આર પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવ્યો, જાણો કોણ છે આ ગ્રાન્ડમાસ્ટર
વર્ષ 2024ના અંતમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને મોટો ઝટકો લાગ્યો છે. ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025માં તેને ભારતના જ ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે હરાવ્યો હતો. વિશ્વ ચેમ્પિયનને હરાવ્યા બાદ આર પ્રજ્ઞાનંદની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ કે વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવનાર આર પ્રજ્ઞાનંદ કોણ છે?

ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025માં આર પ્રજ્ઞાનંદ અને ડી ગુકેશ વચ્ચેની મેચ 2 ફેબ્રુઆરીના રોજ વિજક આન ઝી (નેધરલેન્ડ) ખાતે રમાઈ હતી. 19 વર્ષીય પ્રજ્ઞાનંદે 18 વર્ષીય ગુકેશને ટાઈબ્રેકરમાં હરાવ્યો હતો.

પ્રજ્ઞાનંદનો જન્મ 10 ઓગસ્ટ 2005ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ બાબુ અને માતાનું નામ નાગલક્ષ્મી છે.

પ્રજ્ઞાનંદને ચેસ રમવા માટે પ્રેરણા તેની મોટી બહેન આર વૈશાલી પાસેથી મળી હતી. પ્રજ્ઞાનંદની બહેન વૈશાલી પણ ગ્રાન્ડમાસ્ટર છે. પ્રજ્ઞાનંદની આ સફળ સફરમાં તેની બહેન ઉપરાંત તેના માતાપિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે. પ્રજ્ઞાનંદની માતા તેની મેચ દરમિયાન તેની સાથે રહે છે. જો આ શક્ય ન હોય તો તે ઘરે ટીવી પર તેના દીકરાની મેચ જુએ છે.

19 વર્ષીય પ્રજ્ઞાનંદે 16 વર્ષની ઉંમરે નોર્વેના મેગ્નસ કાર્લસનને પણ હરાવ્યો છે. 2022માં તેણે ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા રાઉન્ડમાં તત્કાલીન વિશ્વ ચેમ્પિયન કાર્લસનને હરાવ્યો હતો. ત્યારબાદ તેણે સ્ટેવેન્જર 2024 ખાતે નોર્વે ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડ દરમિયાન ક્લાસિકલ રમતમાં કાર્લસનને હરાવ્યો હતો.

પ્રજ્ઞાનંદે 2013માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ અંડર-8 નો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2015માં આ ભારતીય ગ્રાન્ડમાસ્ટે અંડર-10નો ખિતાબ પણ જીત્યો હતો. 2023માં તેણે ચેસ વર્લ્ડ કપ ફાઈનલમાં પણ જગ્યા બનાવી. તે દિગ્ગજ વિશ્વનાથન આનંદ પછી ચેસ વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશનાર બીજો ભારતીય બન્યો હતો. (All Photo Credit : PTI)
ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, બોક્સિંગ, ઓલિમ્પિક્સ, ચેસ સાથે જોડાયેલો તમામ સમાચારો જાણવા કરો ક્લિક






































































