રાજ્યસભામાં આજથી બે દિવસ બંધારણ પર ચર્ચા, સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન
આજે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બંધારણ પરની ચર્ચાની શરૂઆત કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ વતી ચર્ચાનો પ્રારંભ કરશે. રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આપશે.
રાજ્યસભામાં આજે સવારે 11 વાગ્યાથી બંધારણના 75 વર્ષ પર ચર્ચાની શરૂઆત થશે. બે દિવસ સુધી ચાલનારી બંધારણ પરની ચર્ચાની શરૂઆત ભાજપ તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે. અગાઉ બંધારણ પરની ચર્ચાની શરૂઆત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા દ્વારા કરવામાં આવનાર હતી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે હોવાથી રાજ્યસભામાં સંબોધન કરવાનો ક્રમ બદલવો પડ્યો હતો.
હવે ભાજપ અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, મંગળવારે ચર્ચામાં હસ્તક્ષેપ કરશે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજ્યસભામાં બંધારણ પર કરાયેલ ચર્ચાનો જવાબ આપશે. ભાજપ વતી રાજ્યસભામાં બંધારણ પર સંબોધન કરનારા નેતાઓમાં હરદીપ પુરી, સુધાંશુ ત્રિવેદી, સુરેન્દ્ર નાગર, ઘનશ્યામ તિવારી અને બ્રિજલાલના નામ પણ સામેલ છે.
ભાજપે તેના રાજ્યસભાના સાંસદોને, બંધારણ પરની ચર્ચાના બંને દિવસે ગૃહમાં હાજર રહેવા વ્હીપ ઈસ્યું કર્યો છે. જ્યારે, કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક અને અભિષેક મનુ સિંઘવી બંધારણ પરની ચર્ચામાં ભાગ લઈને સરકારને ઘેરશે. માનવામાં આવી રહ્યું છે કે આજે અને આવતીકાલે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થવા જઈ રહી છે, જ્યાં અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષ આક્રમક છે.
લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ કેમ લાવવામાં ન આવ્યું?
રાજ્યસભામાં ચર્ચામાંથી ધ્યાન ન હટાવવા માટે આજે લોકસભાના એજન્ડામાંથી વન નેશન વન ઈલેક્શન બીલને હટાવી દેવામાં આવ્યું છે. એવી સંભાવના છે કે તેને મંગળવારે અથવા બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવે. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થશે. અગાઉ શુક્રવારે જાહેર કરાયેલા એજન્ડામાં કહેવામાં આવ્યું હતું કે વન નેશન વન ઈલેક્શન બિલ સોમવારે લોકસભામાં મૂકવામાં આવશે. સરકારે એ નથી કહ્યું કે તેણે આજે બિલ કેમ ન લાવવાનો નિર્ણય કર્યો અને કયા દિવસે લાવવામાં આવશે?
સંવિધાન પર લોકસભામાં ચર્ચા થઈ
ગયા અઠવાડિયે લોકસભામાં બંધારણની 75 વર્ષની સફર પર જોરશોરથી ચર્ચા થઈ હતી, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થયા હતા, પરંતુ કોઈ મોટા વિક્ષેપ કે લોકસભા સ્થગિત થઈ ન હતી. ગયા અઠવાડિયે, અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ સાથેના કથિત સંબંધો અને અદાણી જૂથ સામે લાંચ લેવાના આરોપોને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, રાજ્યસભામાં ચર્ચા અલગ સ્તરે થઈ શકે છે. વિપક્ષના એક નેતાએ કહ્યું કે જે રીતે વિપક્ષ અને શાસક પક્ષે જ્યોર્જ સોરોસ, અદાણી અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને હટાવવા માટે વિપક્ષની નોટિસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી, તે શક્ય છે કે આ મુદ્દાઓ પર ચર્ચા માટે આવે. બંધારણ પરની ચર્ચા દરમિયાન પણ આ મુદ્દાઓને વિપક્ષ રજૂ કરી શકે છે.