બંગાળની દક્ષિણ-પશ્ચિમમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું 17 ઑક્ટોબરના રોજ સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની આશંકા છે અને દક્ષિણ કિનારે અને રાયલસીમા પર અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. તે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
દક્ષિણ તટ અને રાયલસીમાના ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનની ગતિ 40-60 કિમી/પ્રતિ કલાકની હોવાની સંભાવના છે.
તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે શહેરમાં વાહન-વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે રોજિંદા જીવનમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો. મુશળધાર વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દક્ષિણ રેલવેએ જળબંબાકારના કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી.
IMDએ ઍલર્ટ જારી કર્યુ છે કે, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને ચેન્નાઈ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એક કે બે સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની આગાહીને પગલે બેંગલુરુમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડાની અસરના કારણે ચેન્નઇમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ચેન્નાઈમાં ચો તરફ ભારે વરસાદના કારણે પાણી પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. અને ગંદકીના ઢગલાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને કન્યાકુમારી વોટરફોલ ખાતે પણ સંપૂર્ણરીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો. તંત્ર દ્વારા દરેક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અનેક સ્થળે રાહત બચાવ કામગીરી અને સ્થાળંતરની કામગીરી હાથ ધરાઈ છે.
બેંગાલુરુમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. સતત 24 કલાકથી વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે. ઈમારતો પરથી ધોધ પડતા હોય તેવાં દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામથી સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. બેંગલુરુમાં 17 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આગામી 24 કલાક અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મદદ માટે NDRF અને SDRFની ટીમો ઉતારવામાં આવી છે. વરસાદી જોખમની શક્યતાને પગલે શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. IT સહિત ખાનગી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે.
હજુ પણ આગામી 48 કલાક ખુબ જ ભારે છે. ગુરુવારે સવારે વાવાઝોડું ત્રાટકશે જેના કારણે આગામી 48 કલાક અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની ચેતવણીને લઇને હાલ તંત્ર સજ્જ બન્યું છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સામાન્ય થી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરાઇ છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.