Breaking News : BBCની દિલ્હી અને મુંબઇમાં સ્થિત ઓફિસમાં ITની રેડ, કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવાયા
IT Raid : તાજેતરમાં બીબીસી ગુજરાતના રમખાણો અને રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી વિડીયો સીરીઝ બનાવવાના કારણે સમાચારમાં છે.
આવકવેરા વિભાગે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC વિરુદ્ધ કાર્યવાહી કરી છે. IT વિભાગે BBCની દિલ્હી અને મુંબઇમાં આવેલી ઓફિસમાં કાર્યવાહી કરી છે. મંગળવારે એટલે કે આજે ITના અધિકારીઓએ રાજધાની દિલ્હી સ્થિત મીડિયા ઈન્સ્ટિટ્યૂટની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સાથે જ મુંબઇની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.
તાજેતરમાં બીબીસી ગુજરાતના રમખાણો અને રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી વિડીયો સીરીઝ બનાવવાના કારણે સમાચારમાં છે. BBCની “બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ને લઇને ઘણો હોબાળો પણ થયો છે. બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો ભારતથી લઈને લંડન સુધી વિરોધ થઈ રહ્યો છે. ભારતમાં આ ડોક્યુમેન્ટ્રીને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.
IT raid at #BBC ’s #Delhi office, employees’ phones seized .#Tv9News pic.twitter.com/AiqbxzoRzU
— Tv9 Gujarati (@tv9gujarati) February 14, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હી અને મુંબઇ સ્થિત BBCની ઓફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે. સાથે જ તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવાયા હોવાની પણ માહિતી છે. તો એવી પણ માહિતી સામે આવી છે કે તમામ કર્મચારીઓને ઓફિસની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે. તો સાથે જ મીડિયા ઈન્સ્ટિટ્યૂટની લંડન ઓફિસને પણ આવકવેરાના આ દરોડાની જાણકારી આપવામાં આવી હોવાની માહિતી છે.
જાણો વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી વિશે
બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની નવી બે ભાગની શ્રેણી બનાવી છે. તેના બંને ભાગ બહાર પાડવામાં આવ્યા છે. આ શ્રેણીમાં શરૂઆતના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફર પર વાતચીત કરવામાં આવી છે. આ સાથે જ તેમનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનું જોડાણ, ભાજપમાં તેમનું વધતું કદ અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની તેમની નિમણૂકની પણ તેમાં ચર્ચા કરવામાં આવી છે.
આખી શ્રેણીમાં સૌથી વધુ ચર્ચા ગુજરાતના રમખાણોની છે જ્યારે મોદી મુખ્યમંત્રી હતા. આ સિવાય પીએમ મોદીની ઈમેજ એક ખાસ ધર્મ વિરુદ્ધ જીવતા નેતા તરીકે રજૂ કરવામાં આવી છે. આ શ્રેણી ભારતમાં પ્રસારિત કરવામાં આવી ન હતી, પરંતુ તે લંડન સહિત વિશ્વના ઘણા દેશોમાં બીબીસી દ્વારા ચલાવવામાં આવતી હતી. આ અંગે વિવાદ ઉભો થયો છે.