Exit Poll 2024 : આજે (બુધવાર 20મી નવેમ્બરે) સાંજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે મહારાષ્ટ્રમાં, લોકો એક તબક્કામાં તમામ 288 બેઠકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તો ઝારખંડમાં, બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે ગત 13 નવેમ્બરે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં આજે એક જ તબક્કાની તમામે તમામ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય યુપીની 9 વિધાનસભા સીટો અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. કેરળની હાઈપ્રોફાઈલ સંસદીય બેઠક વાયનાડમાં પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન બાદ પરિણામની રાહ જોવામાં આવશે, જે 23 નવેમ્બરે આવશે. પરંતુ તે પહેલા આજે સાંજે એક્ઝિટ પોલ આવશે, જેમાં વિવિધ ન્યૂઝ ચેનલો જણાવશે કે કોણ જીતી રહ્યું છે. એક્ઝિટ પોલના આંકડા અંતિમ નહીં હોય, તે માત્ર એક અંદાજ હોય છે.
મહારાષ્ટ્રમાં, જ્યાં મહાયુતિ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) મજબૂત પુનરાગમનની આશા રાખી રહી છે. મહાગઠબંધનમાં ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસે 101 ઉમેદવારો, શિવસેના (UBT)એ 95 ઉમેદવારો અને NCP (શરદ પવાર)એ 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિતની નાની પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે, જેમાં BSP 237 ઉમેદવારો અને AIMIM 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ઘણા કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લીકાર્જૂન ખરગે વગેરેએ પોતપોતાના ઉમેદવારો માટે મત મેળવવા માટે રાજ્યમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. મહાગઠબંધનમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCPનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધન મહિલાઓ માટે તેની લોકપ્રિય યોજનાઓ જેવી કે મારી લડકી બહેન દ્વારા સત્તા જાળવી રાખવાની આશા સેવી રહ્યું છે.
ઝારખંડમાં સત્તારૂઢ ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જોરદાર જંગ છે. જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન તેની કલ્યાણકારી યોજનાઓના આધારે સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ભાજપ હિન્દુત્વ, બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અને વર્તમાન સરકારના ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. રાજ્યમાં વિધાનસભાની 81 બેઠકો છે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન આજે 20 નવેમ્બરે થઈ રહ્યું છે. જો સોરેન સત્તામાં પરત ફરશે તો તેઓ ઈતિહાસ રચશે. જો તેઓ હારશે તો ઝારખંડમાં 24 વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત રહેશે.