Rajkot : ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો ધસારો, જુઓ તસવીરો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ઓસમ પર્વત આવેલો છે. પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં તળેટીથી લઈ પર્વત આસપાસ હરિયાળી જોવા મળી છે.


રાજકોટ જિલ્લામાં આવેલા ઓસમ પર્વત પર લોકો સરળતાથી જઈ શકે છે. આ પર્વત પર કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી છે. જેથી આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી.

રાજ્ય સરકારે અહીં બ્યુટીફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે. જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે. પર્યટકો માટે સેલ્ફી પોઇન્ટ, સીટીંગ એરેન્જમેન્ટ વગેરેની સુવિધાઓ પણ ઊભી કરી છે. જેથી અહીંના પ્રવાસનને વેગ મળ્યો છે.

આ હિલ સ્ટેશન કુદરતના સાનિધ્યમાં અસંખ્ય સાહસિકો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાતી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રતિવર્ષ ભાગ લઈ સાહસમાં વધારો કરતા હોય છે. પર્વતના 585 પગથિયાં છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવન્ચર સ્પોર્ટસ તરીકે પણ આ સ્થળનો વિકાસ કર્યો છે.

ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, ભીમકુંડ, હીડંબાનો હિચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.

અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળો પણ યોજાય છે. જેમાં લાખો લોકો મેળાની મજા માણવા આવતા હોય છે. અંદાજે 200 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીદિવસીય લોકમેળો ભરાય છે. ગત વર્ષે પણ તા 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા






































































