓમાં મંદિરોમાં સફાઈ કરવામાં આવી રહી છે. હિંમતનગર શહેરના પ્રવેશ દ્વારા મોતીપુરા સર્કલ ખાતે આવેલ હનુમાનજી મંદિરની સફાઈ જિલ્લા ક્લેકટર અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ કરી હતી.

મોતીપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ સફાઈ શ્રમ દાન કર્યુ હતુ. મંદિરના પ્રાંગણ વિસ્તારમાંથી સફાઈ કરીને કચરો દૂર કરવામાં આવ્યો હતો.

ક્લેકટર નૈમેષ દવે, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગર પાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા.

હિંમતનગર શહેરના પ્રવેશ દ્વારે ભગવાન શ્રી રામનું વિશાળ કદની તસ્વીર મુકવવામાં આવી છે. મોતીપુર સર્કલ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક આ તસ્વીરને મુકવામાં આવી છે.

હિંમતનગર શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રામ રથના આયોજન ઉપરાંત શહેરમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. સોસાયટીઓ અને ઘરે ઘરે પણ રોશની અને સુંદર શણગાર સજાવેલો જોવા મળી રહ્યો છે.
