સંસદમાં જય પેલેસ્ટાઈન બોલવાથી ઓવૈસીનું સાંસદ પદ સમાપ્ત થઈ શકે ? રાષ્ટ્રપતિને થઈ ફરિયાદ, ગેરલાયક ઠેરવવા માટેના શું છે નિયમો ?
લોકસભામાં સંસદ સભ્ય તરીકેના શપથ ગ્રહણ દરમિયાન ઓવૈસીએ તેમના રાજ્ય તેલંગાણા અને બી આર આંબેડકરના નારા લગાવવા ઉપરાંત 'જય પેલેસ્ટાઈન'ના નારા પણ લગાવ્યા હતા, જેનાથી વિવાદ થયો હતો. જો કે પાછળથી જય પેલેસ્ટાઈન શબ્દ લોકસભાના રેકોર્ડ પરથી દૂર કરાયો હતો.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ, ગઈકાલ મંગળવારે લોકસભાના સભ્ય તરીકેના શપથ ગ્રહણ દરમિયાન, અન્ય નારાની સાથે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવવાને કારણે એક નવા વિવાદમાં સપડાયા છે. આ વિવાદે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ઓવૈસીની સાંસદ તરીકેની સદસ્યતા રદ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને, ગઈકાલે મંગળવારે મોડી રાત્રે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમના પિતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈને અસદુદ્દીન ઓવૈસીનુ સાંસદપદ રદ કરવા માટે ફરિયાદ દાખલ કરી છે.
તેમણે X પર લખ્યું છે કે, હરિ શંકર જૈને, રાષ્ટ્રપતિ સમક્ષ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ બંધારણની કલમ 102 અને 103 હેઠળ ફરિયાદ કરી છે અને તેમને સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.
Asaduddin owaisi has incurred disqualification by virtue of Article 102 of the Constitution of India and petition has been filed before the President of India. He is likely to be disqualified in accordance with the Constitution pic.twitter.com/ywcaUEMLPI
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) June 26, 2024
ગેરલાયકાતનો નિયમ શું છે?
બંધારણની કલમ 102 મુજબ, કોઈ વ્યક્તિ સંસદના કોઈપણ ગૃહના સભ્ય તરીકે પસંદ થવા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે – જો તે ભારત સરકાર હેઠળ અથવા કોઈપણ રાજ્યની સરકાર દ્વારા કોઈ લાભદાયક પદ ધરાવતા હોય, અથવા જો તેને અદાલત દ્વારા અયોગ્ય માનસિકતા ધરાવતા હોવાનું જાહેર કરવામાં આવે અથવા દેવાદાર કે નાદાર જાહેર કરવામાં આવે, અથવા તે ભારતના નાગરિકતાની સાથે અન્ય કોઈ દેશની નાગરિકતા ધરાવે, અથવા સંસદ દ્વારા પસાર કરાયેલા કોઈપણ કાયદા હેઠળ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હોય.
જ્યારે બંધારણની કલમ 103માં રાષ્ટ્રપતિને કલમ 102 હેઠળ કોઈ એવી ફરિયાદ મળે તો સંબંધિત સાંસદની યોગ્યતા અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે કોઈપણ નિર્ણય લેતા પહેલા ચૂંટણી પંચ સાથે પરામર્શ કરવો જરૂરી છે.
શું હતો સમગ્ર મામલો ?
સંસદમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, અસદુદ્દીન ઓવૈસીએ તેમના રાજ્ય તેલંગાણા અને બીઆર આંબેડકરની જય બલાવવાની સાથેસાથે, ‘જય પેલેસ્ટાઈન’ ના પણ બોલ્યા હતા. જેનાથી સંસદમાં હોબાળો મચ્યો હતો. જો કે, ગૃહમાંથી બહાર આવ્યા પછી, ઓવૈસીએ તેમની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું કે, તેમના “જય ભીમ, જય મીમ, જય તેલંગણા, જય પેલેસ્ટાઈન” બોલવામાં કંઈ ખોટું નથી. અન્ય સભ્યો પણ અલગ-અલગ નારા બોલ્યા છે, તો પછી આ કેવી રીતે ખોટું છે? બંધારણની જોગવાઈ સમજાવો ? મારે જે કહેવું હતું તે મે કહ્યું. મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઈન વિશે શું કહ્યું તે જાણી લેજો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે પેલેસ્ટાઈનના નારા કેમ લગાવ્યા, તો ઓવૈસીએ કહ્યું કે તેઓ અત્યાચારિત લોકો છે. દરમિયાન, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે તેમને પેલેસ્ટાઈનના ઉલ્લેખ અંગે કેટલાક સભ્યો તરફથી ફરિયાદો મળી છે, તેમણે ઉમેર્યું કે તેઓ ટિપ્પણીઓ અંગેના નિયમોની તપાસ કરશે. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈન કે અન્ય કોઈ દેશ સાથે અમારી કોઈ દુશ્મની નથી. મુદ્દો માત્ર એટલો જ છે કે શું કોઈ સભ્યએ શપથ લેતી વખતે બીજા દેશની પ્રશંસામાં નારા લગાવવા યોગ્ય છે કે નહીં ? આપણે નિયમો તપાસવાના છે. કેટલાક સભ્યોએ મને ફરિયાદ કરી છે કે ઓવૈસીએ શપથના અંતે પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા.