Breaking News : સુરતના સચિન વિસ્તારમાં વેસ્ટેજના કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, જુઓ Video
સુરતના સચિન વિસ્તારમાં આવેલા વેસ્ટેજના કપડાના એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 8 થી 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઉન પાટિયા નજીક એક વેસ્ટેજના કપડાના ગોડાઉનમાં બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં મોટી માત્રામાં રાખવામાં આવેલો વેસ્ટેજના કપડાનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર વિભાગની 8 થી 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારે બાજુથી આગ પર પાણીનો મારો ચલાવીને તેને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયરકર્મીઓના અથાગ પ્રયાસો બાદ આગ પર આંશિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, ગોડાઉનમાં રહેલા કપડાનો વિશાળ જથ્થો અને તેમાં રહેલા સંભવિત કેમિકલ યુક્ત તત્વોને કારણે આગ બુઝાવવાની કામગીરી પડકારજનક બની રહી હતી. ઘટના સમયે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
આગ લાગવાના કારણ અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ વેસ્ટેજ કપડા કેમિકલ યુક્ત હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હોવાનું અનુમાન છે. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગ કલાકો સુધી સળગતી રહી હોવાથી વાતાવરણમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો, જેનાથી પ્રદૂષણ વધવાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.
આ ઘટના અંગે સ્થાનિકો અને નિષ્ણાતો દ્વારા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને ફાયર વિભાગની બેદરકારી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ પણ સચિન વિસ્તારમાં આવા વેસ્ટેજ ગોડાઉનોમાં આગ લાગવાની બે થી ત્રણ ઘટનાઓ બની ચૂકી છે. દિવાળીના સમયથી જ સુરત શહેરમાં 100 થી વધુ નાના-મોટા આગ લાગવાના કોલ મળ્યા છે, જે દર્શાવે છે કે આવી ઘટનાઓ યથાવત રહી છે. મુખ્ય માર્ગો પર આવેલા આ પ્રકારના વેસ્ટેજ ગોડાઉનો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ સર્જી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા અને તેના કારણો તથા નુકસાન અંગેની તપાસ હજુ પણ ચાલુ છે.
રિટાયરમેન્ટની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર શિશિર શર્માનો પરિવાર જુઓ