PM મોદી, પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચનારા ખેલાડીઓને મળ્યા, ખેલાડીઓએ જર્સી-હોકી સ્ટીક, પિસ્તોલ ભેટ આપી
પેરિસ ઓલિમ્પિકમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. PM મોદીએ દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મનુ ભાકર, પીઆર શ્રીજેશ, હરમનપ્રીત સિંહ અને અન્ય ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચીને ભારતીય ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને PM હાઉસમાં મળ્યા અને તેમની યજમાની કરી. આ દરમિયાન મનુ ભાકર, ભારતીય હોકી ટીમ અને અન્ય ખેલાડીઓ હાજર રહ્યા હતા. જ્યાં મનુએ વડાપ્રધાનને પિસ્તોલ ભેટમાં આપી હતી.
પીઆર શ્રીજેશ અને કેપ્ટન હરમનપ્રીત સિંહ સહિત હોકી ટીમે તેમને જર્સી અને હોકી સ્ટીક આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે મેડલ જીતનાર ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને અન્ય ખેલાડીઓને ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપી હતી.
હોકી ટીમે જર્સી અને સ્ટીક આપી હતી
ભારતીય હોકી ટીમે સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે ભારતના મહાન ગોલકીપર પીઆર શ્રીજેશ અને કેપ્ટન હરમનપ્રીત સિંહ સહિત આખી ટીમ વડાપ્રધાનને મળી ત્યારે તેઓએ તેમને ભેટમાં દરેક ખેલાડીઓએ હસ્તાક્ષર કરેલ જર્સી આપી હતી. આ ઉપરાંત હોકી સ્ટીક પણ ભેટમાં આપવામાં આવી હતી.
મનુ ભાકરે પિસ્તોલની ખાસિયત સમજાવી
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ રમતમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. એટલું જ નહીં, તેણે ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં બે મેડલ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ દરમિયાન તે પીએમ મોદીને તેની ખાસિયત સમજાવતી જોવા મળી હતી.
VIDEO | PM Modi (@narendramodi) meets Indian Olympic contingent at his residence in Delhi.
(Source: Third Party) pic.twitter.com/K2Gb5dzaCL
— Press Trust of India (@PTI_News) August 15, 2024
મનુ સાથે મિશ્રિત ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતનાર સરબજોત સિંહ અને શૂટિંગની 50 મીટર 3 પોઝિશન ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતનાર સ્વપ્નિલ કુસાલ પણ પીએમને મળ્યા અને તેમની સાથે વાત કરી. આ સિવાય યુવા કુસ્તીબાજ અને પેરિસમાં એકમાત્ર કુસ્તી મેડલ વિજેતા અમન સેહરાવતે પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. અંતમાં પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમના અનુભવો જાણ્યા હતા.
નીરજ ચોપરા અને પીવી સિંધુ હાજર નહોતા
ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પણ પીએમ મોદીને મળ્યા હતા. જો કે આ દરમિયાન ભારતના સ્ટાર એથ્લેટ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા હાજર ન હતા. તેમના સિવાય પીવી સિંધુ પણ પીએમને મળવા હાજર ન હતા.