મુખડા દેખ લો, દર્પણ મેં!
હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Narendra Modi) 40 વર્ષ પેહલાનું પુસ્તક નજરે પડ્યું ત્યારે તે નહોતા વડાપ્રધાન, નહોતા મુખ્યમંત્રી. માત્ર આર. એસ. એસ.ના પ્રચારક હતા. 'સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકના એક પ્રકરણમાં તેમણે ગુજરાતમાં જેલોમાં ધકેલાયેલા મીસવાસીઓનું આ શબ્દોમાં વર્ણન કર્યું છે.
આજકાલ અભિવ્યક્તિની સ્વતંત્રતાની બૂમવાહા એક વર્ગ કરી રહ્યો છે ને વળી પાછો ‘મોદી તેરી કબર ખુદેગી!’ એવા નારા પણ લગાવે છે!
આ સંજોગોમાં જો ભૂતકાળનો આયનો બતાવવામાં આવે તો?
હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 40 વર્ષ પેહલાનું પુસ્તક નજરે પડ્યું ત્યારે તે નહોતા વડાપ્રધાન, નહોતા મુખ્યમંત્રી. માત્ર આર. એસ. એસ.ના પ્રચારક હતા. ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકના એક પ્રકરણમાં તેમણે ગુજરાતમાં જેલોમાં ધકેલાયેલા મીસાવાસીઓનું આ શબ્દોમાં વર્ણન કર્યું છે:
એક ડોક્ટર મિત્ર કેટલાક સમયથી બીમાર હતા. અર્ધી રાતે ‘ડોક્ટર છે કે?’ ની બૂમ સાંભળી કોઈક દર્દી આવ્યું હશે એમ માની તેઓ પોતાનું કર્તવ્ય સમજી પોતે બીમાર હોવા છતાં પણ નીચે ઉતર્યા. બસ, તે નીચે ગયા તે ગયા જ… ત્યાંથી જ તેમને સીધા પોલીસથાણે લઈ જવામાં આવ્યા! આવું જ એક વેપારી મિત્રના વિશે પણ બન્યું. પોતાની દુકાન સાવરમાં ઉઘડ્યા પછી તેમને સંદેશો મળ્યો કે ‘થાણા ઉપર થોડુંક કામ છે માટે તમને બોલાવ્યા છે.’ તે ભાઈ પેઢીના પાટિયા આડાં કરીને થાણે ગયા. બસ, તે ગયા, એક વર્ષ સુધી પાછા જ ન આવ્યા!
ડાંગ જિલ્લાના એક કાર્યકર મિત્ર બહારગામથી પોતાના ગામ જતા હતા અને રસ્તામાં જ તેમની ધરપકડ થઈ. ઘરનાં લોકો તો રાહ જુએ કે દીકરો બહારગામ રોકાઈ ગયો હશે .
આ અને આવી કેટલીય ઘટનાઓ બનવા પામી હતી. જેલમાં લઈ જતા પેહલાં બધાને સ્થાનિક થાણા ઉપર જ લઈ જવાતા હતા. થાણા ઉપર આઠથી દસ કલાક રહેવું પડતું હતું. ત્યાં કોઈ જ વ્યવસ્થા નહીં. અરે, વડોદરામાં તો પકડાયેલ સૌને ભયાનક ડાકુઓ સાથેના વર્તનની જેમ કડક સૂચનાઓ સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના હવાલે કરવામાં આવ્યા, તેથી પેશાબપાણી માટે પણ જવા ન દે. અમદાવાદમાં પણ 13મી માર્ચની ધરપકડો પછી ગાયકવાડની હવેલી સી.આર.પી. ઘેરી વળી હતી.
14મી માર્ચની સાંજથી જ જુદી જુદી જેલોમાં જાણે મેળો ભરાવા લાગ્યો. બધા જ જૂના કાર્યકરો હોઈ અવનવાં સંસ્મરણો યાદ કરી પરિચય તાજો કરતાં, ક્યારેક તો ‘ભારત માતાકી જય’નો નાદ કરી જેલની દીવાલોને ગુંજતી કરી દેવતી… જાણે પરવાનાઓનો જ મેળો જોઈએ લો! જેમને અગાઉ જેલમાં આવવાનું થયું હતું તેઓ સૌ જૂનાં સંસ્મરણો તાજાં કરવા મથતા હતા… વળી,જેલ એટલે જેલ! તેમાં વળી વ્યવસ્થા કેવી? એક એક બેરેકમાં 26 થી 30 વ્યક્તિઓને પૂરવામાં આવેલી… એથી વધુ પણ ખરા તો મચ્છરને માંકડનો તો કોઈ પાર જ નહીં. એમાંય ઉનાળાના દિવસો… ગરમી કહે મારું કામ! આ પણ ઓછું હોય તેમ સાંજે બેરેક 20’x 30’ ના ઓરડામાં 26 થી 30 વ્યક્તિઓ લગભગ એકબીજાને અડીને જ પથારી કરીને પડી રહેતી… અને સૂવા માટેની પથારી પણ કેવી! કેદીને મળે છે તેવી જ ચટાઈ, એક ધાબળો, એક નાળિયેરનાં છોતરાં ભરેલું ઓશીકું અને એક ચાદર! માંકડ-મચ્છર ઊંઘવા તો દે જ શેના! શરૂઆતમાં તો આમ જ રાત પસાર થતી.
વાંચવાની પણ મુશ્કેલી. આખી રૂમમાં એક જ વીજળીનો ગોળો… તે પણ ઘણો ઊંચો. નહિવત્ પ્રકાશમાં જ વાંચવાનું તો અશક્ય જ બની જતું. જમવા માટેની પણ એવી જ સ્થિતિ. સામન્ય કેદીને એલ્યુમિનિયમનાં જે થાળી અમે ટબલર આપતાં તે જ રાજકીય કેદીઓને પણ આપતાં હતાં. ભોજનમાં પણ સામન્ય કેદીની જેમ સૂકી તથા રેતી-કચરાથી યુક્ત રોટલી અને મરચું. મસાલા વગરનું થોડુંક બાફેલું શાક ને મોટે ભાગે શાકને બદલે દાળ અને સવારમાં કાંજી અને મુઠ્ઠી ચણા. કોઈ કેદી ઓછો ન થાત તેની કાળજી માટે જેલમાં નિયમિત રીતે ‘ગિનતી’ – ગણતરી – થાય. જેલના જમદારો પણ અભણ. આટલી મોટી સંખ્યામાં ગણતાં તો દશ વાર તે ભૂલ કરે. બેરેક બંધ થતાં અને સવારે ખૂલતાં જ આ ગણતરી કરનાર જમાદાર આવી જાય!
પકડાયેલ સૌ રાજકીય કાર્યકરોને તેમના સ્થાનથી દૂર રાખવાની દ્રષ્ટિથી અમદાવાદમાંથી પકડાયેલ સૌને વડોદરા, ભાવનગર ,રાજકોટ અને ભુજની જેલોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. રાજકોટના સૌને સાબરમતીમાં અને મહેસાણા જિલ્લાના થોડાક પાલનપુર અને બાકીના મેહસાણા જેલમાં… સુરતના બધા સાબરમતીમાં અને પંચમહાલ,ભરૂચ તથા વલસાડ જિલ્લાના કેદીઓને વડોદરા જેલમાં રાખવામાં આવ્યા હતા.
શરૂઆતથી જ જેલોમાં એક વ્યવસાય ગોઠવાઈ જાય તો જેલજીવનના સમયનો વધુમાં વધુ સદુપયોગ થાત એવું પ્રયત્નપૂર્વક થયું. સાબરમતી જેલમાં રાજકોટના શ્રી પ્રવીણભાઈ મણિયાર, વડોદરા જેલમાં રાજકોટના શ્રી ચીમનભાઈ શુક્લ, ભાવનગર જેલમાં શરૂઆતથી શ્રી વિષ્ણુભાઈ પંડયા અને પાછળથી ભૂગર્ભવાસી શ્રી શંકરસિંહ વાઘેલાની ધરપકડ થતાં તેઓ… ભુજ જેલમાં, શ્રી સૂર્યકાંત આચાર્ય … રાજકોટ જેલમાં તો ડો. આર. કે. શાહ શરૂઆતમાં એકલા જ હતા, પાછળથી સંખ્યા વધતાં શ્રી મંગળસેન ચોપરા, મેહસાણા સબજેલમાં શ્રી બાલકિશ્ન શુક્લ, પાલનપુર જેલમાં ડીસાના શ્રી હરિભાઈ પ્રજાપતિ વગેરે ઈન્ચાર્જ તરીકે નક્કી થયા. કાર્યક્રમોનું આયોજન, જેલ ઓથોરિટી સાથે વાતચીત, જેલ બહારના ભૂગર્ભકાર્યકરો સાથે સંબંધો જાળવી રાખવાની યોજના, જેલમાંથી બધા જ સમાચારો બહાર જાય અને બહારના સમાચારો અંદર આવે તે માટે આ સૌ પ્રમુખ વ્યક્તિઓની જવાબદારી રહેતી. જેલમાં રાજકીય કેદીઓ અનેક કાર્યક્રમો દ્વારા વ્યસ્ત રેહવા ઉપરાંત જેલ ઓથોરિટી સાથે સંઘર્ષ એ પણ શરૂઆતમાં નિત્યક્રમ બની ગયો હતો. અનેક નાનીમોટી કાયદેસરની માગણીઓ માટે સંઘર્ષ કરવો પડતો.
જેલમાં સંઘના સ્વયંસેવકોની સંખ્યા ઘણી વધારે હતી… આથી બધા જ કાર્યક્રમોમાં તેમનો ફાળો પણ સવિશેષ હતો. અંદર રહ્યે રહ્યે પણ સંઘર્ષની ચેતનવંત ભૂમિકા જાળવી રાખવી એ પણ અગત્યની વાત હતી. એક રીતે આ જે.ટી.સી. (જેલ ટ્રેનિંગ કેમ્પ) હતો.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)