શું યમનમાં મૃત્યુદંડની સજા પામેલી ભારતની નિમિષા પ્રિયાની ફાંસી ટળશે? એકમાત્ર બ્લડ મનીનો બચ્યો છે વિકલ્પ, ઈરાને કર્યુ મોટુ એલાન
કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાના આરોપસરકોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. નિમિષા પ્રિયા યમનની રાજધાની સનાની જેલમાં બંધ છે અને તેના પરિવારજનો તેને બચાવવાના હરસંભવ તમામ પ્રયાસ કરી રહ્યા છે.
સના: કેરળ સ્થિત નર્સ નિમિષા પ્રિયા યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહી છે. યમનના નાગરિકની હત્યાના કેસમાં જેલમાં રહેલી પ્રિયાને ફાંસી આપવાની યમનના રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ તેના બચવાના વિકલ્પો અત્યંત સિમિત બની ગયા છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિમિષાની મદદ કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરશે. આમાં બ્લડ મનીનો વિકલ્પ સામેલ છે. (મૃતકના પરિવારને અમુક રકમ આપીને માફી માગવી). આ તરફ ઈરાન દ્વારા પણ નિમિષાની મદદ માટે તૈયારી બતાવાઈ છે. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે નિમિષા માટે અમારાથી જે કંઈ થઈ શકે તે અમે કરીશું.
એક દાયકાથી વધુ સમયથી યમનમાં રહેતી નિમીષા પ્રિયા પર યમની નાગરિક તલાલ મહદીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી છે, જેની સાથે નિમિષાને કથિત રીતે ક્લિનિકમાં ભાગીદારીને લઈને વિવાદ હતો. નિમિષાની 2017માં ધરપકડ કરવામાં આવી હતી અને 2018માં તેને હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતો. નિમિષાને 2020માં ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. 2023માં યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ દ્વારા સજાને યથાવત રાખવામાં આવી હતી અને યમનના રાષ્ટ્રપતિએ પણ ડિસેમ્બર 2024માં ફાંસીની મંજૂરી આપી હતી.
હવે બ્લડ મની એકમાત્ર વિકલ્પ
નિમિષા પ્રિયાને ફાંસીથી બચાવવા માટે બ્લડ મની એ અંતિમ વિકલ્પ બચ્યો છે. યમનના કાયદામાં બ્લડ મનીની જોગવાઈ છે. આ સાથે નિમિષાની ફાંસીની સજા મોકૂફ રાખવામાં આવી શકે છે. બ્લડ મની એક પ્રકારનું વળતર (નિશ્ચિત રકમ) છે. તે આરોપીના પરિવાર દ્વારા પીડિતના પરિવારને આપવામાં આવે છે. જો પીડિત પરિવાર બ્લડ મની માટે સંમત થાય છે, તો ગુનેગારને મૃત્યુદંડમાંથી બચાવી લેવામાં આવે છે. યમનની કોર્ટે નિમિષાના કેસમાં બ્લડ મનીનો વિકલ્પ ખુલ્લો છોડી દીધો છે. આવી સ્થિતિમાં જો મકતુલ મહદીનો પરિવાર બ્લડ મની સ્વીકારવા સંમત થાય તો નિમિષાનો જીવ બચી જશે. જો કે તેમા મહદીના પરિવારનું સ્ટેન્ડ સૌથી મહત્વનું છે.
પ્રિયાના પતિ ટોમી થોમસે કહ્યું છે કે તે તેની પત્નીનો જીવ બચાવવા માટે દિયા (બ્લડ મની) આપવા તૈયાર છે. તેણે કહ્યું કે છેલ્લા સાત વર્ષથી અમે નિમિષાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે હજુ પણ આશા રાખીએ છીએ કે તલાલ મહદીના પરિવાર સાથે વાત કરીને કોઈ સમાધાન પર આવી શકાશે. નિમિષા પ્રિયાની 13 વર્ષની પુત્રીએ પણ આશા વ્યક્ત કરી છે કે તેની માતાને માફ કરવામાં આવે અને તે ભારત પરત ફરે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે નિમિષા પ્રિયાની સજા ઘટાડવાના રાજદ્વારી પ્રયાસો અથવા બ્લડ મની પર મહદીના પરિવાર સાથે વાતચીત કરવાની વાત કરી છે.
શું હોય છે બ્લડ મની?
બ્લડ મની એ યમનના કાયદા હેઠળ મૃત્યુદંડનો કાનૂની અને સાંસ્કૃતિક વિકલ્પ છે. ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જ્યાં બે પરિવારો વચ્ચે સમાધાન અથવા નાણાકીય વળતર શક્ય હોય. આ માટે આપવામાં આવેલી રકમ પીડિતની સામાજિક સ્થિતિ અને ગુનાની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. આ રકમ સામાન્ય રીતે બે પક્ષો વચ્ચેની વાટાઘાટો દ્વારા નક્કી કરવામાં આવે છે. નિમિષાના કેસમાં પણ અત્યારે બ્લડ મનીનો વિકલ્પ સૌથી મહત્ત્વનો છે.