હવે વિધાનસભામાં શુક્રવારની નમાઝ માટે નહીં મળે વિરામ, આસામ સરકારનો મોટો નિર્ણય
આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે રાજ્યમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાના કાયદાને બિનઅસરકારક બનાવવા માટે વિધાનસભામાં ગઈકાલે એક બિલ પસાર કર્યું હતું. આજે સરકારે જુમ્માના દિવસે વિધાનસભામાં મુસ્લિમ સભ્યો માટે 2 કલાકના વિરામની પ્રણાલીને નાબૂદ કરી છે.
આસામ વિધાનસભામાં હવે મુસ્લિમ સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારે, હિમંતા બિસ્વા સરમાની સરકારે, વિધાનસભાના સત્ર દરમિયાન શુક્રવારે મુસ્લિમ સભ્યોને આપવામાં આવતો બે કલાકનો વિરામ નાબૂદ કરી દીધો છે. શુક્રવારે આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત દૈમરી દ્વારા મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે સરકારનું કહેવું છે કે આનાથી વિધાનસભાની કાર્યક્ષમતા વધશે અને શુક્રવારે પણ સામાન્ય દિવસોની જેમ જ કાર્યવાહી ચાલુ રહેશે.
આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ, વિધાનસભા અધ્યક્ષ વિશ્વજીત દૈમરીના નિર્ણયને આવકાર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં, મુખ્યમંત્રીએ કહ્યું કે, વિધાનસભામાં બે કલાકના વિરામને નાબૂદ કરીને, સ્પીકરે કાર્યક્ષમતાને પ્રાધાન્ય આપ્યું છે અને વસાહતી બોજનો બીજો અવશેષ દૂર કર્યો છે. આ પ્રથા 1937માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ શરૂ કરી હતી. આ ઐતિહાસિક નિર્ણય માટે સ્પીકર વિશ્વજીત દૈમરી અને અમારા ધારાસભ્યોનો હું આભાર માનું છું.
અત્યાર સુધી જુમ્મા માટે 2 કલાકનો વિરામ હતો
સામાન્ય રીતે આસામ વિધાનસભાની કાર્યવાહી સોમવારથી ગુરુવાર સુધી સવારે 9.30 વાગ્યે શરૂ થાય છે. શુક્રવારના દિવસે ગૃહની કાર્યવાહીમાં 2 કલાકનો વિરામ આપવામાં આવ્યો હતો. વિરામના કારણે ગૃહની કાર્યવાહી શુક્રવારે સવારે 9 વાગ્યાથી શરૂ થતી હતી, પરંતુ હવે વિરામનો સમય રદ કરવામાં આવ્યા બાદ દરરોજ સવારે 9.30 વાગ્યાથી વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે.
By doing away with the 2 hour Jumma break, @AssamAssembly has prioritised productivity and shed another vestige of colonial baggage.
This practice was introduced by Muslim League’s Syed Saadulla in 1937.
My gratitude to Hon’ble Speaker Shri @BiswajitDaimar5 dangoriya and our…
— Himanta Biswa Sarma (@himantabiswa) August 30, 2024
એક દિવસ પહેલા મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું હતું
ગઈકાલ, 29 ઓગસ્ટના રોજ, આસામ વિધાનસભાએ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાના કાયદાને બિનઅસરકારક બનાવવા માટે એક બિલ પસાર કર્યું હતું. આ બિલ રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી જોગેન મોહને 22 ઓગસ્ટે વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બિલમાં આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935 અને આસામ રિપીલ ઓર્ડિનન્સ 2024ને રદ કરવાની જોગવાઈ હતી.
સરકારે કહ્યું- ધ્યેય કાઝી સિસ્ટમથી છૂટકારો મેળવવાનો છે
વિધેયક પર ચર્ચા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર બાળ લગ્નનો અંત લાવવાનો નથી પરંતુ કાઝી પ્રથામાંથી મુક્તિ મેળવવાનો પણ છે. અમે મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડા માટે નોંધણીને સરકારી સિસ્ટમમાં લાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે લગ્નની નોંધણી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરવાની રહેશે. રાજ્ય સરકાર કાઝીઓની જેમ કોઈ ખાનગી સિસ્ટમને અલગથી સમર્થન આપી શકે નહીં.